આલમઆરા (1931) : ભારતનું સર્વપ્રથમ બોલપટ. તેના નિર્માણ-દિગ્દર્શનનું શ્રેય એક પારસી ગુજરાતી સજ્જન અરદેશર ઈરાનીને ફાળે જાય છે.
મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કું.ના એક ભાગીદાર અરદેશર ઈરાની ઈ. સ. 1930માં એક્સેલસિયર સિનેમાગૃહમાં થયેલ ‘શો બોટ’ નામની 40 % બોલતી વિદેશી ફિલ્મથી અત્યંત પ્રભાવિત થઈને બોલપટ ઉતારવા પ્રેરાયા. તેનાર સિંગલ સાઉન્ડ સિસ્ટમ આયાત કરીને કંપનીના એજન્ટ ડેનિંગ પાસે તેઓ તેનો ઉપયોગ શીખ્યા અને સર્વપ્રથમ ભારતીય બોલપટ ‘આલમઆરા’ના નિર્માણકાર્યમાં લાગી ગયા.
ઈરાનીની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીનો સ્ટુડિયો તે સમયે ચર્નીરોડ સ્ટેશન પાસે હતો. તે દિવસોમાં ધ્વનિમુદ્રણ માટેના આજના જેવા સાઉન્ડપ્રૂફ સ્ટુડિયોની શરૂઆત થયેલી નહિ, તેથી દિવસ દરમિયાન લોકલ ટ્રેનો પસાર થવાના અવાજો વગેરેની બાહ્ય ખલેલને કારણે દિવસ દરમિયાન સાઉન્ડ રેકૉર્ડિંગનું કામ બિલકુલ થઈ શકતું નહિ. તેથી સાઉન્ડ રેકૉર્ડિંગનું કાર્ય રાત્રિના 12થી સવારના 4 દરમિયાન લોકલ ટ્રેનોની આવ-જા બંધ રહેતી ત્યારે કરવામાં આવતું. વળી તત્કાલીન સાઉન્ડ રેકોર્ડિંગનાં સાધનો પણ અત્યંત પ્રાથમિક કક્ષાનાં હોઈ ઝડપથી કામ થઈ શકે નહિ. તેથી ઈરાની અને તેમના સહકાર્યકરો એક પ્રસંગે તો સતત એક સપ્તાહ સુધી કામમાં વ્યસ્ત રહી સ્ટુડિયો છોડી ઘેર પણ જઈ શકેલ નહિ. તેમના તત્કાલીન સહાયકોમાં રમાકાન્ત ઘારેખાન નામના વડોદરાના એક ગુજરાતી નાગર ગૃહસ્થ પણ હતા. વળી જમશેદજી માદનની એલ્ફિન્સ્ટન ફિલ્મ કંપની અને માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપની પણ તે જ સમયે પોતાનું પ્રથમ બોલપટ બનાવવાના પ્રયાસમાં હતી. ઈરાની અને તેમના સહકાર્યકરોએ તેમની સ્પર્ધામાં પોતાની ફિલ્મ ઝડપથી પૂર્ણ કરવા આવી જહેમત કરવી અત્યંત જરૂરી હતી.
આખરે પોતાની પ્રતિસ્પર્ધક બંને નિર્માણ કંપનીઓને પાછળ રાખી ઈરાની અને તેમની ઇમ્પીરિયલ કંપની ‘આલમઆરા’ નામનું સર્વપ્રથમ ભારતીય હિન્દી બોલપટ નિર્માણ કરવામાં સફળ થયાં. 4 માર્ચ, 1931ના રોજ મુંબઈ ખાતે મૅજેસ્ટિક સિનેગૃહમાં તેની પ્રથમ રજૂઆત કરવામાં આવી. તેનું સર્વપ્રથમ ગીત ‘દે દે ખુદા કે નામ’ અતિલોકપ્રિય બન્યું હતું. ‘આલમઆરા’નાં નિર્માણ અને રજૂઆત એક ઐતિહાસિક ઘટના બની રહ્યાં, કેમ કે તેની સાથે ભારતમાં બોલતા ચલચિત્રના નિર્માણનો એક નવો યુગ શરૂ થયો.
રજૂઆતના પ્રથમ દિવસે પ્રેક્ષકોનો જબરો ધસારો રહ્યો, જેને કાબૂમાં લેવા પોલીસની સહાય લેવી પડી હતી અને ચાર આનાની ટિકિટનાં રૂ. 4 અને રૂ. 5ની કિંમતે કાળાં બજાર થયાં હતાં. ‘આલમઆરા’ કોઈ ઉચ્ચ કલાકૃતિ ન હતી. માત્ર સર્વપ્રથમ ભારતીય બોલપટ તે જ તેનું ઐતિહાસિક મહત્વ. તેમાં એક કાલ્પનિક પ્રેમકથાની રજૂઆત હતી, જેમાં તત્કાલીન લોકપ્રિય અભિનેતા જગદીશ સેઠી અને અભિનેત્રી ઝુબેદાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કૃતિ કે તેનો કોઈ અંશ પણ નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝમાં સચવાયેલ નથી. ઈ.સ. 1981માં ભારતીય બોલપટની અર્ધશતાબ્દી ઊજવાઈ તે નિમિત્તે ‘આલમઆરા’ની નાયિકા ઝુબેદાનું રાષ્ટ્રકક્ષાએ સન્માન કરાયું હતું.
ઉષાકાન્ત મહેતા