આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા

January, 2002

આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા (જ. 1924 , વુર્ઝબર્ગ, જર્મની; અ. 22 સપ્ટેમ્બર 2000 ) : અગ્રગણ્ય ઇઝરાયલી કવિ. ‘ઍમિચાઈ’નો હિબ્રૂમાં અર્થ છે : ‘મારા જનસમુદાયનાં જીવનો’. ઍમિચાઈ સતત પોતાના સમુદાયના અવાજમાં માનવજાતનો અવાજ વ્યક્ત કરતા. ‘ઓપન ક્લોઝ્ડ ઓપન’ તેમનું દીર્ઘ કાવ્ય છે. ઍના બ્લૉક અને ઍના કોનફેલ્ડે એનો હિબ્રૂમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. તે 173  પાનાં પર અનેક ખંડો અને ઉપખંડોમાં વિસ્તરેલું છે. 13 વર્ષના થયા ત્યારે તેમના કુટુંબે જેરૂસલેમમાં સ્થળાંતર કર્યું હતું. 1955 માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. ત્યારપછી બીજા 4 કાવ્યસંગ્રહો, એક વાર્તાસંગ્રહ અને ‘નૉટ ઑવ્ ધિસ ટાઇમ, નૉટ ઑવ્ ધિસ પ્લેસ’ નામક નવલકથા પ્રગટ થયેલ છે. ‘બેલ્સ ઍન્ડ ટ્રેન્સ’ નામક રેડિયોનાટક પણ છે, જેને કોલ (Kol) – હરીફાઈમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. એમની અન્ય રચનાઓ માટે એમને શ્લૉન્શ્કી પારિતોષિક તથા 2 વાર એક્યુમ (Acum) પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. એમણે જેરૂસલેમમાં શિક્ષણકાર્ય કર્યું હતું. અને ઇઝરાયલી લશ્કરમાં સાર્જન્ટ–મેજર પણ રહ્યા હતા. 1971 ની શિશિરમાં એ કૅલિફૉર્નિયામાં બર્કલે યુનિવર્સિટીમાં મુલાકાતી કવિ તરીકે રહેલા. એમની કવિતામાં ધરતીની સોડમ અને દેશબાંધવોની ભાવોર્મિના પડઘા પ્રતીત થાય છે. આરબ-ઇઝરાયલના સંઘર્ષમાં લપેટાયા હોવા છતાં એમણે યુરોપીય વ્યક્તિગત ચેતના જાળવી રાખી છે. કૅવેફીનાં કાવ્યોના અનુવાદો સાથે ઍમિચાઈનાં કાવ્યોના ચન્દ્રકાન્ત ટોપીવાળાએ કરેલા અનુવાદોનું પુસ્તક ‘ઇથાકા અને જેરૂસલેમ’ (1996) નામે પ્રકાશિત થયું છે.

ધીરુ પરીખ