આર્કોઝ (Arkose) : ફેલ્સ્પારયુક્ત રેતીખડક. ઉત્પત્તિ-જળકૃત, કણજન્ય. ક્વાર્ટ્ઝ ઉપરાંત 25 % કે તેથી વધુ (નોંધપાત્ર પ્રમાણમાં) ફેલ્સ્પારના કણ ધરાવતો રેતીખડક. તે ગ્રૅનિટૉઇડ (ગ્રૅનૉઇટિક) કણરચનાવાળા એસિડિક-અગ્નિકૃત ખડકોની વિભંજન-પેદાશમાંથી બનેલો હોય છે; જો 25 %થી ઓછું ફેલ્સ્પાર પ્રમાણ હોય તો તેને ફેલ્સ્પેથિક રેતીખડક કહે છે. રેતીખડકનો આ એક નામસંસ્કરણ પામેલો પ્રકારભેદ જ છે. આર્કોઝમાં ક્યારેક અબરખની પતરીઓ પણ જૂજ પ્રમાણમાં રહેલી હોય છે. ઘણા ગ્રૅનાઇટ વિસ્તારોમાં આ પ્રકારનું બંધારણ ધરાવતા રેતીકણોનું વહન થતું રહે છે. તેમાંથી ખડક બંધાય અને ઘનિષ્ઠ રીતે દૃઢીભૂત થાય ત્યારે આર્કોઝ બને છે. પ્રમાણમાં ઓછો દૃઢીભૂત હોય તો તેને આર્કોઝયુક્ત રેતી (arkose-sand) કહે છે. આર્કોઝ થવા માટેનાં ખનિજો ક્યારેક સ્વસ્થાનમાં જ એકત્રીકરણ પામે છે, તો ક્યારેક સ્થાનાંતરિત પણ થાય છે. આર્કોઝમાં ફેલ્સ્પારની હાજરી તેના ઉત્પત્તિકાળની શુષ્ક-અર્ધશુષ્ક આબોહવામાં સક્રિય ઘસારા-સ્થાનાંતર-નિક્ષેપક્રિયા(મહદ્ અંશે વિભંજન અને નહિવત્ વિઘટનની ખવાણક્રિયા)નાં પરિબળો તેમજ ઝડપી દટણ(rapid burial)ના સંજોગોનો ખ્યાલ આપી જાય છે.

વાયવ્ય સ્કૉટલૅન્ડનો ખૂબ જાણીતો ટોરિડોનિયન રેતીખડક મહદ્અંશે આર્કોઝ પ્રકારનો જ છે. તે લ્યુઇસિયન ગ્રૅનાઇટ-નાઇસના વિભંજનમાંથી તૈયાર થયેલી પેદાશ છે. રાજસ્થાનના અર્ધસૂકા વિસ્તારોમાં પણ તે બહુધા રેતીખડકો સાથે સંકળાયેલો જોવા મળે છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા