આરે દૂધ કૉલોની : 1945માં મુંબઈમાં સ્થપાયેલો દેશનો સર્વપ્રથમ દૂધ-ઉત્પાદક સંઘ. મુંબઈ શહેરમાં દૂધપુરવઠાની સ્થિતિમાં સુધારો કરવાના આશયથી રાજ્ય-સરકારે 1,000 ભેંસો ઉછેરી શકાય તેવી ક્ષમતાવાળું સરકારી ફાર્મ શરૂ કરવા શહેરની નજીક આરે ગામની 1,100 એકર જમીન સંપાદન કરેલી. વિકાસના આ તબક્કા દરમિયાન આણંદથી પાશ્ચુરીકૃત દૂધ રેલવે મારફત મુંબઈ લાવવાનું વિચારાયું, જેના પરિણામે 15 નવેમ્બર, 1945ના દિવસે 1,700 રતલ દૂધનો પ્રથમ જથ્થો મુંબઈ પહોંચ્યો, જે વધતાં વધતાં ટૂંક સમયમાં જ દૈનિક 1,00,000 લિટરે પહોંચ્યો. આ સાથે દેશમાં રેલવે દ્વારા લાંબા અંતરે દૂધવહન કરવાનાં પગરણ મંડાયાં.
દૂધની અછત તથા ઉત્પાદન-કિંમતમાં વધારો થવાને કારણે ભેંસના દૂધનું પ્રમાણ ઘટ્યું અને ગ્રાહકોને દૂધપુરવઠામાં કાપ મૂકવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં ‘ટૉન્ડ દૂધ’ (3.0 % ફૅટ, 8.5 % એસ.એન.એફ.) બનાવી વેચાણ કરવામાં આવ્યું. આ દૂધની ઓછી કિંમત અને એકધારી ગુણવત્તાને કારણે મધ્યમવર્ગનાં કુટુંબોમાં ખૂબ પ્રચલિત બન્યું.
શહેરના રહેઠાણવાળા વિસ્તારના 80 તબેલાઓમાંથી 15,000 જેટલી ભેંસોને ખસેડવા માટે આરેની પાસે વધારાની 2,100 એકર જમીન ખરીદ કરી ‘કૅટલ કૉલોનાઇઝેશન યોજના’ની શરૂઆત કરવામાં આવી. 1952ના વર્ષ સુધીમાં લગભગ બધા જ તબેલાઓની ભેંસો, તેના માલિકો અને નોકરો સાથે, આ જગ્યાએ ખસેડાઈ.
દેશના પ્રથમ સહુથી મોટા પાશ્ચુરીકરણ તથા દૂધની બૉટલ ભરવાના પ્લાન્ટ ઊભા કરવાનું શ્રેય પણ આરે ડેરી ધરાવે છે.તા. 15-12-1950 દૂધનું વિતરણ બાટલીઓમાં શરૂ કરવામાં આવ્યું. આ યોજનાની તબક્કાવાર પ્રગતિ ચાલુ રહી અને પછીનાં વર્ષોમાં વરલી ડેરી તથા કુરલા ડેરીની પણ સ્થાપના કરવામાં આવી.
જયંતીભાઈ મોહનલાલ દવે