આર્કોન : પ્રાચીન ગ્રીસના નગરરાજ્યનો ઉચ્ચ વહીવટી અધિકારી. તેના ઉદભવ અને વિકાસ અંગે ચોક્કસ અને નિર્ણીત મંતવ્ય આપવું મુશ્કેલ છે. ઍથેન્સના ઉમરાવશાહી યુગમાં ઈ. પૂ. આઠમી સદીમાં વારસાગત રાજાશાહી ઉપર અંકુશ રાખવાના હેતુથી આ હોદ્દો અસ્તિત્વમાં આવ્યો હશે તેમ મનાય છે. શરૂઆતમાં આર્કોનની નિયુક્તિ જીવન પર્યંતની થતી. ઈ. પૂ. 752થી તેને દસ વર્ષ માટે અને ઈ. પૂ. 683થી એક વર્ષ માટે નીમવામાં આવતો. આર્કોનની સંખ્યા વધીને ઈ. પૂ. સાતમી સદીના ઉત્તરાર્ધમાં ત્રણની થયેલી. પછી ટૂંક સમયમાં ઍથેન્સના વધતા વહીવટને પહોંચી વળવા સારુ બીજા છ આર્કોનનો વધારો થયો અને ગ્રીસના ઇતિહાસમાં તે ‘ઍથેન્સના નવ આર્કોન’ તરીકે પ્રચલિત બન્યા. આર્કોન વચ્ચે કામની વહેંચણી હોવા છતાં તે સુગ્રથિત મંડળ તરીકે વહીવટ ચલાવતા ન હતા. ઈપોનીમસ નામે ઓળખાતો આર્કોન મુલકી વહીવટ સંભાળતો. પોલમાર્ક લશ્કરનો સર્વોચ્ચ વડો હતો. આર્કોન બેલિશિયસ ધાર્મિક વડો હતો. આ ઉપરાંત તે ઉમરાવોની કાઉન્સિલ(એસેપેગસ)નો અધ્યક્ષ હતો. બાકીના છ આર્કોન ન્યાયાધીશ તરીકે કામ કરતા અને તે થિસ્મોથિટાઇના નામથી ઓળખાતા. ઈ. પૂ. પાંચમી સદી સુધી તેઓ ઉમરાવ સભા દ્વારા ચૂંટાતા. પરંતુ ત્યારબાદ તેમની પસંદગી ચિઠ્ઠી નાખીને થતી. જે. બી. બરીના મંતવ્ય અનુસાર આર્કોને અન્યાય નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી પડતી અને અન્યાય કરનાર આર્કોને દંડ તરીકે માણસના કદનું સોનાનું પૂતળું આપવું પડતું.
જ. જ. જોશી