આલાબામા (Alabama) : યુ.એસ.ના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. તે આશરે 310થી 350 ઉ. અ. અને 850થી 880 20´ પ. રે. વચ્ચેનો 1,34,700 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ. દ. લંબાઈ 536 કિમી. અને પૂ. પ. પહોળાઈ 333 કિ.મી. જેટલી છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વે જ્યૉર્જિયા, દક્ષિણે ફ્લૉરિડા તથા પશ્ચિમે મિસિસિપી રાજ્યો આવેલાં છે.
પ્રાકૃતિક રચના : દક્ષિણ આલાબામાનો આશરે 66 % જેટલો વિસ્તાર પૂર્વ અખાત નજીકનાં દરિયાકિનારાનાં મેદાનોથી રોકાયેલો છે, જ્યારે મોબીલ નદીનાં મુખત્રિકોણનાં મેદાનો પંકભૂમિથી બનેલાં છે. વાયરગ્રાસનો વિસ્તાર એકમાત્ર મહત્વનો ખેતીકીય પ્રદેશ ગણાય છે. પશ્ચિમ તરફનો મધ્યભાગ પાઈનનાં વૃક્ષોથી છવાયેલો છે. પૂર્વ અખાતના કિનારાના મધ્ય ભાગમાં કપાસની કાળી જમીનો આવેલી છે.
આ રાજ્યના વાયવ્યકોણમાં પીડમૉન્ટના ઉચ્ચપ્રદેશમાં 734 મીટર ઊંચાઈ ધરાવતો ચેહા (Cheaha) પર્વત આવેલો છે. રાજ્યનું આ સર્વોચ્ચ સ્થળ છે. મેક્સિકોના અખાતનો કિનારો રાજ્યની સૌથી નીચી સપાટી ધરાવે છે. આ સિવાય અહીં હૉર્ન પર્વત (583 મીટર), વીસનેર પર્વત (577 મીટર) અને મૉન્ટે સાનો પર્વત (503 મીટર) પણ ઊંચાં સ્થળો છે. રાજ્યની ઉત્તરે કમ્બરલૅન્ડનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. રાજ્યના મધ્યપૂર્વનો વિસ્તાર ગીચ જંગલોથી આચ્છાદિત છે.
આલાબામા નદી આ રાજ્યની સૌથી મોટી નદી છે. આ નદીનો મુખવિભાગ મોબીલ નામથી ઓળખાય છે. અન્ય નદીઓમાં વાયવ્યકોણમાં આવેલી ટેનેસી, સીપસી, વૉરિયર, કાહાબા, પી વગેરેનો સમાવેશ થાય છે. તેમનો વહનમાર્ગ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. આલાબામાના ઉત્તર ભાગમાં સ્મિથ સરોવર, વાઇસ સરોવર, મધ્ય ભાગમાં ટુસ્કાલુસ સરોવર, માર્ટિન અને લોગાન (Logan) માર્ટિન સરોવરો આવેલાં છે.
જમીનો : આ રાજ્યમાં વિવિધતા ધરાવતી ફળદ્રૂપ જમીનો આવેલી છે. ઉત્તરે ટેનેસી નદીના ખીણપ્રદેશમાં કપાસ અને ઘાસચારાને અનુકૂળ આવે એવી રાતી જમીનો આવેલી છે. પૂર્વ તરફ પીડમૉન્ટના ઉચ્ચપ્રદેશમાં રેતી-ચૂનાના વધુ પ્રમાણવાળી રતાશ પડતી જમીનો જોવા મળે છે. ઍપેલેશિયન તરફ અને પૂર્વ અખાતના કિનારા નજીક કાંપવાળી મેદાની જમીનો છે, જ્યારે દક્ષિણે કાળી જમીનો આવેલી છે.
આબોહવા : રાજ્યનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 90 સે. અને 280 સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,400 મિ.મી. જેટલો પડે છે. ઉનાળા દરમિયાન અવારનવાર તોફાની પવનો અનુભવાય છે. રાજ્યના ઉત્તર અને દક્ષિણ વિભાગમાં અનુક્રમે વરસાદના 200 અને 300 દિવસો ગણાય છે.
