આલ્ડૉસ્ટિરોન (Aldosterone) : અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર(adrenal cortex)નો અંત:સ્રાવ (hormone). અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર અથવા બાહ્યકમાંથી બે મુખ્ય અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે : કૉર્ટિસોન અને આલ્ડૉસ્ટિરોન. આલ્ડૉસ્ટિરોન મિનરલો-કૉર્ટિકૉઇડ સમૂહમાં આવે છે અને તેનું મુખ્ય કાર્ય સોડિયમ, પોટૅશિયમ અને હાઇડ્રોજનના આયનોની સમતુલા જાળવવાનું છે. આલ્ડૉસ્ટિરોન આડકતરી રીતે લોહીના દબાણને પણ અસર કરે છે. જો આ અંત:સ્રાવ વધે તો અતિઆલ્ડૉસ્ટિરોનતા અને ઘટે તો અલ્પઆલ્ડૉસ્ટિરોનતા નામના વિકારો થાય છે. આ વિકારો સામાન્યપણે ઓછા જોવા મળે છે; તેમ છતાં તેમનાં લક્ષણો ઘણા બીજા સામાન્ય રોગોને મળતાં હોઈ રોગના નિદાનની પ્રક્રિયામાં તે અંગેની જાણકારી ખૂબ જ ઉપયોગી નીવડે છે.
નોંધ : નિર્જલન (dehydration), ધમનિકા (arteride), મૂત્રક (nephron), મૂત્રકગુચ્છ-સહસ્થાયી કોષપુંજ (juxtaglomerular apparatus).
બહિ:સ્તરના ‘ઝોના ગ્લોમેર્યુલોસા’ નામના વિભાગમાં ‘પ્રોજેસ્ટેરોન’માંથી ‘આલ્ડૉસ્ટિરોન’ બને છે. આલ્ડૉસ્ટિરોનનું ઉત્પાદન દરરોજ 0.15 મિગ્રા. જેટલું હોય છે અને લોહીમાં તેની સરાસરી માત્રા 0.16 મિ.ગ્રામ હોય છે. આલ્ડૉસ્ટિરોનના લોહીમાંના સ્તરનું નિયમન રેનિન-ઍન્જિઓટેન્સિન તંત્ર અને પોટૅશિયમ દ્વારા થાય છે. કાંઈક અંશે સોડિયમ અધિવૃક્ક-બાહ્યક-ઉત્તેજી અંત:સ્રાવ (adreno-cortico tropic hormone, ACTH) અને સીરોટોનિન દ્વારા પણ નિયમન થાય છે. રેનિન-ઍન્જિઓટેન્સિન તંત્ર લોહીના દબાણના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે અને લોહીના ઊંચા દબાણના કેટલાક કિસ્સાઓમાં તે મહત્વનું સ્થાન ધરાવે છે.
તે મૂત્રપિંડ, પાચનતંત્ર, લાળગ્રંથિ આલ્ડોસ્ટેરોન અને પ્રસ્વેદગ્રંથિના કાર્ય પર નિયમન કરે છે. તે રીતે પોટૅશિયમ-સોડિયમના ચયાપચય(metabolism)માં આલ્ડૉસ્ટિરોન મહત્વનો ભાગ ભજવે છે. આલ્ડૉસ્ટિરોનનું લોહીમાં પ્રમાણ વધે તો મૂત્રપિંડ સોડિયમનું પુન:શોષણ કરી તેનું પ્રમાણ લોહીમાં વધારે છે. તેના બદલામાં પોટૅશિયમ અને હાઇડ્રોજન આયનનો ઘટાડો થતાં આલ્કલિતા વિકાર (alkalosis) સર્જાય છે. સોડિયમનો ભરાવો લાંબે ગાળે લોહીમાં તેના ઊંચા પ્રમાણ રૂપે દેખા દે છે. અલ્પ-આલ્ડૉસ્ટિરોનતાથી શરીરમાં સોડિયમ ઘટે છે, પોટૅશિયમ વધે છે અને હાઇડ્રોજન આયન વધે, તેથી અમ્લતા વિકાર (acidosis) થાય છે. ખોરાકમાં વધારે મીઠું ખાવાથી આલ્ડૉસ્ટિરોન દ્વારા શરીરમાં સોડિયમનો ભરાવો થાય છે અને તેટલા જ પ્રમાણમાં પોટૅશિયમ પેશાબ દ્વારા બહાર ફેંકાઈ જાય છે. ખોરાકમાં સોડિયમનું પ્રમાણ ઘટાડવાથી આલ્ડૉસ્ટિરોન દ્વારા પેશાબમાં બહાર ફેંકાઈ જતા પોટૅશિયમનું પ્રમાણ ઘટે છે.
આલ્ડૉસ્ટિરોનને કારણે શરીરમાં થતો સોડિયમનો ભરાવો અમુક મર્યાદા સુધી જ થાય છે. ત્યારબાદ બીજાં કારણો અથવા અન્ય અંત:સ્રાવો અને મૂત્રપિંડમાં થતા ફેરફારોને લઈને સોડિયમનો વધુ ભરાવો અટકી જાય છે. હૃદયની ક્રિયાનિષ્ફળતા (heart failure) અને યકૃતકાઠિન્ય (liver cirrhosis) વગેરે રોગોમાં પણ આલ્ડૉસ્ટિરોનનું પ્રમાણ વધે છે. પરિણામે, શરીરમાં સોડિયમનો અમર્યાદિત ભરાવો થતાં સોજા આવે છે. શરીરમાં પોટૅશિયમનું પ્રમાણ વધે ત્યારે આલ્ડૉસ્ટિરોનનો સ્રાવ વધે છે, અને પેશાબ દ્વારા વધારાનું પોટૅશિયમ બહાર ફેંકાઈ જાય છે. લોહીમાં પોટૅશિયમનું વધુ પડતું પ્રમાણ હૃદયના કાર્યને નુકસાનકારક હોઈ શરીરના રક્ષણ માટે આ જાતની વ્યવસ્થા ખૂબ જ મદદરૂપ નીવડે છે.
પ્રસ્વેદગ્રંથિ, લાળગ્રંથિ અને મોટા આંતરડામાં પણ આલ્ડૉસ્ટિરોન ઉપર મુજબ કાર્ય કરે છે. તેથી લાળરસમાં સોડિયમ-પોટૅશિયમનું પ્રમાણ જાણવાથી આલ્ડૉસ્ટિરોનનું રુધિરી સ્તર (blood level) નક્કી કરી શકાય છે.
લોહીમાં આલ્ડૉસ્ટિરોનનું પ્રમાણ નક્કી કરવા વર્ણકલેખન (chromatography) અને વિકિરણ પ્રતિરક્ષા-આમાપન(radioimmuno assay)ની પદ્ધતિ ઉપયોગી છે. પેશાબમાં પણ આલ્ડૉસ્ટિરોનનું પ્રમાણ જાણવામાં આવે તે નિદાન માટે ઉપયોગી છે.
હસમુખ ચીમનલાલ મહેતા
શિલીન નં. શુક્લ