આમવાત (આયુર્વેદ) : એક પ્રકારનો સંધિરોગ (joint disease). આયુર્વેદ અનુસાર સંધિરોગોમાં સૌથી વધુ પ્રમાણ આમવાતનું હોય છે. આધુનિક તબીબી વિજ્ઞાન તેને રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ કહે છે; પણ આયુર્વેદના નિષ્ણાતો રૂમેટૉઇડ જ્વરનો પણ તેમાં સમાવેશ કરે છે. ‘આમ’ સાથે વાતદોષનો પ્રકોપ થતાં ‘આમવાત’ થાય છે. આમ એટલે આહારનો અપક્વ રસ. આમની ઉત્પત્તિ ત્રણ પ્રકારે વર્ણવેલ છે : (1) જઠરાગ્નિ મંદ થતાં આહારનું સમ્યક પાચન ન થતાં ‘રસ’ભાગને સ્થાને અપક્વ આમ ઉત્પન્ન થાય છે. (2) પ્રકુપિત વાતાદિ દોષો આમ ઉત્પન્ન કરે છે. (3) શરીરના કોષોમાં સાર અને મળનું વિભાજન થતું હોય છે. ધાતુસ્તરે અગ્નિમાંદ્ય થતાં મળનું પ્રમાણ વધે છે જે ‘આમ’ તરીકે વર્તે છે. આ રીતે ઉત્પન્ન થતા ‘આમ’ સાથે ‘વાત’ મળીને આમવાત રોગ પેદા થાય છે.

સામાન્ય લક્ષણો : ભોજનમાં અરુચિ, તૃષા, સ્વાદમાં વિરસતા, આળસ, થાક, શરીરમાં કળતર તથા હાથપગના સોજા. મોટા સાંધામાં દુખાવો તથા શરીર ભારે લાગવું.

વિશિષ્ટ લક્ષણો : હાથપગના તથા મસ્તકના સાંધામાં પીડા તથા સોજો. યોગરત્નાકરે કરોડસ્તંભના સાંધાના સોજાને પણ તેમાં ઉમેરેલ છે. સાંધામાં પાણી ભરાય છે અને વીંછી કરડ્યો હોય તેવી તીવ્ર પીડા પણ થાય છે. સાંધામાં હલનચલન સમયે ક્વચિત્ અવાજ પણ આવે છે. શરીર જકડાઈ જાય છે. આકુંચનને કારણે સાંધાનું હલનચલન થાય છે.

ચિકિત્સા : લંઘન, સ્વેદન, કટુ, તિક્ત-દીપન, પાચન ઔષધિ-પ્રયોગો, વિરેચન, બસ્તી વગેરે આ રોગમાં લાભકારી છે. ગૂગળ, ચિત્રક, લસણ, ભિલામો, સૂંઠ, રાસ્ના, પીપરીમૂળ, એરંડતેલ વગેરે ઔષધો આ રોગમાં સારો લાભ કરે છે.

હરિદાસ શ્રીધર કસ્તૂરે