આરેન્ટ, હન્નાહ (જ.14 ઑક્ટોબર 1906, હૅનોવર, જર્મની; અ. 4 ડિસેમ્બર 1975, ન્યૂયૉર્ક) : જર્મન અને અમેરિકન રાજ્યશાસ્ત્રી અને તત્વજ્ઞાનનાં પ્રાધ્યાપિકા. સર્વસત્તાવાદના તેમના અભ્યાસ અને યહૂદીઓ અંગેનાં તેમનાં લખાણો માટે તે વિશેષ જાણીતાં થયાં. તેમણે મારબર્ગ, ફ્રેઇબર્ગ અને હાઇડલબર્ગ યુનિવર્સિટીઓમાં અધ્યયન કર્યું. 1928માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1933માં જર્મનીમાં નાઝીઓ સત્તા પર આવતાં તેઓ અમેરિકા ગયાં. હેનરિક બ્લુચેર સાથે 1940માં લગ્ન.

હન્નાહ આરેન્ટ

સૌ. "Hannah Arendt auf dem 1. Kulturkritikerkongress" | CC BY-SA 4.0

ન્યૂયૉર્કમાં 1944થી 1946 સુધી તેમણે ‘કૉન્ફરન્સ ઑન્ જ્યૂઇશ રિલેશન્સ’નાં સંશોધન-નિયામક તરીકે, 1946થી 1948 ‘શોકેન બુક્સ’નાં મુખ્ય સંપાદિકા તરીકે, 1949થી 1962 ‘કલ્ચરલ જ્યૂઇશ રિકન્સ્ટ્રકશન’નાં વહીવટી નિયામક તરીકે કામ કર્યું હતું. 1951માં તેઓ અમેરિકાનાં નાગરિક બન્યાં. અમેરિકામાં તેમણે કૅલિફૉર્નિયા, પ્રિન્સટન અને શિકાગો યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપિકા તરીકે કામગીરી બજાવી. 1952માં પ્રિન્સટન, કોલંબિયામાં પ્રાધ્યાપકપદે નિમાનાર તેઓ પ્રથમ મહિલા હતાં.

‘ઑરિજિન્સ ઑવ્ ટોટૅલિટેરિયનિઝમ’ (1961) નામક તેમના વિખ્યાત પુસ્તકમાં તેમણે સર્વસત્તાવાદનો વિકાસ 19મી સદીનાં યહૂદીવિરોધી વલણો અને સામ્રાજ્યવાદ સાથે સાંકળેલા અને પ્રણાલીગત રાષ્ટ્ર-રાજ્યના વિઘટનને પરિણામે થયો છે તેમ જણાવ્યું. સર્વસત્તાવાદી સરકારોએ રાજકીય સત્તા પાછળની તેમની દોટને કારણે ભૌતિક કે ઉપયોગિતાવાદી બાબતો પ્રત્યેની તેમની બેદરકારીને લીધે સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે, અને સમકાલીન રાજકારણને લગભગ ધારણાવિહીન બનાવી દીધું છે. આ પુસ્તકે તેમને મોટાં રાજકીય ચિંતક તરીકે સ્થાપ્યાં છે.

તેમનો ગ્રંથ ‘આઇકમાન ઇન જેરૂસલેમ’ (1963) એ ઍડૉલ્ફ આઇકમાન પર ચાલેલા ખટલા અંગેનાં નિરીક્ષણોને આધારે રચાયું છે, જેમાં તેમણે નાઝીઓના યુદ્ધગુનાઓનું પૃથક્કરણ કરી તેનું ચિત્ર જગત સમક્ષ મૂક્યું છે. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘ધ હ્યુમન કન્ડિશન’ (1958), ‘બિટ્વીન ધ પાસ્ટ ઍન્ડ ફ્યૂચર’ (1961) ‘ઑન રિવૉલ્યુશન’ (1963) ‘મૅન ઇન ડાર્ક ટાઇમ્સ’ (1968), ‘ઑન વાયોલન્સ’ (1970) અને ‘ક્રાઇસિસ ઑવ્ ધ રિપબ્લિક’(1972)નો સમાવેશ થાય છે.

હેમન્તકુમાર શાહ