આલાર કાલામ : બુદ્ધના પ્રથમ ગુરુ. ‘અરિયપરિવેસાનસુત્ત’માં બુદ્ધની આલાર સાથેની મુલાકાત વર્ણવી છે. આલારે બુદ્ધને આકિંચન્યાયતન સમાધિ શીખવી અને બુદ્ધે તેને સિદ્ધ કરી. પરંતુ બુદ્ધને તેટલાથી સંતોષ ન થયો અને તે આલારને છોડી ગયા. જ્યારે બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થયું ત્યારે સૌપ્રથમ આલારને પોતાનો ઉપદેશ ઝીલવા યોગ્ય ગણી તેમને ઉપદેશ આપવાનો નિર્ણય કર્યો. પરંતુ સાત દિવસ પહેલાં જ આલારનું અવસાન થયું હતું. ‘મહાપરિ-નિબ્બાનસુત્ત’માં મલ્લ પુક્કુસ પોતાને આલારના શિષ્ય તરીકે ઓળખાવે છે. પુક્કુસ બુદ્ધ આગળ આલારનું વર્ણન એક મહાયોગી તરીકે કરે છે. બુદ્ધઘોષ અનુસાર જે વખતે બુદ્ધ આલારના શિષ્ય હતા તે વખતે ભરંડુ કાલામ પણ આલારના શિષ્ય હતા. અશ્વઘોષે પોતાના બુદ્ધચરિતમાં આલારના મુખમાં જે તત્વજ્ઞાન મૂક્યું છે તેનું સાંખ્ય તત્વજ્ઞાન સાથે ઘણું સામ્ય છે. આલાર કાલામમાં કાલામ એ જાતિવાચક નામ છે, જ્યારે આલાર એ વ્યક્તિવાચક નામ છે. બુદ્ધઘોષ જણાવે છે કે તે આલાર નામે ઓળખાતા કારણ કે તે દીર્ઘ-પિંગલ હતા.
નગીનભાઈ જીવણલાલ શાહ