આભાસી વાસ્તવિકતા (Virtual Reality) : કૃત્રિમ માધ્યમમાં કાલ્પનિક ભૂમિકાનું સર્જન કરતી ટૅકનૉલૉજી. આભાસી વાસ્તવિકતા ભારે વિસ્મયકારક કૃતિ કે કરામત નથી. માણસ માટે સજીવ કલ્પના અને ચાલાકીપૂર્વક પ્રભાવિત કરવા માટેનું તે માધ્યમ છે. આવા માધ્યમ દ્વારા કમ્પ્યૂટર તથા અત્યંત જટિલ માહિતી સાથે આંતરક્રિયા કરવાનો માર્ગ તૈયાર છે; જેમ કે, ભયાનક જંગલ, વિનાશક આગ જેવાં બાહ્ય દૃશ્યો, મેઘ અને સિંહની ગર્જનાના શ્રાવ્ય અંશો કમ્પ્યૂટરની અંદર જ તૈયાર કરવામાં આવે છે.

આભાસી વાસ્તવિકતા એ વ્યક્તિની આસપાસ પ્રવર્તતી વાસ્તવિકતાનું અનુરૂપણ (simulation) છે. તેનું સર્જન કમ્પ્યૂટર કરે છે. ભૌતિક પ્રક્રિયાઓ અથવા ઘટનાઓનો અનુભવ માણસને તેની જ્ઞાનેન્દ્રિયો વડે થાય છે. આંખ, કાન કે બાહ્ય ત્વચાથી માણસ સંવેદન કે અનુભૂતિ પામે છે, જ્યારે આભાસી વાસ્તવિકતામાં માણસ એવો પોશાક (અથવા પરિસ્થિતિ) ધારણ કરે છે, જે જ્ઞાનેન્દ્રિયો ઉપર અનુરૂપણ પેદા કરે છે. આથી જે પર્યાવરણ કે પરિસ્થિતિમાં માણસ નથી તેનો ભ્રમ તેના ચિત્તમાં પેદા થાય છે.

દ્રૌપદીના મહેલમાં સ્થળની જગાએ જળનો અને જળની જગાએ સ્થળનો આભાસ દુર્યોધનને થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બિલ્વમંગળને સર્પમાં દોરડાનો આભાસ થયેલો. આ પૌરાણિક પ્રસંગો આભાસી વાસ્તવિકતાની ઝાંખી કરાવે છે.

પ્રાચીન કાળમાં વિજ્ઞાન, ટૅકનૉલૉજી અને કમ્પ્યૂટરનો આજના જેવો વિકાસ થયો ન હતો. આજે તો યંત્રમાનવ (robot)-ટૅકનૉલૉજીએ કેટલીક સમસ્યાઓનો ઉકેલ આપ્યો છે. રૉબો સંપૂર્ણપણે યંત્ર-માનવ છે. હવે તો અર્ધમાનવ-અર્ધયંત્ર(cyborg)ની ટૅકનૉલૉજી અમલમાં આવી રહી છે; તેની કમાલ કમ્પ્યૂટર જ કરે છે. કમ્પ્યૂટર ચિત્ર દોરે છે, સંગીત છેડે છે, જટિલ ગણતરીઓ ક્ષણના સોમા ભાગમાં કરી આપે છે, રોગોનું નિદાન કરે છે, સંદેશાવ્યવહાર ત્વરિતપણે કરે છે. આજે કમ્પ્યૂટર હૂબહૂ પર્યાવરણ (માહોલ) પેદા કરી શકે છે. કમ્પ્યૂટરે તૈયાર કરેલ પર્યાવરણને જોઈ વ્યક્તિને અસલી પર્યાવરણ છે એમ માનવું પડે છે. આવા કમ્પ્યૂટરીકૃત કલ્પિત પર્યાવરણને અસલી પર્યાવરણથી અલગ કરી શકાતું નથી. આવું કાલ્પનિક ભ્રાંતિ પેદા કરનાર પર્યાવરણ ઇન્ફોગ્રાફી વડે સિદ્ધ કરી શકાય છે. ઇન્ફોગ્રાફી એવી ટૅકનૉલૉજી છે, જેમાં માહિતી પ્રક્રિયા (data processing) અને ચિત્રોનું સંયોજન કરવામાં આવે છે. આથી જોનારને ત્રિપારિમાણિક અસ્તિત્વનો અનુભવ થાય છે. અહીં બે સંવેદી ઉદ્દીપકો(stimuli)નો ઉપયોગ કરવામાં આવે છે. એક સંવેદી ઉદ્દીપક સંપૂર્ણપણે ત્રિમિતિદર્શક (stereoscopic) હોય છે. એટલે કે તે ત્રિ-પરિમાણનો ભાસ પેદા કરનાર ઉપકરણ છે. આવા ઉપકરણથી ત્રિ-પારિમાણિક દૃશ્ય તૈયાર કરવામાં આવે છે. તે માટે બે સૂક્ષ્મ પ્રવાહી સ્ફટિકના પડદાને, પ્રત્યેક આંખની સામે યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. આવા સૂક્ષ્મ પ્રવાહી સ્ફટિકવાળા પડદા સૂક્ષ્મ ટી. વી.નું કાર્ય કરે છે. બીજો સંવેદી ઉદ્દીપક જોનારના શરીર અને કૃત્રિમ અવકાશ વચ્ચેનો સહસંબંધ જોડે છે. અહીં જીવ (organism) અંતર્ગત રીતે ઉત્તેજના ગ્રહણ કરવા માટે સક્ષમ હોય છે. આ બધું સ્નાયુઓ, સ્નાયુબંધ અને સાંધાઓ મારફતે થાય છે.

