આશાપલ્લી : કર્ણાવતીની સ્થાપના પહેલાં તેની પાસે આશારાજે વસાવેલું ગામ. અહમદશાહે 1411માં અમદાવાદ વસાવ્યું તે પહેલાં સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ (1064-1094) તેની નજીકમાં કર્ણાવતી વસાવેલી. અગિયારમી સદીના અરબ લેખકોએ એનો ‘આસાવલ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. 1251ના એક અભિલેખમાં અને 1294ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં આશાપલ્લીનો નિર્દેશ છે. ‘પ્રભાવકચરિત’ (1277), ‘પ્રબંધચિંતામણિ’ (1305), ‘વિવિધતીર્થકલ્પ’ (1308-33) વગેરે પ્રબંધગ્રંથોમાં એનો ઉલ્લેખ થયો છે. પ્રાચીન હસ્તપ્રતોમાં એનો નિર્દેશ 11મીથી 16મી સદી સુધી મળે છે. કર્ણદેવે આશાપલ્લીના ભિલ્લરાજા આશાને હરાવી ત્યાં કર્ણાવતી નગરી વસાવી એવી અનુશ્રુતિ છે. આ આશાપલ્લી એ પહેલાં વસેલી હતી ને એને વસાવનાર આશારાજ એ સમયમાં થયો હોય, તો એ અગિયારમી સદીમાં વસી ગણાય. પરંતુ અમદાવાદના સ્થાનમાં આઠમીથી દસમી સદીનાં શિલ્પ મળ્યાં છે તે આશાપલ્લીના સમયનાં હોય તો એ વધુ પ્રાચીન ગણાય. આશાપલ્લી એ હાલનું અસારવા નથી. આસ્ટોડિયામાં ‘આશા ભીલનો ટેકરો’ કહેવાય છે એ એની અંતર્ગત ગણાય. દક્ષિણ-પશ્ચિમે એ હાલના જમાલપુર-રાયખડ સુધી વિસ્તૃત હશે. જમાલપુરની દક્ષિણે 16મી સદીમાં નવું આસાવલ વસ્યું હતું, જ્યાં મીર અબુ તુરાબે કદમે રસૂલ શરીફ (પેગંબર સાહેબનાં પગલાં) પધરાવ્યાં હતાં.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી