આયોડોફૉર્મ (ટ્રાઇઆયોડોમિથેન) : આછા લીલાશ પડતા પીળા રંગનું, સ્ફટિકમય, વિશિષ્ટ ઉગ્ર વાસ ધરાવતું, આયોડિનયુક્ત કાર્બનિક સંયોજન. સૂત્ર CHI3. સૌપ્રથમ આ પદાર્થ 1822માં બનાવવામાં આવ્યો હતો. ગ.બિં., 11.90 સે. પાણીમાં અદ્રાવ્ય, પરંતુ આલ્કોહૉલ, ઈથર, બેન્ઝિન, એસિટોન વગેરે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. આલ્કલી અથવા આલ્કલી કાર્બોનેટની હાજરીમાં આલ્કોહૉલ અથવા એસિટોન સાથે આયોડિનની પ્રક્રિયાથી મળે છે :

C2H5OH + 4I2 + 3Na2CO3 → CHI3 + HCOONa
(ઇથાઇલ આલ્કોહૉલ)
                             + 5 NaI + 3CO2 + 2H2O
CH3COCH3 + 3I2 + 2Na2CO3 → CHI3 +
(એસિટોન)
                               CH3COONa + 3NaI + 2CO2 + H2O

ઔદ્યોગિક રીતે તેનું ઉત્પાદન સોડિયમ કાર્બોનેટ અને પોટૅશિયમ આયોડાઇડ ધરાવતા જલીય આલ્કોહૉલ કે એસિટોનના દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે. દ્રાવણનું તાપમાન 600-700 સે. રાખવામાં આવે છે અને તેમાં કાર્બન-ડાયૉક્સાઇડ પસાર કરીને પ્રક્રિયામાં ઉદભવતા સોડિયમ હાઇડ્રૉક્સાઇડનું તટસ્થીકરણ કરવામાં આવે છે.

તેના ચેપનાશક (antiseptic) ગુણની શોધ 188૦માં થઈ હતી. તેમાંથી આયોડિન મુક્ત થતું હોવાને કારણે તે જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. હાલ તેના બદલે અન્ય વધુ અસરકારક પદાર્થો વપરાય છે.

પ્રવીણસાગર સત્યપંથી