આર્સેનાઇડ (Arsenide) : ધાતુ સાથેનાં આર્સેનિક(As)નાં સંયોજનો. દા.ત., ઝિંક આર્સેનાઇડ, Zn3As2. એક અથવા વધુ ધાતુઓ આર્સેનિક સાથેનાં સંયોજનો રૂપે કુદરતમાં દુર્લભ ખનિજો તરીકે મળી આવે છે. દા.ત., નિકોલાઇટ (NiAs), સ્કુટેરુડાઇટ (CoAs3), સ્મેલ્ટાઇટ (Co, Ni)As3-x, લોલિંગાઇટ (FeAs2) વગેરે. આર્સેનાઇડ સંયોજનો અષ્ટફલકીય (octahedral) અથવા ચતુષ્ફલકીય (tetrahedral) પ્રકારની સંરચના ધરાવે છે. પ્રથમ પ્રકારમાં ધાતુ આયન વિરુદ્ધ વીજભારવાળા છ આર્સેનિક આયનો વડે ઘેરાયેલો હોય છે. સંરચનાકીય દૃષ્ટિએ, આર્સેનાઇડ સંયોજનો સલ્ફાઇડને મળતાં આવે છે. સઘળાં આર્સેનાઇડ ધાત્વિક ચળકાટવાળાં, અપારદર્શક, ઊંચી વિશિષ્ટ ઘનતાવાળાં તથા મધ્યમથી નીચી કઠિનતાવાળાં હોય છે.

CoAs3 પ્રતિચુંબકીય (diamagnetic) અર્ધવાહક છે. SnAs (ટિન આર્સેનાઇડ) 3.5 K કરતાં નીચા તાપમાને અતિવાહક (superconductor) હોય છે. GaAs1-xPx પ્રકાશ ઉત્સર્જિત કરતા ડાયોડ(light emittingdiode, LED)માં વપરાય છે. અર્ધવાહક લેઝરની રચનામાં પણ આર્સેનાઇડનો ઉપયોગ થાય છે.

જ. ચં. વોરા