આયારંગસુત્ત (આચારાંગસૂત્ર) : જૈન શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દ્વાદશાંગમાંનો મહત્વનો સૂત્રગ્રંથ. તેને અંગોનો સાર કહ્યો છે. જ્ઞાતાધર્મકથાઓમાં એનો સામાયિક નામે ઉલ્લેખ કરેલો છે. આમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે. તે બંભચેર (બ્રહ્મચર્ય) કહેવાય છે. તેમાં 44 ઉદ્દેશક છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં 16 અધ્યયન છે, જે ત્રણ ચૂલિકાઓમાં વિભક્ત છે. પ્રથમ શ્રુતસ્કંધની અપેક્ષાએ બીજું મૌલિક અને પ્રાચીન છે. આ સૂત્ર ગદ્ય અને પદ્ય બંનેમાં છે. કેટલીક ગાથાઓ અનુષ્ટુપ છંદમાં છે. તેની ભાષા પ્રાચીન પ્રાકૃતનો નમૂનો છે. આ સૂત્ર ઉપર ભદ્રબાહુએ નિર્યુક્તિ, જિનદાસગણિએ ચૂર્ણી અને શીલાંકે ટીકા લખી છે. જિનહંસે દીપિકા લખી છે. હર્મન જૅકોબીએ ‘સેક્રેડ બુક્સ ઑવ્ ધી ઈસ્ટ’ના 22મા ભાગમાં તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે.
‘શસ્ત્રપરિજ્ઞા’ નામના પ્રથમ અધ્યયનમાં જીવોની હિંસાનો નિષેધ છે. ‘લોકવિજય’ અધ્યયનમાં અપ્રમાદ, અજ્ઞાનીનું સ્વરૂપ, ધનસંગ્રહનું પરિણામ, આશાનો ત્યાગ, પાપકર્મનો નિષેધ વગેરેનું પ્રતિપાદન છે. ‘શીતોષ્ણીય’ અધ્યયનમાં વિરક્ત મુનિનું સ્વરૂપ, સમ્યગ્દર્શીનું લક્ષણ અને કષાયત્યાગનું પ્રતિપાદન છે. ‘સમ્યકત્વ’ અધ્યયનમાં તીર્થંકરભાષિત ધર્મ, અહિંસા, દેહદમન, સંયમની સાધના વગેરેનું વિવેચન છે. ‘લોકસાર’ અધ્યયનમાં કુશીલ-ત્યાગ, સંયમમાં પરાક્રમ, ચારિત્ર, તપ વગેરેનું નિરૂપણ છે. ‘ધૂત’ અધ્યયનમાં પરીષહ-સહન, પ્રાણીહિંસા, ધર્મમાં પ્રેમ વગેરે વિવિધ વિષયોનું વિવેચન છે. ‘મહાપરિજ્ઞા’ નામનું અધ્યયન અલગ પડી ગયું (વ્યુચ્છિન્ન) છે, તેથી ઉપલબ્ધ નથી. ‘વિમોક્ષ’ અધ્યયન’માં પરીષહ-સહન, વસ્ત્રધારીના આચાર, વસ્ત્રત્યાગમાં તપ, સંલેખનાની વિધિ, સમાધિમરણ વગેરેનું પ્રતિપાદન છે. ‘ઉપધાન-શ્રુત’ અધ્યયનમાં મહાવીરની કઠોર સાધનાનું વર્ણન છે.
દ્વિતીય શ્રુતસ્કંધની પ્રથમ ચૂલિકાના ‘પીડૈષણા’ અધ્યયનમાં ભિક્ષુ-ભિક્ષુણીઓના આહારસંબંધી નિયમોનું વિસ્તૃત વર્ણન છે ‘શય્યા’ અધ્યયનમાં વસતિના ગુણદોષો અને ગૃહસ્થીની સાથે રહેવાથી લાગતા દોષોનું વિવેચન છે. ‘ઈર્યા’ અધ્યયનમાં મુનિના વિહારસંબંધી નિયમોનું નિરૂપણ છે. ‘ભાષાજાત’ અધ્યયનમાં ભાષાસંબંધી આચારવિચારોનું વર્ણન છે. ‘વસ્ત્રૈષણા’ અધ્યયનમાં મુનિઓના વસ્ત્રસંબંધી નિયમોનો ઉલ્લેખ છે. ‘પાત્રૈષણા’ અધ્યયનમાં પાત્રસંબંધી નિયમોનું વિધાન છે. ‘અવગ્રહપ્રતિમા’ અધ્યયનમાં ઉપાશ્રયસંબંધી નિયમો બતાવેલા છે. આ સાત અધ્યયનો પ્રથમ ચૂલિકાની અંતર્ગત આવે છે.
દ્વિતીય ચૂલિકામાં પણ સાત અધ્યયન છે. ‘સ્થાન’ અધ્યયનમાં સ્થાનસંબંધી, ‘નિશીથિકા’ અધ્યયનમાં સ્વાધ્યાય કરવાના સ્થાન સંબંધી અને ‘ઉચ્ચારણ-પ્રશ્રવણ’ અધ્યયનમાં મળમૂત્રના ત્યાગસંબંધી નિયમોનું વિધાન છે. ત્યારબાદ શબ્દ, રૂપ, કર્મબંધજનક ક્રિયા (પરક્રિયા) સંબંધી નિયમોનું નિરૂપણ છે.
તૃતીય ચૂલિકામાં બે અધ્યયન છે : ‘ભાવના’ અધ્યયનમાં મહાવીરનું ચરિત્ર અને મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન છે. ‘વિમુક્તિ’ અધ્યયનમાં મોક્ષનો ઉપદેશ છે.
ગીતા મહેતા