આર્તો, આન્તોનિન (Artaud, Antonin) (જ. 4 સપ્ટેમ્બર 1896 , માર્સેઈલ, ફ્રાન્સ; અ. 4 માર્ચ 1948, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ નાટ્યકાર, કવિ, અભિનેતા. એમણે પરાવાસ્તવવાદી (surrealistic) આંદોલનની સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડી. એમણે શિષ્ટ પ્રણાલિકાગત, મધ્યમવર્ગપરક રંગભૂમિ (થિયેટર) ની જગ્યાએ ‘આતંકની રંગભૂમિ’ (થિયેટર ઑવ્ ક્રુઅલ્ટી) સ્થાપવાનો પ્રયાસ કર્યો. આ વૈકલ્પિક રંગભૂમિનો હેતુ એક એવો આદિમ વિધિકેન્દ્રી અનુભવ પૂરો પાડવાનો હતો, જે માનવના આંતરમનને વિમુક્ત કરે અને માણસને પોતાની સમક્ષ પ્રત્યક્ષ કરે. તેમને બાળપણમાં મૅનિન્જાઇટિસનો હુમલો આવેલો. યુવાનીનાં વર્ષો મધ્યપૂર્વના પ્રદેશોમાં વિતાવ્યાં હતાં અને રહસ્યવાદમાં રસ કેળવ્યો હતો. તેમનાં પરાવાસ્તવવાદી કાવ્યો જૅક્સ રિવિએર નામના ખ્યાતનામ ફ્રેન્ચ વિવેચકને પાઠવતાં, તેમની વચ્ચે દીર્ઘકાલીન પત્રવ્યવહારનો આરંભ થયો. અભિનેતા તરીકેની તાલીમ પૅરિસમાં લીધા પછી, પરાવાસ્તવવાદી વલણવાળી રંગભૂમિ સાથે થોડો વખત કામ કર્યું. આગળ જતાં આ હલચલના પ્રણેતા આન્દ્રે બ્રેતોંનાં રાજકીય વલણો સાથે મતભેદ થયો. 1932માં પ્રસિદ્ધ થયેલ ‘મૅનિફેસ્ટો ઑવ્ થિયેટર ઑવ્ ક્રુઅલ્ટી’ અને 1958માં ‘ધ થિયેટર ઍન્ડ ઇટ્સ ડબલ’ – એ બંનેમાં અભિનેતા અને પ્રેક્ષક વચ્ચે એક જાતનો જાદુઈ પ્રભાવ પાડનારો સંબંધ બતાવ્યો છે. તેમાં ચેષ્ટા, અવાજો, અવનવી દૃશ્યશ્રેણી અને પ્રકાશ-આયોજન મળી એવી ભાષાનું નિર્માણ થાય છે, જે શબ્દોથી ઉપર ઊઠી, વિચાર અને તર્કને વિફલ કરી, પ્રેક્ષકને તેની દુનિયાની હીનતાનું દર્શન કરાવે. આર્તોની પોતાની કૃતિઓ કરતાં તેમના વિચારોનો પ્રભાવ, ખાસ કરીને ‘ઍબ્સર્ડ’ રીતિના થિયેટરના વિકાસ પર પડ્યો છે.
દિગીશ મહેતા