આયૉનેસ્કો, યૂજિન

January, 2002

આયૉનેસ્કો, યૂજિન (જ. 26 નવેમ્બર 1912, સ્લાતિના, રુમાનિયા; અ. 28 માર્ચ 1994, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ નાટ્યકાર અને ઍબ્સર્ડ થિયેટરના પ્રણેતા. ફ્રેન્ચ માતા અને રુમાનિયન પિતાના પુત્ર. બાળપણ ફ્રાંસમાં વીત્યું. 1925 થી 1938સુધીનાં વર્ષો રુમાનિયામાં ગાળ્યાં. ત્યાં ફ્રેન્ચ ભાષાના શિક્ષકની લાયકાત મેળવી અને 1936 માં લગ્ન કર્યું. 1939 માં શિષ્યવૃત્તિ મેળવીને શોધપ્રબંધ તૈયાર કરવા ફ્રાન્સ આવ્યા. પ્રૂફવાચન દ્વારા આજીવિકા મેળવીને ત્યાં જ સ્થિર થયા. 1948 સુધી રુમાનિયન કવિતા અને વિવેચન ઉપર તેમણે હાથ અજમાવ્યો હતો.

અંગ્રેજી ભાષાના અભ્યાસ દરમિયાન રોજિંદી ચવાઈ ગયેલી અર્થહીન ભાષાએ એમને ઍબ્સર્ડની દુનિયામાં પ્રવેશ કરાવ્યો. ભદ્ર સમાજની થીજી ગયેલી પરંપરાઓ અને રૂઢ નિરર્થક વ્યવહાર ઉપર વેધક કટાક્ષ દ્વારા વિસંગતતાનો અનુભવ કરાવવા તેમની પ્રથમ નાટ્યકૃતિ ‘ધ બાલ્ડ પ્રાઇમા ડૉના’ (ફ્રેન્ચ : 1949, અં. ભા. 1958)માં મિસ્ટર અને મિસિસ સ્મિથ વચ્ચેનો સંવાદ રજૂ કર્યો છે. આ રીતે આયૉનેસ્કોએ પ્રતિનાટ્યો(antiplays)ની દુનિયામાં પ્રવેશ કર્યો. આ કૃતિમાં પણ એમનાં અન્ય નાટકોની જેમ માનવસંબંધોની વિલક્ષણતા, અર્થહીન વાગ્વ્યવહાર, સ્વપ્નિલ મનોઘટના વગેરેના અનુભવ દ્વારા હતાશા, બીભત્સતા અને તરંગી વિનોદ રજૂ થયેલાં છે.

આયૉનેસ્કોએ લખેલાં અન્ય નાટકોમાં ‘ધ ચૅર્સ’ (ફ્રેંચ 1952, અં. ભા. 1958); ‘ધ ન્યૂ ટેનન્ટ’ (ફ્રેંચ 1953, અં. ભા. 1958); ‘ધ કિલર’ (ફ્રેંચ 1959, અં. ભા. 1960); ‘રાઇનોસેરસ’ (ફ્રેંચ 1959, અં. ભા. 1960); ‘એક્ઝિટ ધ કિંગ’ (ફ્રેંચ1962, અં. ભા. 1963) – એ નોંધપાત્ર કૃતિઓ છે.

યૂજિન આયૉનેસ્કો

યૂજિન આયૉનેસ્કો, Vol.2.6

રંગમંચની વાસ્તવિકતા સાથે ટેવાયેલા પ્રેક્ષકોને આયૉનેસ્કોએ અતિવાસ્તવવાદ અને અપ્રતિનિધાનની અસંખ્ય પ્રયુક્તિઓથી પ્રભાવિત કર્યા.

‘ધ ચૅર્સ’માં વૃદ્ધ દંપતી પોતાની જીવનયાત્રાનો સંપૂર્ણ અનુભવ ખાલી ખુરસીઓને પહોંચાડવા મથે છે. નિમંત્રણ પાઠવ્યા છતાં કોઈ આવ્યું જ નહિ ! આત્મહત્યા કરનાર દંપતીએ પોતાનો સંદેશો જાહેર પ્રવક્તાને સોંપ્યો, પણ તે બહેરો-મૂંગો છે. જીવનની કરુણતા અને વિફળતા ઉપર અહીં વેધક કટાક્ષ છે. આયૉનેસ્કોનાં પ્રારંભનાં નાટકોમાં વ્યક્તિની એકલતા, નિરાશા અને મૃત્યુના ઓથારનું નિરૂપણ છે. ‘રાઇનોસેરસ’ અંગ્રેજી નાટ્યગૃહમાં તેની પ્રણાલીભંજકતાને કારણે અભિનવ પ્રયોગ ગણાયું. તેમાં સરમુખત્યારીને માનવીને પ્રાકૃત બનાવનાર રોગ તરીકે આલેખી છે. તેનો નાયક બેરેન્જર આયૉનેસ્કોની પ્રતિકૃતિ છે. તે રોજિંદા અસ્તિત્વની અસારતાથી સભાન છે. ઝાઁ જડતાના કવચથી જાડી ચામડીનું બનેલું બીજા છેડાનું પાત્ર છે. અંતે બેરેન્જર એવા જડ સમાજમાં ઘેરાયેલ છે. ‘ધ કિલર’થી શરૂ થયેલું સામાન્ય માનવસમું આ પાત્ર ‘એક્ઝિટ ધ કિંગ’માં વિદાય લે છે. લેખકની માફક તે પણ મનુષ્યની મુક્તિ સાથે નિસબત ધરાવે છે.

આયૉનેસ્કોનાં સર્જનોમાં જીવનની યાંત્રિકતા, શૂન્યતા તથા રહસ્યમયતાનો અભાવ અને પરંપરાગત આદતોથી મૃતપ્રાય બનેલી ભાષા દ્વારા પ્રત્યાયનની વિમાસણ સચોટ રીતે વ્યક્ત થયેલાં છે.

લેખક તરીકેની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન નિબંધો, વાર્તાઓ, નવલકથા વગેરે પણ આપણને તેમની પાસેથી મળ્યાં છે. ‘નોટ્સ ઑન કાઉન્ટરનોટ્સ’ (ફ્રેંચ1962 અં. ભા. 1964)માં નાટ્યવિવેચન છે. ફ્રાન્સ અકાદમીનું સભ્યપદ તેમને 1970 માં મળ્યું હતું.

આયૉનેસ્કોની નવલકથા Le Solitaire (1973) ઉપરથી La Vase ફિલ્મ તૈયાર થઈ હતી જેમાં તેમની પ્રધાન ભૂમિકા હતી. ‘મૅન વિથ બૅગ્ઝ’ (1977) એ એમની છેલ્લી નાટ્યકૃતિ છે.

જયન્ત પંડ્યા