આરાગોં, લુઈ (જ.3ઑક્ટોબર 1896, પૅરિસ; અ. 24 ડિસેમ્બર 1982, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, પત્રકાર. સર્વસામાન્ય શિક્ષણ પછી તબીબી વિજ્ઞાનનો વિશેષ અભ્યાસ. આ સમયમાં આંદ્રે બ્રેતોં સાથે પરિચય. પ્રથમ વિશ્વયુદ્ધમાં તબીબી વિભાગમાં યુદ્ધસેવા. દાદાવાદ (Dadaism) અને પરાવાસ્તવવાદ(surrealism)નાં આંદોલનોમાં સક્રિય સભ્ય અને અગ્રેસર. 1919માં આંદ્રે બ્રેતોં અને ફિલિપ સુપો સાથે પરાવાસ્તવવાદના મુખપત્ર ‘લિતેરાત્યુર’નું સહસંપાદન. આ સમયમાં ‘ફ દઝવા’ (1920), ‘લ મુવમાં પરપેચ્યુએલ’ (1925), ‘લા ગ્રાંદ ગેઇતે’ (1929સંગ્રહોનું પ્રકાશન. ‘આનિસેં’ (1921) અને ‘લ પેઇસાં દ પારિ’ (1926) સર્જનો દ્વારા પરાવાસ્તવવાદનો સવિશેષ પ્રચાર-પ્રસાર. 1930માં રશિયાનો પ્રવાસ. સામ્યવાદનો પ્રભાવ. એ જ વરસમાં સામ્યવાદના ‘જોસ્સા’થી પ્રેરિત કાવ્ય ‘ફ્રોં રુઝ’નું પ્રકાશન. એમાં ફ્રાંસના રાષ્ટ્રધ્વજના અપમાનને કારણે પાંચ વર્ષની કેદ. મુખ્યત્વે પરાવાસ્તવવાદના સર્જકોના આંદોલનને કારણે સજા રદ. 1931મા પરાવાસ્તવવાદના આંદોલનમાંથી અલિપ્ત અને સામ્યવાદી પક્ષના સભ્ય. એ જ વરસથી નવલકથા, પત્રકારત્વ અને સક્રિય રાજકારણ પર ધ્યાન એકાગ્ર. 1934માંએલ’ શીર્ષકથી નવલકથાશ્રેણીનો આરંભ. 1958 સુધીમાં શ્રમજીવીઓના પક્ષે અને મૂડીવાદની વિરુદ્ધ કુલ અગિયાર નવલકથાઓનું પ્રકાશન. 1934માં રશિયાની  પ્રશસ્તિરૂપ કાવ્ય ‘હુર્રા લુરાલ’નું પ્રકાશન. 1935-39 માં સામ્યવાદી સાયંદૈનિક ‘સસ્વાર’(પાંચ લાખ નકલ)નું સંપાદન. 1935-36માં સ્પેનમાં આંતરવિગ્રહમાં માદ્રિદ(મૅડ્રિડ)માં સાહિત્યવર્તુળોમાં સક્રિય. 1939 સુધી લોકપ્રિય મોરચો’ રચવાનો પ્રયત્ન. દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુદ્ધસેવા. 1940ના મેથી યુદ્ધના મોરચે સૈન્યમાં સક્રિય. જર્મન સૈન્ય દ્વારા કેદ. ભાગીને દક્ષિણમાં ‘મુક્ત ફ્રાંસ’માં ભૂગર્ભમાં. યુદ્ધસાહસ માટે સરકાર દ્વારા ત્રણ પારિતોષિક. જર્મન-વર્ચસના સમગ્ર સમયમાં પ્રતિકાર આંદોલનના સર્વશ્રેષ્ઠ નેતા. અનેક ઉપનામથી પ્રતિકાર-સાહિત્યનું સર્જન અને પત્ની એલ્સા ત્રિમોલેતની સહાયથી ઉત્તરમાં જર્મન-વર્ચસ્ના ફ્રાંસમાં અને દક્ષિણના મુક્ત ફ્રાંસમાં પ્રતિકાર-આંદોલનનું સંચાલન. આ સમયમાં ‘લ ક્રેવ-કર’ (1941), ‘લે ઝીય દેલ્સા’ (1942), ‘લ મ્યુઝે ગ્રેવેં’ (1943) અને ‘લે દિઆન ફ્રાંસેસ’ (1945) કાવ્યસંગ્રહોનું પ્રકાશન. 1945થી સામ્યવાદી સામયિક ‘લે લેત્ર ફ્રાંસેસ’નું સંચાલન. 1948 બળો પર આક્રમણરૂપ કાવ્યસંગ્રહ ‘લ નુવો ક્રેવ-કર’નું પ્રકાશન. માં તેમને લેનિન શાંતિ પુરસ્કાર મળ્યો. 1954થી અંત સુધીમાં આયુષ્યના સુધીમાં અગિયાર કાવ્યસંગ્રહોનું પ્રકાશન.

કવિજીવનનાં સાઠેક વર્ષમાં પચીસેક કાવ્યસંગ્રહોનું પ્રકાશન. પૂર્વાર્ધમાં – પરાવાસ્તવવાદના – સમયમાં – વસ્તુવિષય અને શૈલી-સ્વરૂપમાં પરાવાસ્તવવાદની લાક્ષણિકતાઓ નિરૂપતી કવિતા. 1930-35 સામ્યવાદના પ્રચારની કવિતા. 1935-40માં કાવ્યેતર પ્રવૃત્તિ. 1940 થી આયુષ્યના અંત સુધી એલ્સા પ્રત્યેના પ્રેમ, વ્યક્તિપ્રેમ તથા રાષ્ટ્રપ્રેમ અને સમષ્ટિપ્રેમ (સામ્યવાદ) વિશેની કવિતા. ઉત્તરાર્ધમાં સવિશેષ પ્રતિકાર-આંદોલનના સમયમાં પરંપરાગત કાવ્યલયો અને કાવ્યસ્વરૂપો દ્વારા કવિતા પ્રતિકાર-આંદોલનના સર્વશ્રેષ્ઠ કવિ. 1930 પછી માત્ર કવિતા દ્વારા જ નહિ, પણ નવલકથા અને વિવેચન દ્વારા પણ આધુનિક યુરોપના ઇતિહાસનું આલેખન કર્યું છે.

નિરંજન ભગત