આરબ લીગ : મધ્યપૂર્વમાંનાં આરબ રાજ્યોનું પ્રાદેશિક સંગઠન. સ્થાપના 22 માર્ચ, 1945ના રોજ કેરોમાં. ઇજિપ્ત, સીરિયા, લેબેનૉન, ઇરાક, ટ્રાન્સજૉર્ડન (હવે જૉર્ડન), સાઉદી અરેબિયા અને યેમન (હવે યેમનસાના) રાજ્યો તેનાં સ્થાપક સભ્યો હતાં. બીજાં પછીથી તેમાં જોડાયાં, તેમાં લિબિયા (1953), સુદાન (1956), ટ્યૂનિશિયા અને મોરૉક્કો (1958), કુવૈત (1961), બેહરીન, ઓમાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત 1971), મૉરિટાનિયા (1973), સોમાલિયા (1974), પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન (પી. એલ. ઓ.) (1976) અને જીબુટી-(1977)નો સમાવેશ થાય છે. લીગની સમિતિમાં દરેક સભ્યને એક મત છે અને કોઈ પણ નિર્ણય લેતી વખતે જેઓ તેની તરફેણમાં મત આપે એ દેશોને જ એ નિર્ણય બંધનકર્તા રહે છે.
1945માં લીગનાં ધ્યેયો : સભ્યો વચ્ચે રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક કાર્યક્રમોનું સંકલન; સભ્યો વચ્ચેના કે ત્રીજા પક્ષ સાથેના વિવાદોમાં મધ્યસ્થી બનવાનું વગેરે. 13-4-1950ના રોજ થયેલા આર્થિક અને લશ્કરી સહકાર અંગેના કરારથી લીગનાં સભ્ય-રાષ્ટ્રો વચ્ચે લશ્કરી અને સંરક્ષણ વિશેનાં પગલાં અંગેનું સંકલન પણ વધ્યું.
1959માંઆરબ લીગે સૌપ્રથમ આરબ પેટ્રોલિયમ કૉંગ્રેસ બોલાવી. 1964માં તેણે ‘આરબ લીગ શૈક્ષણિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંગઠન‘(ALECSO)’ની સ્થાપના કરી. જૉર્ડનનો વિરોધ છતાં તમામ પૅલેસ્ટાઇનવાસીઓના પ્રતિનિધિ તરીકે પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનને આરબ સંઘમાં પ્રવેશ અપાયો. લીગના ત્રીજા મહામંત્રી મહમૂદ રિયાદના નેતૃત્વ (1972-79) હેઠળ લીગની રાજકીય પ્રવૃત્તિઓ વધી. ઇઝરાયલ અને પૅલેસ્ટાઇનવાસીઓ અંગેના રાજકીય મુદ્દાઓ વિશે આંતરિક મતભેદોથી લીગ નબળી પડી. ઇજિપ્તે ઇઝરાયલ સાથે 26માર્ચ, 1979ના રોજ શાંતિ સંધિ કરી તેથી બગદાદમાં મળેલા આરબ સંઘના સભ્યોએ ઇજિપ્તને સભ્યપદેથી દૂર કર્યું અને લીગનું વડું મથક કેરોથી ખસેડી ટ્યૂનિસ લઈ જવાયું. પરંતુ 1983માં ફરીથી ઇજિપ્તને લીગમાં દાખલ કરતાં 1990માં તે મથક ટ્યૂનિસથી કેરોમાં ખસેડાયું. ઑગસ્ટ 1990માં કુવૈત પરના ઈરાનના આક્રમણને વખોડતો ઠરાવ લીગે કર્યો જેમાં સાઉદી અરેબિયા અને ઇજિપ્ત જેવા દેશો મોખરે હતા. આ બાબતે અમેરિકાનાં અને બ્રિટનનાં લશ્કરી દળો સાથે જોડાણ કરવાની સત્તા લીગને આપવામાં આવી. એથી લીગના મહામંત્રીએ અને યુનો ખાતેના એલચીએ રાજીનામું આપ્યું. 1991ના પ્રારંભે, આથી ઇરાક, જૉર્ડન, યેમન, ટ્યૂનિશિયા, અલ્જિરિયા વગેરે દેશોએ ઇજિપ્ત પર લીગના સિદ્ધાંતોનો ભંગ કરવાનો આરોપ મૂક્યો. લીગમાં નવા મહામંત્રી ઇસ્મત અબ્દ-અલ-મજીદની નિમણૂક થઈ. નવા મહામંત્રીએ યુદ્ધ પછી નિષ્ક્રિયતાની નીતિ ચાલુ રાખી. આથી રાજકીય સંદર્ભે સ્થાપકો ઇચ્છતા હતા તેવી અસરકારક કામગીરી તે બજાવી શક્યું નથી. 2011થી સીરિયાને સભ્યપદેથી દૂર કરાયું છે.
હેમન્તકુમાર શાહ