વનસ્પતિ–પ્રાણીજીવન : સમગ્ર યુરોપમાં જોવા ન મળે એવી વિભિન્ન પ્રકારની વનસ્પતિ આ રાજ્યમાં આવેલી છે. ઓક અને પાઈન અહીંનાં મુખ્ય વૃક્ષો છે. હિકોરી (hickory) (અખરોટના જેવું વૃક્ષ), ગુંદર આપતાં તેમ જ સાયપ્રસનાં વૃક્ષો પુષ્કળ છે. કૅન અને હંસરાજનાં વૃક્ષો પણ મળે છે. જંગલી ફૂલોમાં ગોલ્ડન રોડ, પીળાં જસ્મિન અને ગુલાબ મુખ્ય છે.
વન્ય પ્રાણીઓમાં ઉંદર, સસલાં, શિયાળ, બૉબીકૅટ અને હરણનો સમાવેશ થાય છે. અજગર, સાપ અને પાટલા ઘો જેવાં સરીસૃપો પણ જોવા મળે છે. પક્ષીઓમાં કથ્થાઈ ઘુવડ, લક્કડખોદ, ચકલીઓ, બતક, બગલાં વગેરેનું પ્રમાણ વધુ છે.
ખનિજસંપત્તિ : આર્થિક દૃષ્ટિએ મહત્વનાં અને ઉપયોગી બિટુમિનસ કોલસો, લોહઅયસ્ક, ચૂનાખડક, વિવિધ પ્રકારની માટી, ખનિજતેલ અને કુદરતી વાયુ અહીં પ્રાપ્ત થાય છે.
ખેતી–પશુપાલન–ઉદ્યોગ–વેપાર : કપાસ અહીંનો મહત્વનો કૃષિપાક ગણાતો હોવાથી આલાબામાને ‘કપાસ રાજ્ય’ (‘cotton state’) તરીકે નવાજવામાં આવ્યું છે. આ સિવાય સોયાબીન, મકાઈ અને મગફળીની પણ ખેતી અહીં થાય છે.
રાજ્યમાં પાણી અને ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળતાં હોવાથી ગાય અને ભુંડનાં અદ્યતન વિશાળ ઉછેરકેન્દ્રો અહીં વિકસાવાયાં છે. વળી મરઘાં-બતકાંનાં ઉછેરકેન્દ્રો પણ અહીં છે.
આ રાજ્યમાં લોખંડ-પોલાદ, રસાયણો, કાપડ અને કાગળ બનાવવાના ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે.
પરિવહન–પ્રવાસન : આલાબામા રાજ્ય પરિવહનની ઉત્તમ સુવિધાઓ ધરાવે છે. રાજ્યમાં 1,40,000 કિ.મી. લંબાઈના બારમાસી સડકમાર્ગો તથા 8,000 કિ.મી.ની લંબાઈના રેલમાર્ગો આવેલા છે. મોબીલ આ રાજ્યના નૈર્ઋત્ય કિનારે આવેલું અગત્યનું બંદર છે. અહીં આંતરકંઠાર અખાતી જળમાર્ગ (Gulf intercoastal waterway) આવેલો છે. મોબીલ, ટૉમ્બિગી અને વૉરિયર નદીઓ નૌકાવ્યવહાર માટે ઉપયોગી છે. આ માર્ગ બર્મિંગહામ જેવા મહત્વના ઔદ્યોગિક મથક સાથે સંકળાયેલો છે. રાજ્યમાં ઘણાં ટી. વી. કેન્દ્રો છે તથા વિવિધ વર્તમાનપત્રો પણ બહાર પડે છે.
મેક્સિકોના અખાતને કિનારે આવેલો રેતપટ અને મોબીલના અખાત પાસે આવેલો ડૉફિન ટાપુ સહેલાણીઓ માટેનાં જાણીતાં પ્રવાસમથકો છે. ડી સોટોની ચૂનાખડકોમાંની ભૂદૃશ્યાવલી, ઑનિક્સની પ્રાચીન ગુફા તેમજ ‘નાસા’ની પ્રયોગશાળા પણ જોવાલાયક છે.
