આલ્કેલાઇન મૃદધાતુઓ (Alkaline Earth Metals) : આવર્ત કોષ્ટકના 2જા (અગાઉના II A) સમૂહનાં રાસાયણિક ધાતુતત્વો તેમાં બેરિલિયમ (Be), મૅગ્નેશિયમ (Mg), કૅલ્શિયમ (Ca), સ્ટ્રૉન્શિયમ (Sr), બેરિયમ (Ba) અને રેડિયમ(Ra)નો સમાવેશ થાય છે. આ ધાતુઓ ધનવિદ્યુતી (electropositive) છે. બહારનું ઇલેક્ટ્રૉન કવચ (shell) s2 પ્રકારનું છે, જે સરળતાથી M2+ આયનો આપે છે. ‘મૃદ્’ (earth) શબ્દનો અર્થ અધાતુ પ્રકારનો ગરમીની અસર ન થાય તેવો પાણીમાં લગભગ અદ્રાવ્ય પદાર્થ. કૅલ્શિયમ ઑક્સાઇડ (CaO) આવો મૃદ્ પણ આલ્કેલાઇન પદાર્થ હોઈ આ સમૂહનું નામ આલ્કેલાઇન મૃદધાતુઓ પડ્યું છે. તે કુદરતમાં ખનિજ રૂપે જ મળે છે.
પ્રવીણસાગર સત્યપંથી