આસામ કંપની લિમિટેડ : ભારતમાં ચાના વ્યાવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરનાર કંપની. 1839માં ઇંગ્લૅન્ડમાં તે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. પાંચ લાખ પાઉંડની મૂડીથી શરૂ થયેલ કંપનીના કાર્યકર્તામાં વિલિયમ ક્રૉફર્ડ, જી. જી. એચ. લારપન્ટ અને રિચાર્ડ ટવાઇનિંગ મુખ્ય હતા. લોકપ્રિય બનેલ ચાની વધતી માગને સંતોષવા અને ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવા 1840માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને જમીન તથા કાર્યાલયનો મહત્તમ ભાગ દશ વર્ષ માટે વિના શુલ્કે વાપરવા માટે આપ્યો હતો. તે જ સમય દરમિયાન દ્વારકાનાથ ટાગોરે ચાના વ્યવસાય માટે બેંગૉલ ટી ઍસોસિયેશનની સ્થાપના કરી હતી. સમાન હેતુઓ ધરાવતી આ કંપનીઓએ 1845માં વિલીનીકરણ સ્વીકારી રૂ. 50 લાખની મૂડીથી નવી કંપનીની સ્થાપના કરી હતી. આ વણખેડ્યા ક્ષેત્રમાં કાર્ય કરતી એકમાત્ર કંપનીએ મજૂરોની તંગી, અફીણનું હરીફ ઉત્પાદન અને પરિવહનમાં મુશ્કેલીઓ છતાં સંશોધન અને પરિશ્રમથી ચાના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી હતી. ચાનું ઉત્પાદન 79,559.2 કિગ્રા.થી વધીને 3,96,083.67 કિગ્રા. થયું હતું. 1856-60 દરમિયાન કંપનીએ 2½ %થી વધારીને 12 % સુધી ડિવિડન્ડ આપ્યું હતું.

કંપનીની સફળતાને અનુલક્ષીને 1859-’65 દરમિયાન 20 બીજી કંપનીઓ લંડન તથા કૉલકાતામાં રજિસ્ટર્ડ થઈ હતી. વળી નોંધાયા વિનાના પણ ચાના અનેક બગીચાઓ હતા જ. 1860માં ચાનું ઉત્પાદન વિક્રમરૂપ 27,24,000 કિગ્રા. થયું હતું. પરિણામે વ્યાપારમાં મંદી આવી. બિનકાર્યક્ષમ વહીવટને કારણે કંપનીની આર્થિક સ્થિતિ નબળી પડી અને 1865-67 દરમિયાન ખોટ કરી હતી. ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે વિનિમય-દર નીચો જતાં ચાના વ્યાપારમાં નફો રળવાની શરૂઆત થઈ. 1871–80 દરમિયાન કંપનીએ 35 % સુધી ડિવિડન્ડ આપ્યું હતું. સમયાંતરે વિશ્વભરમાં ચાની લોકપ્રિયતામાં વધારો થયો અને અનેક કંપનીઓએ ઉત્પાદનક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ભારત સ્વતંત્ર થયા પછી પણ આસામ કંપનીનો વહીવટ ઇંગ્લૅન્ડથી થતો રહ્યો. નબળા સંચાલનને પરિણામે તેને વ્યાપારમાં ચઢાવ-ઉતારનો અનુભવ થતો રહ્યો.

1977માં ડંકન મેકનીલ જૂથે આસામ કંપની હસ્તકની 6 સ્ટર્લિંગ કંપનીઓ ખરીદી લીધી હતી. કૉલકાતા અને આસામ હાઇકૉર્ટે આ સર્વે કંપનીઓના વિલીનીકરણને 31 ડિસેમ્બર, 1977ના દિવસે મંજૂરી આપી હતી. નવી આસામ કંપની (ઇન્ડિયા) પાસે 7,400 હેક્ટર જમીનમાં ચાના 16 બગીચાઓ અને ચા બનાવનારી 17 ફૅક્ટરીઓ હતી. કંપનીનાં 150 વર્ષની ઉજવણી નિમિત્તે 1989માં કંપનીનું નામ ‘આસામ કંપની લિમિટેડ’ કરવામાં આવ્યું હતું. તેનું ચાનું ઉત્પાદન 1988-89માં 12,159 ટનથી વૃદ્ધિ પામીને 1999માં 15,570 ટન થયું હતું. તેનું વેચાણ રૂ. 144.72 કરોડ અને નફો રૂ. 5.65 કરોડ હતો. વિશ્વસ્પર્ધામાં પોતાનો હિસ્સો જાળવવા કંપનીએ ઊંચી ગુણવત્તા ધરાવતી ચાના ઉત્પાદન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વળી તેણે તાત્ક્ષણિક ચા (instant tea), આહાર-સુવાસિત ચા (food flavoured tea) અને વનસ્પતિ-સુવાસિત ચા (herbal flavoured tea) જેવી વિવિધ પ્રકારની ચા બનાવવા માટે ઇંગ્લૅન્ડની એશ્વિઝ સાથે સહયોગ કર્યો છે. કંપનીના શૅરભંડોળમાં આશરે 65 % મૂડી વિદેશી માલિકીની છે.

જયકુમાર ર. શુક્લ

જિગીશ દેરાસરી