આર્કિયન રચના (Archaean System) : ભૂસ્તરીય કાળગણનાક્રમમાં સૌથી નીચે રહેલી પ્રી-કૅમ્બ્રિયન રચનાઓ પૈકીની પ્રાચીનતમ રચના. પૂર્વ-કૅમ્બ્રિયન કાળગાળાની દુનિયાભરની જૂનામાં જૂની તમામ ખડકરચનાઓ માટે આર્કિયન શબ્દપ્રયોગ પ્રયોજાયેલો છે. ભૂસ્તરીય કાળગણના માટેની ભૌતિક કાળમાપનપદ્ધતિઓ જેમ જેમ અખત્યાર કરાતી રહી છે, તેમ તેમ આ શબ્દપ્રયોગની અર્થ-ઉપયોગિતા પણ બદલાતી રહી છે.‘આર્કિયન’ને બદલે અગ્રગણ્ય નિષ્ણાતો હવે તો સર્વસામાન્ય સ્તરવિદ્યાત્મક પર્યાય ‘પ્રારંભિક પૂર્વ-કૅમ્બ્રિયન’ જેવા શબ્દપ્રયોગની ભલામણ કરે છે.

પ્રમાણભૂત સ્તરવિદ્યાત્મક દૃષ્ટિએ સમગ્ર કાળની ભૂસ્તરીય રચનાઓને ક્રીપ્ટોઝોઇક અને ફૅનેરોઝોઇક એ પ્રમાણેના બે મુખ્ય વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. ક્રીપ્ટોઝોઇક વિભાગમાં પૂર્વ-કૅમ્બ્રિયન યુગની ખડકરચનાઓનો સમાવેશ થાય છે. પૂર્વ-કૅમ્બ્રિયન રચનાઓ પૈકીના પ્રથમ સમયગાળા માટે ‘આર્કિયોઝોઇક’ (Archaeozoic) અને ઉત્તરાર્ધ માટે ‘પ્રોટેરોઝોઇક’ (Proterozoic) શબ્દ પ્રયોજાયેલા છે. કૅમ્બ્રિયનથી અર્વાચીન સુધીની ખડકરચનાઓ ફૅનેરોઝોઇક વિભાગમાં આવે છે. ક્રીપ્ટોઝોઇક વિભાગના, ભૂસ્તરીય કાળગણના મુજબના – કેટા આર્કિયન, આર્કિયન અને પ્રોટેરોઝોઇક એમ ત્રણ પેટાવિભાગો છે. આર્કિયન પેટાવિભાગોની ખડકરચનાઓનું વય ભૂસ્તરીય કાળગણના પ્રમાણે 2.5 અબજથી ૩૩ અબજ 30 કરોડ વર્ષ (2500-3300 મિલિયન વર્ષ) અંદાજવામાં આવેલું છે.

ભારતમાં મળી આવતી અતિપ્રાચીન ખડકરચનાઓ આર્કિયન સમૂહમાં મૂકવામાં આવેલી છે અને તેમનું આર્કિયન રચના અને ધારવાડ રચના જેવા બે વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આમ આર્કિયન રચના આખાયે ભૂસ્તરીય ઇતિહાસમાં અતિપ્રાચીન ખડકરચના ગણાતી આવી છે. સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં તે મળે છે ત્યાં બધે જ તેનાં સંરચનાત્મક તેમજ બંધારણીય લક્ષણોમાં સામ્ય જોવા મળે છે. દુનિયાની લગભગ બધી જ ઉન્નત ગિરિમાળાઓના મધ્યભાગ (core) આર્કિયન ખડકોથી બનેલા છે; એ જ પ્રમાણે દુનિયાના અતિપ્રાચીન ઉચ્ચ સપાટપ્રદેશો(plateaus)ના પાયાના ખડકો પણ આર્કિયન રચનાના બંધારણવાળા હોય છે. પૃથ્વીના પોપડાની અતિ જટિલ સંરચનાત્મક વિરૂપતાઓ અને ખડકવિદ્યાત્મક સ્વભેદન દર્શાવતા અતિ પ્રાચીન ખડકોનો આર્કિયન રચનામાં સમાવેશ થયેલો છે. પ્રાપ્ત સ્થિતિની દૃષ્ટિએ તે દુનિયાના બધા જ ભાગોમાં જોવા મળે છે અને પછીના કાળની જળકૃત રચનાઓ જામવા માટે તે પાયાના તળખડકો તરીકે રહ્યા છે. આ રચના અત્યંત જટિલ લક્ષણોવાળી હોવાથી Fundamental Complex કે Basement Complex જેવા વિશિષ્ટ નામથી પણ જાણીતી છે.

ભારતીય ભૂસ્તરરચનાના ઇતિહાસમાં એપાર્કિયન અસંગતિની નીચે રહેલો તમામ વિભાગ સામાન્ય રીતે આર્કિયન રચનાના નામ હેઠળ આવરી લેવાયેલો છે. ભારતીય ઉપખંડનો વિશાળ વિસ્તાર, વિશેષે કરીને દ્વીપકલ્પીય ભારત મહદ્અંશે આર્કિયન ખડકબંધારણવાળો છે. કર્ણાટક, ઓરિસા, આસામ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેનો વિશિષ્ટ વિકાસ થયેલો જોવા મળે છે. બાહ્ય દ્વીપકલ્પમાં કાશ્મીરથી મ્યાનમાર સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં આ રચનાના ખડકો મળી આવે છે. ઉચ્ચ હિમાલયનો કેન્દ્રીય ભાગ (core) પણ આ ખડકોનો બનેલો છે.

