આમુર : એશિયા ખંડના ઈશાન ખૂણે પૂર્વ સાઇબીરિયામાં રશિયા અને ચીનની સરહદે આવેલી નદી. આ નદી સિંચાઈ, મત્સ્ય-ઉદ્યોગ તેમજ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે.

ચીનમાં આ નદીને હી-લંગ-જિયાંગ અર્થાત્ ‘કાળી નદી’ (Hei-Ho) તરીકે સંબોધવામાં આવે છે. તેના ભયાનક પૂરપ્રકોપના સ્વરૂપને કારણે તે ‘Black Dragon’નું બિરુદ પણ પામી છે. શાખાનદીઓ સહિતનો તેનો કુલ સ્રાવ-વિસ્તાર 19,90,000 ચોકિમી. જેટલો થાય છે. આ નદીની મુખ્ય ઉપશાખા ઝેયા (Zeya) છે, જે બંને મળી સમૃદ્ધ જળવિસ્તાર રચી ઘઉં, મકાઈ, સૉયાબીનની ખેતી માટે સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. લગભગ 4,416  કિમી. વહેતી આ નદી પૂર્વ કિનારે નિકોલેવસ્ક ખાતે ઓખોટસ્ક સમુદ્રને મળે છે. અહીં તેનો પટ 16 કિમી. જેટલો બની રહેલો છે.

Amur River

આમુર નદી

સૌ. "Amur River" | CC BY-SA 3.0

આ નદી સિંચાઈ ઉપરાંત ઔદ્યોગિક પ્રદેશોને લાકડું, ખનિજતેલ તેમજ અન્ય જરૂરી સામગ્રી લાવવા-લઈ જવા માટે જળમાર્ગ તરીકે ઉપયોગી નીવડે છે. ટ્રાન્સ-સાઇબીરિયન રેલમાર્ગમાં આવતી આ નદી પર પુલો અને બંધો બાંધવામાં આવેલા છે. ખાબારોવસ્ક અને કોમસોમોલ્સ્ક જેવાં ઔદ્યોગિક કેન્દ્રો આ નદીને કિનારે સ્થપાયાં છે. ઝેયાબુરિયા મેદાનમાં વહેતી આ નદી ચીન કરતાં રશિયાને વધુ લાભદાયક છે.

1858 ની એઇગન અને 1860ની પેકિંગ સંધિઓ હેઠળ 9,84,2૦૦  ચોકિમી.નો ઉત્તર અને પૂર્વ તરફનો પ્રદેશ ચીને ઝાર સરકારને સોંપી દીધેલો, પરંતુ 1963 માં ચીને તે પાછો મેળવવા માટે પ્રશ્ન ઊભો કરેલો છે અને તેથી આ સરહદ પર સંઘર્ષો થયેલા છે.

મહેશ મ. ત્રિવેદી