આસક્તિ : મનની ભગવાન પ્રત્યે આત્યંતિક લગની. નારદભક્તિસૂત્રમાં આસક્તિના અગિયાર પ્રકારો બતાવ્યા છે, જે ભાગવત સંપ્રદાયની પૂજા-અર્ચા અને ભાવગીતોમાં અભિવ્યક્ત થતા જોવામાં આવે છે. આ અગિયાર પ્રકારો આ મુજબ છે : (1) ગુણ-માહાત્મ્યાસક્તિ, જેમાં ભગવાન કે તેમના અવતારવિશેષના ગુણોની ભજના હોય. (2) રૂપાસક્તિ, જેમાં ભગવાનના રૂપ પ્રત્યેની મુગ્ધતા વ્યક્ત થતી હોય. (3) પૂજાસક્તિ, જેમાં ભગવાનની પૂજા-અર્ચના ભક્તિભાવથી થતી હોય. (4) સ્મરણાસક્તિ, જેમાં ભક્ત ભગવાનના ગુણ, લીલાઓ, નામમહિમા વગેરેનું સ્મરણ કરીને સુખી થતો હોય. (5) દાસ્યાસક્તિ, જેમાં દાસ્યભાવથી ભગવદભક્તિ થાય. (6) સખ્યભક્તિ, જેમાં ભગવાનની સખાભાવે ભક્તિ થતી હોય. (7) કાન્તાસક્તિ, જેમાં ભગવાનની પ્રેયસીના ભાવથી ભક્તિ થતી હોય. (દા. ત., મીરાંની ભક્તિ). (8) વાત્સલ્યાસક્તિ, જેમાં ભગવાન પ્રત્યે વાત્સલ્યભાવે ભક્તિ થતી હોય. (9) આત્મનિવેદનાસક્તિ, જેમાં ભક્ત ભગવાન સમક્ષ પોતાના અવગુણો પ્રગટ કરતો હોય. (10) તન્મયાસક્તિ, જેમાં પરમાત્મા પ્રત્યે આત્મવિભોર થઈને ભક્તિ થતી હોય, (11) પરમવિરહાસક્તિ, જેમાં ભક્ત ભગવાનના વિરહમાં સતત વ્યાકુળ રહેતો હોય.
પ્રવીણચંદ્ર પરીખ