આસફખાન (જ. 1503, ચાંપાનેર; અ. 1554, મહેમદાવાદ) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-1537)નો નામાંકિત, બાહોશ, વિદ્વાન અમીર અને વજીર. સિંધના રાજા જામ નંદાનો વંશજ. નામ અબ્દુલ-અઝીઝ. પિતાનું નામ હમીદુલ-મુલ્ક જે સુલતાન મુઝફ્ફરશાહ બીજા(ઈ.સ. 1511-1526)ના દરબારનો એક અમીર હતો. પ્રખર શિક્ષકો પાસેથી વિવિધ વિષયોમાં શિક્ષણ લઈ રાજ્યસેવા સ્વીકારી બહાદુરશાહના વિશ્વાસુ મુખ્ય વજીરના પદ સુધી પહોંચ્યો. મુઘલ બાદશાહ હુમાયૂંના ગુજરાત પરના આક્રમણ સમયે બહાદુરશાહે જનાનખાનાની બેગમો અને શાહી ખજાનાની પેટીઓ લઈને સુરક્ષા માટે આસફખાનને હવાલે કરી દીવ અને ત્યાંથી મક્કા મોકલ્યો. આસફખાન પોતાના કુટુંબ તેમજ કારભારી અને બીજા અમીરો સાથે ઈ. સ. 1536માં દસ વહાણોમાં સવાર થઈ દીવથી મક્કા પહોંચ્યો. 12 વર્ષના વિદેશનિવાસ દરમિયાન આસફખાનનાં વિદ્વત્તા તથા પ્રતિભાશાળી વ્યક્તિત્વથી મક્કા, કેરો વગેરે શહેરોના વિદ્વાનો પ્રભાવિત થયા હતા. પ્રસિદ્ધ વિદ્વાન અને ધર્મશાસ્ત્રોના નિષ્ણાત ઇબ્નેહજર અલ્-મક્કીએ આસફખાનનું જીવનચરિત્ર અરબીમાં લખ્યું હતું. મક્કાના બીજા એક વિદ્વાન અને કવિ અબ્દુલ-અઝીઝ મક્કીએ તેની પ્રશંસામાં અરબીમાં એક કસીદો અને તેના મૃત્યુ પછી શોકગીત લખ્યું હતું. આસફખાનના મક્કાના સહવાસી અને કારભારી, ગુજરાતના અરબી ઇતિહાસના લેખક હાજી ઉદબીરે પોતાના પુસ્તકમાં આ કૃતિઓનો ઉલ્લેખ કરી તેનાં વિસ્તૃત અવતરણો આપ્યાં છે.

સુલતાન મહમૂદશાહ ત્રીજા(ઈ. સ. 1537-1554)એ ગુજરાતના અમીરોના અંદરોઅંદરના વિખવાદને લઈને કથળતી જતી પરિસ્થિતિના નિયંત્રણ માટે ઈ. સ. 1548માં આસફખાનને મક્કાથી હિંદુસ્તાન તેડાવી વડો વજીર નીમ્યો. ઈ. સ. 1554માં બુરહાન નામના માનીતા ચાકરના હસ્તે ઉક્ત સુલતાનનું ખૂન થયું. બીજા અગિયાર અમીરો અને વજીરોની સાથે આસફખાનની પણ કતલ કરવામાં આવી હતી.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