આમસભા (House of Commons) : બ્રિટિશ સંસદનાં બે ગૃહોમાંનું નીચલું ગૃહ. 13મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે પહેલી જ વાર શહેરો અને કાઉન્ટીઓને નાણાકીય બાબતો અંગે પોતાના પ્રતિનિધિઓ મોકલવાની સત્તા અપાઈ ત્યારે આમસભાની શરૂઆત થઈ હતી. 16મી સદીમાં આમસભા અને ઉપલા ગૃહની ઉમરાવસભા(House of Lords)ને સત્તાવાર રીતે જુદી પાડવામાં આવી. 1801થી 1885 સુધી આમસભાની સભ્યસંખ્યા 658 રહી હતી. 1885માં 670, 1918માં 707 અને 1983થી તે 650ની રહી છે.
આમસભાના સભ્યની ચૂંટણી પ્રજા દ્વારા થાય છે. દરેક મતદાર-વિસ્તાર એક સભ્યને ચૂંટીને મોકલે છે. સભ્યની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જરૂરી છે. 1928ના કાયદા દ્વારા મહિલાઓ પણ આમસભાની સભ્ય થઈ શકે છે. 1911ના કાયદા અન્વયે સંસદનું નિશ્ચિત સમય પહેલાં વિસર્જન ન કરાય તો તેની મુદત પાંચ વર્ષની રહે છે. 17મી સદીના ઉત્તરાર્ધમાં ઉમરાવસભાએ કર લાદવા માટે જે ખરડાઓ પસાર કર્યા હતા તેને ફગાવી દઈને નાણાકીય ખરડાઓ ઘડવા માટેની પોતાની સર્વોચ્ચ સત્તા આમસભાએ પ્રસ્થાપિત કરી. બ્રિટનમાં કર લાદવાનો હક માત્ર આમસભાને છે; કારણ તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ગૃહ છે. આથી માત્ર તેઓ જ પ્રજાનાં નાણાંનો વહીવટ કરી શકે. સંસદનાં કાર્યો અદાલતી સમીક્ષાને અધીન ગણવામાં આવતાં નથી. આમસભામાં દરેક ખરડાનું ત્રણ વાર વાચન કરવામાં આવે છે અને ખરડાની વિગતવાર ચર્ચા માટે સભ્યોની બનેલી વિવિધ સમિતિઓ નીમવામાં આવે છે. ખાનગી ખરડાઓ ઉપર પણ તેમાં વિચારણા કરવામાં આવે છે.
સત્ર દરમિયાન સભ્યો પ્રધાનોને પ્રશ્નો પૂછે છે અને પ્રધાનો તેના જવાબો આપે છે. સંસદની દરેક નવી બેઠકના આરંભે આમસભામાં અધ્યક્ષ (Speaker) ચૂંટાય છે, જે ગૃહની ચર્ચાઓ અને સભ્યોના વર્તનનું નિયમન કરે છે. બંધારણીય પ્રણાલિકા અનુસાર વડાપ્રધાન આમસભાના સભ્ય હોય છે. પ્રત્યેક રાજકીય પક્ષ આમસભામાં પોતાનો નેતા અગાઉથી જાહેર કરે છે, પછી પક્ષને બહુમતી મળે તો તે નેતા વડો પ્રધાન બને છે. પક્ષ પોતાના સભ્યો ઉપર અંકુશ ધરાવે છે અને પક્ષ દ્વારા ચૂંટાયેલા દંડકના આદેશ (whip) અનુસાર વર્તવા અને મત આપવા સભ્યો બંધાયેલા હોય છે. 1911ના કાયદા બાદ અને ખાસ કરીને 1945 પછી સામાન્ય ચૂંટણીઓ પાંચ વર્ષ કરતાં વહેલી યોજાતી રહી છે. આમસભા વર્ષમાં સામાન્ય રીતે 160 દિવસ મળે છે. બેઠક દરમિયાન શનિ અને રવિ સિવાય તે રોજ મળે છે.
હેમન્તકુમાર શાહ