આમુક્ત માલ્યદા (16 મી સદી) : તેલુગુનાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાંનું એક મધ્યકાલીન કાવ્ય. રચયિતા વિજયનગરનરેશ કૃષ્ણદેવરાય (રાજ્યકાલ 1500-1530 ). કૃષ્ણદેવરાય સંસ્કૃત તથા તેલુગુના પંડિત હતા. એેમણે સંસ્કૃત તથા તેલુગુ બન્ને ભાષામાં કાવ્યરચનાઓ કરી હતી; પરન્તુ અત્યારે તો તેમનો ‘આમુક્ત માલ્યદા’ ગ્રંથ જ ઉપલબ્ધ છે. એનું બીજું નામ ‘વિષ્ણુચિત્તિયમુ’ છે. એ સંસ્કૃત શૈલી પ્રમાણે પાંચ આશ્વાસોમાં રચાયેલું પ્રબંધકાવ્ય છે. એમાં વિષ્ણુભક્ત વિષ્ણુચિત્તુડુની કથા છે. એક વાર પાંડેય રાજાએ પોતાના દરબારના પંડિતોને મોક્ષનો ઉપાય પૂછ્યો. વિષ્ણુએ એમના ભક્ત વિષ્ણુચિત્તુડુને દરબારમાં જવા પ્રેર્યા, એટલે એમણે ત્યાં જઈને બીજા વિદ્વાનોને પરાસ્ત કરીને વિષ્ણુભક્તિની સર્વોચ્ચતા સ્થાપિત કરીને, રાજાને વિષ્ણુભક્ત બનાવ્યા.
વિષ્ણુચિત્તુડુની પુત્રી ગોદાદેવી વિષ્ણુને જ પોતાનો પતિ માનતી હતી અને વિષ્ણુવિરહથી સંતપ્ત હતી. વિષ્ણુને માટે એના પિતા હાર ગૂંથતા. તે પહેલાં એ પહેરતી અને પછી વિષ્ણુને પહેરાવતી. (એથી જ ગોદાદેવીનું નામ ‘આમુક્ત માલ્યદા’ પડ્યું હતું અને એના વિશેના કાવ્યનું પણ એ નામ રાખવામાં આવ્યું છે.) વિષ્ણુચિત્તુડુને એ વાતની ખબર પડતાં, એણે ગોદાદેવીને ધમકાવી. તે રાત્રે વિષ્ણુચિત્તુડુને ભગવાન વિષ્ણુએ એની કન્યાને રંગનાથના મંદિરમાં લઈ જઈ રંગનાથની જોડે એનાં લગ્ન કરાવવાનો આદેશ આપ્યો. વિષ્ણુચિત્તુડુ એ પ્રમાણે ગોદાદેવીને રંગનાથના મંદિરમાં લઈ ગયો અને ભગવાન રંગનાથ જોડે એનાં વિધિવત્ લગ્ન કરવામાં આવ્યાં. વચ્ચે વિષ્ણુના અન્ય ભક્તોની આડકથાઓ પણ કવિએ ગૂંથી છે.
પાંડુરંગ રાવ