આશાપૂર્ણા દેવી (જ. 8 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 13 જુલાઈ 1995, કૉલકાતા) : સ્વાતંત્ર્યોત્તર કાળનાં સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા. પ્રાથમિકથી સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટી તરફથી એમને 1954માં લીલા પારિતોષિક અને 1963માં ભુવનમોહિની સુવર્ણચન્દ્રક એનાયત થયેલાં. 1966માં પશ્ચિમ બંગાળ સરકારે એમને રવીન્દ્ર પુરસ્કાર એનાયત કરેલો. એમની બૃહદ્ નવલકથા ‘પ્રથમ પ્રતિશ્રુતિ’એ એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી. એ નવલકથા માટે તેમને 1977માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. 1976માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપીને સન્માનિત કરેલાં.

એમની નવલકથાઓ, નવલિકાસંગ્રહો અને ઇતર સાહિત્યપ્રકારમાં રચેલી કૃતિઓની સંખ્યા લગભગ 140 જેટલી છે. એમાં મહત્વની ઉલ્લેખનીય કૃતિઓ : ‘અગ્નિપરીક્ષા’ (1952), ‘પ્રથમ પ્રતિશ્રુતિ’ (1964), ‘સુવર્ણલતા’ (1966), ‘બકુલકથા’ (1974), ‘કખનએ દિન કખનએ રાત’ (1976), ‘દૂરેર જાનાલા’ (1978), ‘અસ્તિત્વ’ (1985), ‘તિન તરંગ’ (1989).

આશાપૂર્ણાદેવી એમની કૃતિઓમાં સાંપ્રત કાળમાં નારીનું કેવું સ્થાન છે અને એની કઈ કઈ સમસ્યાઓ છે તેનું વાસ્તવિક ચિત્ર આલેખે છે. એમની કૃતિઓમાં નારી વિદ્રોહ પણ કરે છે. કથાનિરૂપણમાં વૈવિધ્ય છે અને એમણે નવા રુચિર પ્રયોગો પણ કર્યા છે. તેઓ હરેક યુગની જોડે કદમ મિલાવતાં રહ્યાં છે તેથી જ બધી પેઢીઓના વાચકોને આકર્ષી શક્યાં છે. નારીજીવનનો બદલાતો પરિવેશ એમણે સચોટતાથી નિરૂપ્યો છે. એમની જ્ઞાનપીઠ પુરસ્કૃત કૃતિ ‘પ્રથમ પ્રતિશ્રુતિ’માં એમણે ત્રણ પેઢીની કથા આલેખી છે. બે પેઢીઓ વચ્ચેના અંતરનું સ્વરૂપ પહેલાં કેવું હતું અને એમાં કેવું પરિવર્તન આવતું ગયું તે બધી પેઢીઓ પ્રતિ સમભાવ રાખીને એમણે નિરૂપ્યું છે. આથી એમનાં પાત્રો જીવંત લાગે છે. એમની કથાઓનો ઝોક વાસ્તવિકતાનું નિરૂપણ કરવા તરફ છે. એમની નવલકથાઓનો ભારતની અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.

નિવેદિતા બસુ