આરાસુર : ગુજરાતના ઈશાન ખૂણામાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી ડુંગરમાળા. અરવલ્લી પર્વતની હારમાળાનો તે એક ભાગ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર દાંતા તાલુકામાં તેની સૌથી ઊંચી જેસોરની ટેકરીઓ આવી છે, જે 1,067 મીટરની ઊંચાઈ ધરાવે છે.
આરાસુરની ટેકરીઓ અંબાજીથી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી સુધી વિસ્તરેલી છે તેમજ ટેકરીઓનો એક ભાગ મહેસાણા જિલ્લા સુધી વિસ્તરેલો છે, જે તારંગાની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
આરસપહાણ તેમજ જસત, તાંબા અને સીસાનાં ખનિજો આ પર્વતવિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે. બાંધકામ માટેના પથ્થર પણ આ ડુંગરાળ વિસ્તારમાંથી મળે છે.
અમદાવાદથી 198 કિમી. દૂર આરાસુરના ડુંગર ઉપર અંબાજી માતાનું પ્રાચીન તીર્થધામ આવેલું છે. અહીં આવેલો ત્રિશૂલ ઘાટકે જે અકસ્માત વિસ્તાર તરીકે ઓળખાતો હતો. હવે તેને કોરીને દાંતા-અંબાજીના નવા માર્ગનું આયોજન કરાયું છે. તેની નજીકમાં ગબ્બરની ટેકરીઓ, કુંભારિયાનાં પ્રાચીન જૈન મંદિરો, કોટેશ્વરનું મંદિર આવેલાં છે. આરાસુર પર્વતમાળાની ટેકરીઓ કડાપ્પા સમય(અજબગઢ શ્રેણી)ના વિકૃત ખડકોની બનેલી છે. તેની નજીકમાં થઈને સાબરમતી નદી વહે છે. આ નદીએ આ પર્વતવિસ્તારમાં ઊંડી ખીણો બનાવી છે.
મહેશ મ. ત્રિવેદી