આરાફુરા સમુદ્ર : પ્રશાંત મહાસાગરમાં પશ્ચિમે ઑસ્ટ્રેલિયાના ઉત્તર કિનારા તથા કાર્પેન્ટરિયાના અખાત અને ન્યૂગિનીના દક્ષિણ કિનારા વચ્ચે આવેલો આશરે 6,50,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 90 00´ દ. અ. અને 1350 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમે તિમોર સમુદ્ર, વાયવ્યમાં બાંદા સમુદ્ર અને પૂર્વ તરફ કૉરલ સમુદ્ર આવેલા છે. તેની લંબાઈ 1,290 કિમી. અને પહોળાઈ 560 કિમી. જેટલી છે. પૂર્વ તરફ ટૉરેસની સામુદ્રધુની તેને કૉરલ સમુદ્ર સાથે જોડે છે. મોટા ભાગનો આરાફુરા સમુદ્ર આરાફુરા અને સાહુલ ખંડીય છાજલીઓથી બનેલો છે. આ કારણે તે છીછરો છે. તેની ઊંડાઈ 50થી 80 મીટરની છે; પરંતુ પશ્ચિમ બાજુએ તેની ઊંડાઈ 600 મીટર જેટલી છે. ઉત્તરે આરુ ટાપુઓ પાસે તેની ઊંડાઈ 3,600 મીટર સુધી પહોંચે છે. આરાફુરા-સમુદ્ર નૌકાનયન માટે સલામત વિસ્તાર ગણાતો નથી. અહીંની ખંડીય છાજલીમાં પેટ્રોલિયમની અનામતો છે. આરુ ટાપુઓ પાસેના રક્ષિત અને સ્વચ્છ જળમાં મોતી પકવવામાં આવે છે.
હેમન્તકુમાર શાહ