આરકાન્સાસ (રાજ્ય)

January, 2002

આરકાન્સાસ (રાજ્ય) : યુ. એસ.નું દક્ષિણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 330 થી 360 30૦’ ઉ. અ. અને 900 થી 940 30′ પ. રે.. તેની ઉત્તરે મિસુરી, દક્ષિણે લુઇઝ્યિાના, ઉત્તર-પૂર્વમાં ટેનિસી અને મિસિસિપી, પશ્ચિમે ટેક્સાસ અને ઓક્લાહોમા આવેલાં છે. લિટલ રૉક શહેર આ રાજ્યનું પાટનગર છે. રાજ્યનો વિસ્તાર 1,37,754 ચોકિમી. તથા વસ્તી 30,17,804 (2019) છે.

Skyline of Little Rock, Arkansas

લિટલ રૉક શહેર

સૌ. "Skyline of Little Rock, Arkansas" | Public Domain, CC0

ભૂપૃષ્ઠ : ઓઝાર્કનો ઉચ્ચપ્રદેશ અને ઔચિતા પર્વતો આ રાજ્યનો કેટલોક ભાગ આવરી લે છે. આરકાન્સાસની ખીણ આ ઊંચાણવાળા પ્રદેશોને વિભાજિત કરે છે. મિસુરી અને મિસિસિપી જેવી મોટી નદીઓ આ પ્રદેશમાંથી વહે છે. આ પ્રદેશના મેગાઝાઇન પર્વતનું સૌથી ઊંચું શિખર 826 મીટર ઊંચું છે. સૌથી મોટું કુદરતી સરોવર ‘ચિકોટ’ છે.

Lake Chicot

ચિકોટ સરોવર

સૌ. "Lake Chicot" | CC BY 3.0

આ રાજ્યમાં વાર્ષિક 1000 થી 1500 મિમી. જેટલો વરસાદ પડે છે. ઉનાળા ગરમ અને ભેજવાળા, જ્યારે શિયાળા ઠંડા હોય છે. દક્ષિણ તરફના ભાગોમાં શિયાળામાં પણ વરસાદ પડે છે. વાયવ્યમાં આવેલા અને નીચાણવાળા દક્ષિણના પ્રદેશોમાં ઉનાળામાં ‘ટૉર્નૅડો’ ઉત્પન્ન થાય છે. જે અતિશય ઝડપે ફૂંકાના હોય છે.

આરકાન્સાસના નૅશનલ પાર્કમાં ગરમ પાણીના 47 ઝરા છે. આ પૈકી મૅમથ, સ્પ્રિંગ અને હોટ સ્પ્રિંગ વિશેષ ઉલ્લેખનીય છે. ઘણા પર્યટકો સ્નાન કરવા તથા માંદગી દૂર કરવાના ઇલાજ તરીકે આ પાણી પીવા માટે આવે છે. ખનિજોમાં બૉક્સાઇટ અને પેટ્રોલિયમ સારા પ્રમાણમાં મળે છે. બૉક્સાઇટ પુષ્કળ હોવાથી, આ પ્રદેશમાં ઍરોપ્લેન બનાવવાનાં ઍલ્યુમિનિયમનાં કારખાનાં થયાં છે. આરકાન્સાસ નદીના ખીણપ્રદેશમાં કોલસા અને કુદરતી વાયુ નીકળે છે. મુફસિબોરો નજીક આવેલી યુ.એસ.ની હીરાની એકમાત્ર ખાણ કાર્યરત છે.

આ પ્રદેશમાં 59,000 જેટલાં મોટાં ખેતરો (એક 265 એકરનું) છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ખેતીના પાક લેવાય છે. તેમાં સોયાબીન, ચોખા અને કપાસ મુખ્ય છે. આ રાજ્યમાં આવેલાં જંગલોમાંથી કાગળનો માવો બનાવવા માટે ઉપયોગી વૃક્ષો અને અન્ય વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ઉપરાંત મિસિસિપી જેવી મોટી નદી આ પ્રદેશમાંથી વહેતી હોવાથી મત્સ્યોદ્યોગ વિકસ્યો છે, વળી સ્ટીમરો મારફત વ્યવહાર થાય છે.

ઇતિહાસ : 1541-42 માં પ્રથમ વાર ગોરાઓ (સ્પૅનિશ) અહીં આવ્યા. તે અગાઉ અહીં ઇન્ડિયનો રહેતા હતા. 1682 માં ફ્રાન્સના લોકો અહીં આવ્યા અને આરકાન્સાસ અને લુઇઝિયાનાની મિસિસિપી ખાણ પર દાવો મૂક્યો. 1763માં લુઇઝિયાનાનો કબજો સ્પેનને હસ્તક ગયો, પરંતુ 1800 માં તે ફ્રાન્સને અપાયો. 1803 માં આરકાન્સાસનો પ્રદેશ યુ. એસ.ને મળ્યો. 1836ના જૂનમાં તે યુ.એસ.નું રાજ્ય બન્યું.

હેમન્તકુમાર શાહ