મોબીલ, મૉન્ટગોમેરી, હન્ટ્સવીલ અને બર્મિંગહામ આ રાજ્યનાં મુખ્ય શહેરો છે. 2019 મુજબ રાજ્યની કુલ વસ્તી 49,03,185 જેટલી છે.
ઇતિહાસ : લગભગ 10 હજાર વર્ષ પહેલાં આ વિસ્તારમાં આદિમ જાતિના લોકો વસતા હોવાનો અંદાજ છે. 16મી સદીમાં યુરોપિયનો આવ્યા ત્યારે ક્રીક, ચેરોકી, ચોકટાવ અને ચિકાસાવ જનજાતિઓનાં જૂથો વસતાં હતાં. સ્પૅનિશ લોકોએ આલાબામા વિસ્તારમાં ખનિજ-સંપત્તિની શોધ ચલાવી હતી; પરંતુ 1702માં ફ્રેન્ચ લોકોએ ફૉર્ટ લૂઈ ખાતે સૌપ્રથમ કાયમી વસાહત ઊભી કરી હતી. 1719માં પહેલી વાર હબસી ગુલામો અહીં આવ્યા. આ પ્રદેશ પર સત્તા જમાવવા માટે 17મી અને 18મી સદીઓ દરમિયાન બ્રિટિશ, ફ્રેન્ચ અને સ્પૅનિશ લોકો વચ્ચે અનેક લડાઈઓ થઈ હતી. 1783 માં બ્રિટને મોટાભાગનો વિસ્તાર સંયુક્ત રાજ્યોને સોંપી દીધો, પરંતુ મોબીલ બે ખાતે 1813 સુધી સ્પેને પોતાનો કાબૂ જમાવી રાખ્યો હતો. 1861 માં આંતરવિગ્રહ દરમિયાન આલાબામા સંઘમાંથી અલગ થયું હતું અને કન્ફેડરેટ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં જોડાયું હતું. 1868માં તે ફરીથી સંઘમાં જોડાઈ ગયું હતું. 1933 માં ટેનેસીવૅલી ઑથોરિટી દ્વારા કેટલાક બંધો બાંધીને પૂરને અંકુશમાં લઈ જળવિદ્યુત-મથકો સ્થાપવામાં આવ્યાં. તે પછી રાજ્યમાં ઉદ્યોગો વધ્યા તથા વસ્તીમાં પણ વધારો થયો. 1960 ના દાયકા સુધી લગભગ 50 % પ્રજા ગ્રામવિસ્તારોમાં વસતી હતી; પછી આ ટકાવારી ઘટતી ગઈ છે. ચોથા ભાગની પ્રજા હબસી છે, બાકીની ગોરી છે. મોટા ભાગના લોકો પ્રૉટેસ્ટંટ ધર્મમાં માને છે. આ રાજ્યની પ્રજાએ લોકસાહિત્ય અને ગ્રામસંસ્કૃતિની પ્રણાલિકાઓ સાચવી રાખી છે. બે લાખથી વધુ વસ્તીવાળાં શહેરોમાં બર્મિંગહામ કોલંબસ અને મોબીલ છે. હન્ટ્સવિલે ખાતે આલાબામા અવકાશ અને રૉકેટ-કેન્દ્ર આવેલું છે. 1960ના દાયકાની શરૂઆતમાં ગવર્નર જ્યૉર્જ વૉલેસનો વિરોધ હોવા છતાં, આલાબામાની શાળાઓમાં જાતિવાદને ધ્યાનમાં રાખ્યા વગર પ્રવેશ આપવાનું ઠરાવવામાં આવ્યું. 1965માં નીકળેલી નગરયાત્રાને પરિણામે મતાધિકારનો કાયદો પસાર કરવામાં આવ્યો.
નીતિન કોઠારી