જોનારની દરેક હિલચાલ (ગતિવિધિ) અને ચેષ્ટા(ઇશારા)નું વિશ્લેષણ અને નિયંત્રણ કમ્પ્યૂટર વડે કરવામાં આવે છે અને સત્વરે સંલગ્ન કાર્યક્રમ તૈયાર થાય છે. આ રીતે આભાસી અવકાશ અને શરીર વચ્ચે સંપૂર્ણ સહજીવન (symbiosis) તૈયાર થાય છે. આવી સામગ્રીનો ઉપયોગ કરનાર પ્રત્યેક વ્યક્તિને એવી લાગણીનો અનુભવ થાય છે કે તે એવી જગાએ છે, જ્યાં ખરેખર નથી. વળી તેની પાસે કશું જ ન હોય તે છતાં તેવી બાબતનો અનુભવ થતો હોય તેવું લાગે છે; અર્થાત્ તેને જેનો અનુભવ થાય છે તે હકીકતમાં નથી હોતું.

કૉલકાતાના વિજ્ઞાનનગરમાં એક ઓરડામાં એવો મંચ તૈયાર કર્યો છે, જેમાં ઉપર-નીચે, ડાબી-જમણી તરફ ગતિ થતી હોય તેવો પ્રબંધ કરેલો છે. સામેના પડદા ઉપર દૃશ્યો રજૂ કરવામાં આવે છે. આ દૃશ્યો ઇજિપ્તના પિરામિડનાં હોય તો મંચની સ્થાનિક ગતિ અને ચિત્રોની ત્રિ-પારિમાણિક રજૂઆતને કારણે જોનાર વ્યક્તિ પિરામિડો વચ્ચે થઈને પસાર થતી હોય તેવું લાગે છે.

જે અનુકારી (simulator) ઍરક્રાફ્ટ ઉપર પાઇલટને પ્રશિક્ષણ આપવામાં આવે છે તે અનુકરણપદ્ધતિ આભાસી વાસ્તવિકતાની ટૅકનૉલૉજીનું દૃષ્ટાંત છે. CAT (Computerised Axial Tomography) ક્રમવીક્ષણ (scanner) વડે દર્દીના શરીરના અંદરના ભાગોનાં અપ્રત્યક્ષ ચિત્રો તૈયાર કરી આપે છે. કાગળ ઉપર તૈયાર કરેલાં મકાનોની સ્થપતિ કમ્પ્યૂટર વડે એવી રીતે રજૂઆત કરે છે કે જોનાર વ્યક્તિ મકાનની અંદર હોય તેવું લાગે છે.

