આયંગર, એમ. અનંતશયનમ્ (જ. 4 ફેબ્રુઆરી તિરુચેન્નુર, ચેન્નાઇ 1891 ; અ. 19 માર્ચ 1978, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : ભારતની લોકસભાના પૂર્વઅધ્યક્ષ. વતન તિરુપતિ. શાળાકીય શિક્ષણ તિરુપતિમાં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈ ખાતે લીધું હતું. 1915માં તેમણે ચિત્તુર ખાતે વકીલાત શરૂ કરી. વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતથી જ તેઓ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા. 1921-22 ની અસહકારની ચળવળમાં કૉંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે તેમણે ભાગ લીધો હતો. મહાત્મા ગાંધીની રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ તેઓ શરૂઆતથી જ આકર્ષાયેલા. હરિજન-ઉદ્ધાર, અસ્પૃશ્યતા-નિવારણ તથા મંદિરોમાં હરિજનપ્રવેશને તેમણે જાહેર ટેકો આપ્યો હતો. આઝાદીની લડત દરમિયાન તેમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો હતો.
કૉંગ્રેસ પક્ષે કેન્દ્રીય ધારાસભાનો બહિષ્કાર પાછો ખેંચ્યા પછી 1934માં થયેલ ચૂંટણીમાં અનંતશયનમ્ આયંગર જંગી બહુમતીથી કેન્દ્રીય ધારાસભા માટે ચૂંટાયા હતા. ટૂંક સમયમાં જ એક પ્રતિભાસંપન્ન સાંસદ તરીકે ખ્યાતિ પામ્યા. 1947માં તેઓ કૉંગ્રેસ સંસદીય પક્ષના મંત્રી ચૂંટાયા. 1949માં સંસદના નીચલા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ. 1952 માં ભારતની લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે ફરી ચૂંટાયા. 1958માં તેઓ આ જ ગૃહના અધ્યક્ષ થયા (1958-62). ડિસેમ્બર 1957માં તેમણે કૉંગ્રેસ સંસદીય પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું.
1952માં ઓટાવા ખાતે મળેલી રાષ્ટ્રસમૂહના દેશોની સંસદીય પરિષદમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 1956માં ચીન તથા 1959માં પૂર્વ યુરોપના દેશોની મુલાકાતે ગયેલા સંસદીય પ્રતિનિધિમંડળના તેઓ નેતા હતા.
1962માં તેઓ બિહારના રાજ્યપાલપદે નિયુક્ત થયા હતા. 1967માં આ પદ પરથી નિવૃત્ત થયા પછી તેઓ તિરુપતિ પાછા ફર્યા. નિવૃત્તિ પછી પણ તેઓ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને પોતાનાં જ્ઞાન, અનુભવ અને કાર્યકુશળતાનો લાભ આપતા. તેમણે લખેલ ‘Our Parliament’ નામના પુસ્તકનું અનેક ભારતીય ભાષાઓમાં ભાષાંતર થયેલું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે