આયોડિન આંક અથવા આયોડિન-મૂલ્ય

January, 2002

આયોડિન આંક અથવા આયોડિન-મૂલ્ય (Iodine Number or Iodine Value) : તૈલી પદાર્થોની અસંતૃપ્તતા (unsaturation) દર્શાવવાનું માપ. સો ગ્રામ તેલ, ચરબી, રબર અથવા મીણને સંતૃપ્ત કરવા માટે જરૂરી આયોડિનના જથ્થાને (ગ્રામમાં) આયોડિન-આંક કહે છે. આ આંક નક્કી કરવા માટે તૈલી પદાર્થનું ચોક્કસ વજન કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં લઈ તેમાં જરૂર કરતાં વધુ આયોડિન મૉનોક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. પ્રક્રિયાને અંતે નહિ વપરાયેલ પ્રક્રિયક-(આયોડિન)નું પ્રમાણ અનુમાપન દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ઉપરથી વપરાયેલ આયોડિનનું પ્રમાણ નક્કી કરી આયોડિન-આંકની ગણતરી કરાય છે.

અસંતૃપ્ત સંયોજનો સાથે હૅલોજન(આયોડિન)ની માત્ર યોગશીલ (additive) પ્રક્રિયા જ થતી હોય અને પરિસ્થાપન કે ઉપચયન જેવી આડપ્રક્રિયાઓ ન થતી હોય તેવી પદ્ધતિઓ દ્વારા જ આયોડિન-આંક નક્કી કરવો જરૂરી છે.

અસંતૃપ્ત સંયોજનોમાં દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા અણુઓ હોય છે જે આયોડિન પ્રત્યે ક્રિયાશીલ હોય છે. તૈલી પદાર્થો સામાન્ય રીતે ઓલીઇક, લિનોલીઇક, લિનોલેનિક જેવા અસંતૃપ્ત ઍસિડ ધરાવે છે. આવા ઍસિડના આયોડિન-આંક નીચે દર્શાવ્યા છે :

ચરબીજ ઍસિડ તેમાં દ્વિબંધની સંખ્યા આયોડિનમૂલ્ય
ઓલીઇક 1 89.9
લિનોલીઇક 2 181.૦
લિનોલેનિક 3 273.5

કેટલાક જાણીતા તૈલી પદાર્થોના આયોડિન-આંક નીચે આપ્યા છે :

પદાર્થ આયોડિનઆંકની પરાસ
ઘી 30-35
કોપરેલ 7.5-14.5
મગફળીનું તેલ 84-1૦૦
કપાસિયાનું તેલ 99-1133
તલનું તેલ 103-116
કરડીનું તેલ 140-15૦

સંતૃપ્ત તેલ, ચરબી કે મીણ સાથે આયોડિનની યોગશીલ પ્રક્રિયા થતી નથી. આથી તેમનું આયોડિન-મૂલ્ય શૂન્ય છે; જે સંયોજન સાથે વધુ માત્રામાં આયોડિન જોડાય તેનો આયોડિન-આંક ઊંચો હોય છે. આથી તે વધુ ક્રિયાશીલ, ઓછાં સ્થાયી, નરમ (soft) અને ઉપચયનની ક્રિયા ઝડપથી અનુભવે તેવાં હોય છે. આને લીધે જ તે ખોરાં (rancid) બને છે.

135થી વધુ આયોડિન-આંક ધરાવતાં તેલ હવાની હાજરીમાં પાતળું પડ બનાવે છે, જેથી તે શુષ્કન (drying) તેલ તરીકે ઓળખાય છે (દા.ત., અળસીનું તેલ, આયોડિન-આંક : 175). આવાં તેલ તૈલી રંગો તથા વાર્નિશની બનાવટમાં વપરાય છે. 110 થી 135 આયોડિન-મૂલ્યવાળાં તેલ અર્ધશુષ્કન (semidrying) તેલ તરીકે ઓળખાય છે (દા.ત., સૉયાબીન તેલ).

પ્રવીણસાગર સત્યપંથી