આસામનાં વાંસનાં ઘરો

January, 2002

આસામનાં વાંસનાં ઘરો : આસામમાં અનોખી શૈલીથી બનાવેલાં વાંસનાં ઘરો. ભારતના પૂર્વમાંના હિમાલય પર વાંસનાં જંગલો વિસ્તૃત છે. આને લઈને આસામના પ્રદેશમાં વાંસ લોકોને માટે એક અત્યંત સહેલાઈથી મળતો ઇમારતી માલસામાન છે. વાંસનો ઉપયોગ જીવન-જરૂરિયાતની લગભગ બધી જ જગ્યાએ અત્યંત કાબેલિયત સાથે લોકો કરે છે. વાંસનાં ઘરોની બાંધણી પણ અત્યંત વૈવિધ્યપૂર્ણ હોય છે. પર્વતીય જમીન ઉપર વધારે પડતા વરસાદથી બચી શકાય તે માટે આસામનાં મકાનો ઘણુંખરું જમીનથી અધ્ધર બંધાય છે. વાંસના ઘણા પ્રકારો કુદરતી રીતે જ આ પ્રદેશમાં ઊગે છે. ઘર બાંધવામાં બેથી ત્રણ જાતના વાંસ વપરાય છે : આધાર માટેના, ફરસ માટેના અને દીવાલ માટેના. વાંસની કારીગરી પણ આ ઉપયોગો પરત્વે વિવિધ હોય છે. વાંસનાં ઘર ઝડપથી બાંધી શકાય છે. સામાન્ય માણસો ખર્ચી શકે તેવી કિંમતમાં તે બાંધી શકાય છે. વળી બાંધકામની રીતો અત્યંત સાદી હોવાથી લગભગ દરેક માણસ તે જાતમહેનતથી અથવા અલ્પ મદદ વડે બાંધી શકે છે. આ રીતે બાંધવામાં આવેલાં ઘરોની રચના એક આગવી શૈલી તરીકે બાંધકામના ક્ષેત્રમાં સ્વીકારાઈ છે, જે લોકસંસ્કૃતિનું પણ સુંદર પ્રતિબિંબ પાડે છે.

રવીન્દ્ર વસાવડા