આમૂરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની સદાહરિત વૃક્ષો ધરાવતી એક પ્રજાતિ. તેનું ઇંડો-મલયેશિયન પ્રદેશોમાં મુખ્યત્વે વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે, તે પૈકી Amoora wallichii King. (બં. લાલી, પિત્રજ; હિં. લાલચોની, આ. અમારી, ગુ. અમારી, રોહીડો) ઇમારતી લાકડા માટે અગત્યની વૃક્ષ-જાતિ છે. તેની એક જાતિ A. rohituka W. & A.ને હાલમાં Aphnamixis polystachya (Wall). Parker તરીકે ઓળખાવવામાં આવે છે. આમૂરાના કુળનાં સહસભ્યોમાં ટુન, બકાન લીમડો, લીમડો વગેરેનો સમાવેશ થાય છે.

તે એક મધ્યમ કદનું 10  મી. થી 35  મી.ની ઊંચાઈ અને 2.0  મી.થી 4.0 મીના ઘેરાવાવાળું સીધું નળાકાર થડ ધરાવતું અને વિશાળ, ઘટ્ટ, છાયા આપતું વૃક્ષ છે. તે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર અને આંદામાનનાં સદાહરિત જંગલોમાં થાય છે. પર્ણો વૃક્ષની ટોચ પર પર્ણમુકુટ બનાવે છે અને આશરે 1.0 મી લાંબાં, યુગ્મ પીંછાકાર હોય છે અને 11 થી 13  જોડ લંબચોરસ, અણીદાર, ચળકતી અને સંમુખ રીતે ગોઠવાયેલી પર્ણિકાઓ ધરાવે છે. જુલાઈથી સપ્ટેમ્બરમાં શાખિત લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે પુષ્પનિર્માણ થાય છે. નર-પુષ્પો નાનાં હોય છે અને 5 વજ્રપત્રો, 3 દલપત્રો અને 6 પુંકેસરો ધરાવે છે. માદા અથવા દ્વિલિંગી પુષ્પો નર-પુષ્પો કરતાં મોટાં અને ઊર્ધ્વકક્ષીય (supra-axillary) હોય છે. તેનાં પ્રાવર પ્રકારનાં ફળ પ્રતિઅંડાકાર (obovoid) હોય છે.

Aglaia spectabilis

આમૂરા

સૌ. "Aglaia spectabilis" | CC BY-SA 3.0

આમૂરા સુંદર છાંયડો ધરાવતું વૃક્ષ છે અને તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. છાંયડામાં તેની અંકુરણક્ષમતા 85 %થી 90 % જેટલી હોય છે.

તેનું રસકાષ્ઠ (sapwood) આછું રતાશ પડતું તથા અંત:કાષ્ઠ (heartwood) ઘેરા લાલ રંગનું હોય છે અને સમય જતાં ચૉકલેટ-બદામી રંગનું બને છે. કાષ્ઠ મધ્યમસરનું સખત અને ભારે (વિ. ગુ. ૦.63; વજન 615 કિગ્રા./ઘમી. ) અને મધ્યમ ગઠન(texture)વાળું હોય છે. તેને કરવત વડે સહેલાઈથી વહેરી લીસું બનાવી શકાય છે. તે પૉલિશ સારી રીતે ગ્રહણ કરે છે. તે મધ્યમસરનું ટકાઉ હોય છે અને ઊધઈની સામે મધ્યમ-અવરોધ દર્શાવે છે. સાગના કાષ્ઠના સંદર્ભે તેના કાષ્ઠના ગુણધર્મોની ટકાવારીમાં તુલના આ પ્રમાણે છે : વજન 90 %; પાટડાનું સામર્થ્ય (strength) 80 %; પાટડાની દૃઢતા (stiffness) 95  %; સ્તંભ તરીકેની ઉપયુક્તતા (suitability) 85  %; આઘાત-અવરોધક્ષમતા (shock-resisting ability) 95  %; આકારની જાળવણી 50 %; અપરૂપણ (shear) 95  % અને કઠોરતા (hardness) 80  %.

તેના કાષ્ઠનો આસામમાં હોડી, રેલવેના ડબ્બાઓ અને ફર્નિચર બનાવવા માટે ઉપયોગ થાય છે. તે બૉબિન, પ્લાયવૂડ, બારણાંઓનાં શટર, બારીઓ અને ઓજારોના હાથાઓ બનાવવામાં અને બળતણ તરીકે ઉપયોગી છે. વૃક્ષારોપણ દરમિયાન ખાલી રહી જતી જગાઓ ભરવા માટે આ વૃક્ષો ઉપયોગમાં લેવામાં આવે છે. તેના અંત:કાષ્ઠમાં β-સિટોસ્ટેરોલ હોય છે. કાષ્ઠનો આલ્કોહૉલીય નિષ્કર્ષ ‘રાનીખેત’ રોગના અને વૅક્સિનિયાના વિષાણુઓનો અવરોધ કરે છે. આ નિષ્કર્ષ Ascaridia galli નામના કૃમિ સામે કૃમિહર (canthelricutic) સક્રિયતા અને પેશી-સંવર્ધનમાં નાસાગ્રસની(nasopharynx)ના માનવના અધિચર્મીય કૅન્સર (epidermoid carcinoma) સામે પ્રતિકૅન્સર સક્રિયતા દાખવે છે.

A. Canarana (Turcz) Hiren. કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં થતી સ્થાનિક જાતિ છે અને તેના કાષ્ઠનો મજબૂત પ્લાયવૂડ બનાવવામાં ઉપયોગ થાય છે.

A. Cuccullata Roxb. પશ્ચિમ બંગાળના ભરતી-વિસ્તારનાં જંગલોમાં થાય છે. તેનું કાષ્ઠ હોડી, હુક્કા અને રમકડાં બનાવવામાં અને બળતણ તરીકે ઉપયોગી છે. ક્ષત (bruised) પર્ણો સોજા ઉપર લગાડવામાં આવે છે.

દિનેશ હરસુખરાય મંકોડી 

 બળદેવભાઈ પટેલ