આરકાન્સાસ (નદી) : યુ. એસ.માં આવેલી મિસિસિપી નદીને મળતી મોટી નદી. ભૌગોલિક સ્થાન : 340 00´ ઉ. અ. અને 910 00´ પ. રે. (સંગમસ્થળ). તે મધ્ય કૉલોરાડોમાં રૉકી પર્વતમાળામાંથી લીડવીલ નજીકની સવૉચ (Sawatch) હારમાળામાંથી નીકળે છે. ત્યાંથી તે અગ્નિ (પૂર્વ-અગ્નિ) તરફ 2,330 કિમી.ના અંતર માટે વહે છે. તે કૉલોરાડો, કાન્સાસ, ઓક્લાહોમા અને આરકાન્સાસ રાજ્યોમાંથી પસાર થાય છે અને લિટલ રૉક વટાવ્યા પછી મિસિસિપીને મળે છે. મૂળથી સંગમ સુધીનો તેનો ઢોળાવ-પાત 3,475 મીટરનો બને છે. આ નદીના જળપરિવાહ થાળાનો કુલ વિસ્તાર 4,16,000 ચો.કિમી. જેટલો થાય છે. આ નદીએ તેના પ્રવાહપથમાં ગ્રૅનાઇટ ખડકોમાં કોતરો તો ક્યાંક ઊંડી ખીણો રચ્યાં છે. તે તેના સમતળ ભાગોમાં સર્પાકારે વહે છે. તેના પ્રવાહપથમાં તેને શાખાનદીઓ મળે છે, તેમાં સૉલ્ટ ફૉર્ક, સીમા રોન, વર્દીગ્રીસ ગ્રાન્ડ અને કૅનેડિયન નદીઓ મળે છે. પૂરનિયંત્રણ માટે નદી પર કેટલીક યોજનાઓ આકાર પામી છે. આ નદીકિનારે પ્યુબ્લો (કૉલોરાડો), વિચિટા (કાન્સાસ), તુલ્સા (ઓક્લાહોમા) ફૉર્ટ સ્મિથ અને લિટલ રૉક (આરકાન્સાસ) વગેરે શહેરો વસેલાં છે.
1541 માં આ નદી સ્પૅનિશ અભિયંતા ફ્રાન્સિસ્કો વાઝક્વેઝ દ કોરોનૅડોએ કાન્સાસના ડૉઝ સિટી નજીકના સ્થળે ઓળંગેલી હોવાનું મનાય છે. એ જ રીતે અમેરિકી અભિયંતા ઝેબુલોન પાઇક 1806 માં તેના ઉપરવાસના પ્રદેશને ખૂંદી વળેલો.
આ નદીથાળાના પ્રદેશમાં લાકડાં (કઠિયારાકામ), પેટ્રોલિયમ અને કોલસાની પેદાશો મળે છે. આ નદી પર બંધ-યોજનાઓ છે અને તેમાંથી જળવિદ્યુત-ઊર્જા મળે છે.
હેમન્તકુમાર શાહ