આમાપન (રસાયણશાસ્ત્ર)

January, 2002

આમાપન (assay) (રસાયણશાસ્ત્ર) : ધાતુઓ (ખાસ કરીને કીમતી ધાતુઓ) અથવા ખનિજોના નમૂનાનું તેમાં રહેલ સંઘટકોનું પ્રમાણ તથા (નમૂનાની) ગુણવત્તા નક્કી કરવા માટેની કસોટી. સોનું, ચાંદી, જેવી ધાતુઓ ધરાવતા નમૂનાઓ(દા.ત., ઘરેણાં, લગડી, સિક્કાઓ)નું અગ્નિ-આમાપન (fire assay) પદ્ધતિ દ્વારા પૃથક્કરણ કરવામાં આવે છે. તેના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે છે :

(i) પ્રતિચયન (sampling) : આ તબક્કે નિરૂપક (representative) પ્રમાણમાં નમૂનો લેવામાં આવે છે.

(ii) સંગલન (fusion) : નમૂનાને યોગ્ય પ્રદ્રાવક (ગાલક) (flux) (દા.ત., બોરૅક્સ) અને અન્ય પદાર્થો સાથે ગરમ કરવામાં આવે છે. આથી બાષ્પશીલ ધાતુઓ ઑક્સાઇડ રૂપે ઊડી જાય છે, જ્યારે કેટલીક ધાતુઓ ધાતુમલ (slag) બનાવે છે, જેને ફેંકી દેવામાં આવેછે. સોનું, ચાંદી અને મહદ્અંશે સીસું એક બટન (button) બનાવે છે.

(iii) ખર્પરણ (cupellation) : બટનને તેમાંની સીસું અને અન્ય અશુદ્ધિઓનું ઉપચયન કરવા માટે ક્રૂસિબલમાં ઉપચયનકારી વાતાવરણમાં (હવાની હાજરીમાં) પિગાળવામાં આવે છે. આથી સોના તથા ચાંદીની મિશ્રધાતુનો મણકો (bead) બાકી રહે છે. આ મણકાનું વજન કરવામાં આવે છે.

(iv) વિભાજન (parting) : મણકામાંના સિલ્વરને દ્રાવ્ય બનાવવા તેને ગરમ, મંદ નાઇટ્રિક ઍસિડની માવજત આપવામાં આવે છે.

(v) તોલન (વજન કરવું) (weighing) : બચેલા સોનાનું વજન કરી આ વજનને સોનું-ચાંદી ધરાવતા મણકાના વજનમાંથી બાદ કરવામાં આવે છે. આથી નમૂનામાંની ચાંદીનું વજન મળે છે.

જેના ઑક્સાઇડનું સરળતાથી રિડક્શન કરી શકાય તેવી સીસું, બિસ્મથ, કલાઈ, ઍન્ટિમની અને તાંબા જેવી ધાતુઓ માટે પણ ઉપર દર્શાવેલી પદ્ધતિ ઉપયોગી છે. આધુનિક સમયમાં ધાતુઓને ક્ષારના રૂપમાં દ્રાવણમાં મેળવીને આર્દ્ર રાસાયણિક, સ્પેક્ટ્રોગ્રાફિક અથવા વિદ્યુતવિભાજ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને ધાતુઓનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. આજના સંદર્ભમાં આમાપન ખનિજમાં ધાતુઓનું પ્રમાણ તથા રસાયણો, ઔષધો વગેરેની શુદ્ધિ દર્શાવવાના વ્યાપક અર્થમાં વપરાય છે; દા.ત., સિલ્વર નાઇટ્રેટનું શીશી ઉપરના લેબલમાં આમાપન 99.5 ટકા દર્શાવેલ હોય તો તે તેની શુદ્ધતાની માત્રા દર્શાવે છે. અમુક ઔષધોનું પ્રમાણ જીવ-આમાપન (bio-assay) દ્વારા નક્કી કરવામાં આવે છે.

જો પ્લૅટિનમ, પેલેડિયમ અથવા રહોડિયમ હાજર હોય તો તે પીગળેલા લેડમાં ઓગળે છે અને તેમને ગોલ્ડ અને સિલ્વરની માફક એકઠાં કરવામાં આવે છે. ઓસ્મિયમ, ઇરિડિયમ હાજર હોય તો ખર્પરણ દરમિયાન તે મહદ્અંશે ગુમાવાય છે. આથી તેમનું રાસાયણિક પદ્ધતિઓ વડે વિશ્લેષણ કરવામાં આવે છે.

મહેન્દ્ર શાહ