આર્કિયૉપ્ટેરિકસ : જીવાવશેષ સ્વરૂપમાં જાણીતું પક્ષી જેવું પ્રાણી. પૂર્વજ તરીકે જાણીતા કાગડાથી સહેજ મોટા કદનું પક્ષી. તે ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ સરીસૃપ અને વિહગ વર્ગનાં લક્ષણોનો સમન્વય દર્શાવતું હોવાથી સંયોગી કડી (connectinglink) તરીકે ઓળખાય છે. ‘આર્કિયૉપ્ટેરિકસ’ શબ્દનો અર્થ થાય છે ‘આદિ પાંખો ધરાવનાર’. આ પ્રાણી ઊડી શકવા માટે સમર્થ ન હતું. પરંતુ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જવા માટે થોડા સમય પૂરતું હવામાં તરી શકતું હતું.

આર્કિયૉપ્ટેરિક્સનો અભ્યાસ વિવિધ જીવાવશેષ પર આધારિત રહ્યો છે. પ્રથમ પ્રાચીન અવશેષ ઈ. સ. 1861 માં પેપનહેમ, બવેરિયાની ખાણમાંથી પ્રાપ્ત થયો, જેને બ્રિટિશ મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં રાખવામાં આવ્યો હતો. તેનું શાસ્ત્રીય નામ ‘Archaeopteryxlethographica’ છે. ત્યારબાદ બીજો અવશેષ ઈ. સ. 1877માં મળી આવ્યો, જેને બર્લિનના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યો. તેનું શાસ્ત્રીય નામ ‘Archaeopteryx siemensi’ છે. પારજાંબલી કિરણો કે આધુનિક ફોટોગ્રાફિક પદ્ધતિઓ દ્વારા આ જીવાશ્મોનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરી તેને વૈજ્ઞાનિકોએ 13 કરોડ વર્ષો પુરાણા સાબિત કર્યા છે.

આર્કિયૉપ્ટેરિક્સ

આર્કિયૉપ્ટેરિક્સ Vol.2/8

આર્કિયૉપ્ટેરિક્સને વર્તમાન પક્ષીઓથી જુદું પાડતી કેટલીક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે :

(1) તેનાં બંને જડબાંમાં એકસરખા દાંત તે માટેના ખાડામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા.

(2) તેની 11 જોડ પાંસળીઓ સાંધા વગરની હતી અને ઉરોસ્થિ સાથે જોડાણ દર્શાવતી ન હતી.

(3) આ ઉપરાંત ઉદરગુહાની બંને પાર્શ્વબાજુએથી વધારાની અંત:સ્તરીય (endodermal) પાંસળીઓ પણ નીકળતી જોવામાં આવી.

(4) અસ્થિઓ છિદ્રવિહીન જોવા મળ્યાં.

ઉપર્યુક્ત લાક્ષણિકતાઓ પરથી કહી શકાય કે આર્કિયૉપ્ટેરિકસનો ઉદભવ તેનાં પુરોગામી સરીસૃપ પ્રાણીઓમાંથી થયો હશે. આવી જ રીતે પક્ષીઓમાં તેને વર્ગીકૃત કરી શકાય તેવાં કેટલાંક લક્ષણો આ મુજબ છે :

(1) તેની મુખગુહામાં આવેલું તાળવું સાઇઝોગ્નેથસ પ્રકારનું એટલે કે અન્ય પક્ષીઓની માફક સંપૂર્ણ વિકસિત હતું.

(2) આંખના ડોળાનો ભાગ વિસ્તૃત તેમજ ખાસ પ્રકારની કંકાલવીંટી (skeletal ring)વડે રક્ષિત હતો.

(3) તેના કરોડસ્તંભમાં 49થી 50 કશેરુકાઓ (vertebrae) આવેલી હતી, તેમાંથી ૬ પુચ્છ કશેરુકાઓ જોડાઈને આદિ સિન્સેક્રમ (synsacrum) પ્રકારનું અસ્થિ બનાવે છે.

(4) પાંખો અને પશ્ચ ઉપાંગોની લંબાઈ એકસરખી હતી.

(5) બંને બાજુનાં અક્ષકો (axial bones) ચીપિયા આકારની રચના બનાવે છે.

(6) આર્કિયૉપ્ટેરિકસમાં જોવા મળતાં પીંછાંનું લક્ષણ તેને નિર્વિવાદપણે વિહગવર્ગમાં વર્ગીકૃત કરે છે.

(7) તેની પૂંછડી પક્ષી જેવી અને 15 જોડ પીંછાંઓ ધરાવતી હશે તેવું માનવામાં આવે છે.

એ રીતે તે પૃષ્ઠવંશીના ઉત્ક્રાંતિના ઇતિહાસનું મહત્વનું સોપાન બને છે.

ઉપેન્દ્ર રાવળ