આર્કિયન રચનાનું ખડકબંધારણ સર્વત્ર નાઇસ (gneiss) અને શિસ્ટ (schist) ખડકોથી બનેલું છે. આ ખડકપ્રકારો ખનિજીય લક્ષણો અને વિકૃતિની કક્ષાઓની ભિન્નતાવાળા છે. નાઇસ એ આ રચનાનો લાક્ષણિક ખડક બની રહે છે, જે લઘુતમ પરિવર્તિત ગ્રૅનાઇટ કે ગેબ્બ્રોથી શરૂ કરીને પટ્ટાયુક્ત કે પત્રબંધી રચનાવાળા વાસ્તવિક નાઇસ સુધીના ભિન્ન ભિન્ન બંધારણવાળો છે. તેમાં ઑર્થોક્લેઝ-પ્લેજિયોક્લેઝ, ક્વાર્ટ્ઝ, મસ્કોવાઇટ-બાયોટાઇટ, હૉર્નબ્લેન્ડ, મૅગ્નેટાઇટ એપિડોટ અને ઝિર્કોન ખનિજોનો સમાવેશ થાય છે.

ખનિજીય તેમજ સંરચનાત્મક લક્ષણોને કારણે આર્કિયન રચનાના નાઇસ-ખડકોને પ્રાદેશિક-પ્રાપ્તિના સંદર્ભમાં ત્રણ સમૂહોમાં વહેંચવામાં આવેલા છે :

(1) બેંગાલ નાઇસ : બંગાળ, બિહાર અને ઓરિસા તેમજ દ્વીપકલ્પના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ વિષમાંગ નાઇસ ખડકોનો આ સમૂહમાં સમાવેશ કરેલો છે. ‘ખોન્ડેલાઇટ’ નામનો ખડક જે વાસ્તવિકપણે સિલિમેનાઇટ નાઇસ કે સિલિમેનાઇટ શિસ્ટ હોવાથી આ સમૂહનો વિશિષ્ટ ખડક ગણાયો છે.

(2) બુંદેલખંડ નાઇસ : બુંદેલખંડ, બાલાઘાટ, આર્કટ અને કડાપ્પા વિસ્તારોમાં તે વિશિષ્ટપણે મળી આવતો હોવાથી તેને બુંદેલખંડ નાઇસ નામ આપેલું છે. હસ્તનમૂનાઓમાં નરી આંખે તે ગ્રૅનાઇટ જેવાં જ લક્ષણો દર્શાવે છે. પટ્ટીરચના કે પત્રબંધી નહિવત્ છે. ઘણી જગાએ તેમાં સિલ અને ડાઇકનાં અંતર્ભેદનો થયેલાં જોવા મળે છે.

(3) ચાર્નોકાઇટ શ્રેણી : ગ્રૅનાઇટ જેવું જથ્થાદાર સ્વરૂપ ધરાવતો દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તામિલનાડુમાં જોવા મળતો હાયપરસ્થીન-સમૃદ્ધ નાઇસ ખડક બહોળા પ્રમાણમાં વિસ્તરેલો છે. ખડકલક્ષણોમાં તે મધ્યમથી મોટા કદના ઘટકોવાળો, શ્યામરંગી ખનિજોથી બનેલો, સંપૂર્ણ સ્ફટિકમય, બેઝિક ગ્રેનિટૉઇડ નાઇસ છે. કેટલાક મંતવ્ય મુજબ એ ખરેખર તો જૂના ખડકોમાં અંતર્ભેદન પામેલો અંત:કૃત અગ્નિકૃત ખડક હોવાથી તેની ઉત્પત્તિ-સ્થિતિ અંગે વિવાદાસ્પદ સમસ્યાઓ પ્રવર્તી રહેલી છે.

શિસ્ટ એ બીજા ક્રમે આવતો આર્કિયન રચનાનો ખડક-પ્રકાર છે. તે પૂર્ણત: સ્ફટિકમય છે અને માઇકા-શિસ્ટ, હૉર્નબ્લેન્ડ-શિસ્ટ, એપિડોટ-શિસ્ટ, સિલિમેનાઇટ-શિસ્ટ જેવા વિવિધ પ્રકારોમાં સામાન્ય રીતે મળી રહે છે.

આર્કિયન ખડકરચનાની ઉત્પત્તિસ્થિતિનો પ્રશ્ન હજી પૂરતો ઉકેલાયેલો નથી, તેની વિવિધ ઉત્પત્તિ-સ્થિતિ વિશેનાં મહત્વનાં મંતવ્યો નીચે પ્રમાણે દર્શાવી શકાય :

1. પૃથ્વીનો સર્વપ્રથમ પોપડો હોવાનું માનવામાં આવે છે.

2. વિકૃતિના ઉગ્ર સંજોગો હેઠળ જૂનામાં જૂના નિક્ષેપોનું રૂપાંતર થયું હોય.

3. આ ખડકો મૂળભૂત રીતે તો અંત:કૃત અગ્નિકૃત ખડકો હતા, જે તે પછીના કાળની ભૂસંચલનક્રિયાઓમાં સામેલ થઈને વિકૃત બની ગયા હોય.

ઉપરનાં ત્રણે મંતવ્યોના સંદર્ભમાં પૂરતા ક્ષેત્રપુરાવા પણ મળી રહે છે તેથી જ તો આ સમસ્યાની જટિલતા વધી જાય છે.

બહોળા અર્થમાં ‘આર્કિયન રચના’ની અંદર ધારવાડ રચનાનો પણ સમાવેશ થઈ જતો હોવાથી આર્કિયન રચનાનું આર્થિક મહત્વ ધારવાડ રચનાના વર્ણન ભેગું સમાવિષ્ટ કરેલું છે. (જુઓ ધારવાડ રચના.)

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા