આર્ચબિશપ : ખ્રિસ્તી દેવળમાં પ્રાંતના અન્ય બિશપોથી અધિક કાર્યક્ષેત્ર ધરાવતા ધર્માધ્યક્ષ. ચોથી સદીમાં પૂર્વીય દેવળમાં કેટલાક બિશપોને સન્માન રૂપે આર્ચબિશપનું પદ અપાતું. પશ્ચિમના દેવળમાં સાતમી સદી સુધી આ પદ બહુ ઓછું જાણીતું હતું, પણ પછી અન્ય બિશપો કરતાં પોતાની શ્રેષ્ઠતા જમાવવા શહેરી બિશપોએ આર્ચબિશપનું પદ ધારણ કરવા માંડેલું. સોળમી સદીમાં ટ્રેન્ટની સમિતિએ (1545-63) આર્ચબિશપની વ્યાપક સત્તાઓ ઘટાડી નાખી. આધુનિક રોમન કૅથલિક દેવળમાં કેટલાક બિનશહેરી બિશપોને પણ સન્માન રૂપે આર્ચબિશપનો હોદ્દો અપાય છે. પશ્ચિમ કરતાં પૂર્વમાં આર્ચબિશપનું પદ વધુ જાણીતું છે અને ત્યાં શહેરી બિશપનાં કાર્યો કરતાં તેમનું કાર્ય થોડું ભિન્ન પણ હોય છે. યુરોપનાં પ્રૉટેસ્ટંટ દેવળોમાં આર્ચબિશપનું પદ ભાગ્યે જ જોવા મળશે. ફિનલૅન્ડના તુર્કુ અને સ્વીડનના અપસલામાં લ્યૂથરન બિશપોએ તે પદ ધારણ કરેલું. ઇંગ્લૅન્ડના દેવળનો અધિકાર કૅન્ટરબરી અને યૉર્કના બે આર્ચબિશપોની વચ્ચે વહેંચાયેલો છે.

હેમન્તકુમાર શાહ