આભીર (પ્રજા) : પ્રાચીન ભારતની એક ગોપાલક જાતિ. આજના આહીરો તે પૂર્વેના આભીરો જ હતા એવો એક મત છે; પતંજલિ ઋષિ એમના મહાભાષ્યમાં તેમનો જાતિ તરીકે ઉલ્લેખ કરે છે. મહાભારતના અશ્વમેધિક પર્વમાં એવો ઉલ્લેખ આવે છે કે પોતાના ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા માટે તેમનો શૂદ્ર જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો. શલ્યપર્વમાં કહ્યું છે કે સરસ્વતી નદી વિનશન (મરુભૂમિ, જ્યાં સરસ્વતી રાજસ્થાનમાં લુપ્ત થઈ જાય છે.) આગળ આભીરોના ત્રાસના કારણે લુપ્ત થઈ ગઈ. ઈ. સ. 258નો ઈશ્વરસેન આભીરનો નાશિકની ગુફામાં જે શિલાલેખ છે તેમાં જણાવ્યું છે કે નાશિકમાં આભીરોનું રાજ્ય હતું. નાગાર્જુન્ કોંડામાં મળતા ઈ. સ. 278-279ના શિલાલેખ પરથી જણાય છે કે રાજા (राज्ञो) વાસિષ્ઠીપુત્રના પુત્ર રાજા વસુસેન આભીરનું આ પ્રદેશ (નાગાર્જુન્ કોંડા) પર શાસન હતું. મહાક્ષત્રપ રુદ્રસિંહ ત્રીજાના શિલાલેખમાં જણાવાયું છે કે રુદ્રભૂમિ નામનો એક આભીર સેનાપતિ હતો. ઈશ્વરદેવ આભીરનો દૌલતપુરનો શિલાલેખ જણાવે છે કે યષ્ટિની પૂજા માટે સ્થાપના કરવામાં આવી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ભારતમાં નવ આભીરોએ શાસન કર્યું હતું. વૈષ્ણવ સંપ્રદાયમાં આભીરોનું જે યોગદાન છે તે ખૂબ પ્રસિદ્ધ છે. પ્રાચીન ભારતમાં આભીરો મલ્લવિદ્યામાં કુશળ હતા. એમની લોરિકચંદા નામની લોકવાર્તા આજે પણ જાણીતી છે. દંડીના મતે તેમની વાણી અપભ્રંશ કહેવાય છે. આજે પણ ભારતમાં આભીરો મહત્વની જાતિ છે.
ભગવાનસિંહ સૂર્યવંશી