આયોનિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના મધ્યવિસ્તારમાં આવેલો ભાગ. ભૌગોલિક સ્થાન : તે આશરે 360થી 400 ઉ. અ. અને 150 થી 210 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની પૂર્વ તરફ આલ્બેનિયા અને ગ્રીસ, પશ્ચિમ તરફ સિસિલી અને ઇટાલી તથા ઉત્તર તરફ ઍડિયાટ્રિક સમુદ્ર આવેલા છે. તે ઓટ્રન્ટોની સામુદ્રધુનીથી એડ્રિયાટિક સમુદ્ર સાથે અને મેસિનાની સામુદ્રધુનીથી તિરહેનિયન સમુદ્ર સાથે જોડાયેલો છે. તેમાં સ્કિવલેસ અને તરાન્તો (ઇટાલી), આર્તા, પત્રાઈ અને કૉરિન્થ(ગ્રીસ)ના અખાતોનો સમાવેશ થાય છે.
આયોનિયન સમુદ્રના ગ્રીસના કિનારા પરનો કૉર્નિશનો અખાત અહીંના ઘણા ઊંડા ફાંટાઓ પૈકીનો મોટામાં મોટો ફાંટો છે. સમુદ્રના પૂર્વ ભાગમાં આયોનિયન ટાપુઓ આવેલા છે. આયોનિયન સમુદ્રને કિનારે સિરાક્રુઝ, અને કેટેનિયા (સિસિલી), તરાન્તો (ઇટાલી), કેરકિટા (આયોનિયન ટાપુઓ) અને પત્રાઈ (ગ્રીસ) બંદરો આવેલાં છે. આ સમુદ્રની મહત્તમ પહોળાઈ આશરે 675 કિમી. અને મહત્તમ ઊંડાઈ 5,093 મીટર જેટલી છે. ગ્રીસની દક્ષિણે આયોનિયન સમુદ્રની આ ઊંડાઈ ભૂમધ્ય સમુદ્રની વધુમાં વધુ ઊંડાઈ છે. ગ્રીક લોકોની પૌરાણિક માન્યતા અનુસાર ત્યાંની વનદેવી આયો તેના કિનારા પર લટારો મારતી હોવાના ખ્યાલે આ સમુદ્રને આયોનિયન નામ અપાયેલું છે.
હેમન્તકુમાર શાહ