આભાસી વાસ્તવિકતાની ટૅક્નૉલૉજી હજુ બાલ્યાવસ્થામાં છે એટલે કે તે હજુ તો વિકસતી ટૅકનૉલૉજી છે. તે મહાન ક્રાંતિ લાવશે તેવું આજે લાગે છે. વ્યક્તિના જીવનના દરેક પાસાને તે સ્પર્શશે અને કેટલાંક પાસાંઓમાં આમૂલ પરિવર્તન લાવશે : મનોરંજનના તરીકા બદલાઈ જશે. માહિતીનું પ્રસારણ કરતી કંપનીઓના માધ્યમમાં ધરખમ ફેરફારો જોવા મળશે. કેટલાક તજજ્ઞોને ભાવિની ભીતરમાં એવું દેખાય છે કે ઇન્ટરનેટની જેમ આભાસી વાસ્તવિકતા નિગમો અસ્તિત્વમાં આવશે, જે પૂર્ણ સમયના સ્ટાફ વિના કામગીરી બજાવશે.

આભાસી વાસ્તવિકતાનાં મનોવૈજ્ઞાનિક પાસાં ખાસ ધ્યાનાકર્ષક છે. માનવચિત્ત ઉપર થતી તેની અસરો અને પ્રત્યાઘાતનો ખ્યાલ કરવો આવશ્યક છે. આભાસી વાસ્તવિકતાની ટૅકનૉલૉજીમાં શરૂઆતથી માનસશાસ્ત્રીય અવ્યવસ્થાના સંકેતો (ચિહનો) દેખા દેવા લાગ્યા છે. લાંબા સમય સુધી આભાસી વાસ્તવિકતાના માહોલમાં રહ્યા પછી તેની અસરો વરતાય છે. તેનાં ઉપકરણો અને કમ્પ્યૂટરના સતત ઉપયોગથી કેટલાકને ઊલટી થાય છે અથવા દરિયાઈ માંદગી (sea sickness) જેવું લાગે છે. આભાસી વાસ્તવિકતામાંથી ખરેખર સાચા માહોલમાં પાછા ફરતાં કેટલાક લોકો દૃષ્ટિ અને ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, તો કેટલાક લોકો લાંબા સમય બાદ મૂળ સ્થિતિ ઉપર આવે છે. અત્યારની આભાસી વાસ્તવિકતા ટૅકનૉલૉજી માત્ર દૃશ્ય અને શ્રાવ્ય જ્ઞાનનો ઉપયોગ કરે છે; પણ આધુનિક ટૅકનૉલૉજીના વિકાસ સાથે સ્પર્શ, સ્વાદ અને સુગંધ વગેરેને આભાસી વાસ્તવિકતા સાથે સાંકળી લેવામાં આવશે. પરિણામે વાસ્તવિકતા અને આભાસી વાસ્તવિકતા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય પણ ખરો. આથી આંતરમાનવસંબંધો સામે ગેરસમજને કારણે ગંભીર સમસ્યાઓ ખડી થશે ત્યારે આભાસી વાસ્તવિકતાની ટૅકનૉલૉજીનું સાચું સ્વરૂપ જોવા મળશે. તે સ્વરૂપ કેવું હશે તેની આજે તો કલ્પના જ કરવી રહી.

2019–20ના વર્ષમાં વર્ચ્યુઅલ રિયાલિટીના સાવ અલગ પ્રકારના પ્રયોગો હાથ ધરાયા હતા. રશિયાની ગૌશાળામાં ગાયોને આભાસી વાસ્તવિકતાના હેડસેટ પહેરાવાયા હતા. એના માધ્યમથી ગાયની નજર સામે હરિયાળું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. તેમની આસપાસ નયનરમ્ય વાતાવરણમાં અન્ય ગાયો હોય એવી દુનિયા સર્જવામાં આવી હતી. આ પ્રયોગથી દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હતો. રશિયામાં ઍગ્રિકલ્ચર મંત્રાલયે આગામી સમયમાં આ પ્રયોગ રશિયાની બધી જ ગૌશાળાઓમાં કરવાનું વિચાર્યું છે. વર્ચ્યુઅલ રિયાલિટીનો આ તદ્દન અલગ પ્રકારનો સફળ પ્રયોગ ગણાય છે. વીડિયો ગેઇમ્સની આખી દુનિયા આભાસી વાસ્તવિકતા પર આધારિત છે. 3ડી સિનેમા વર્ચ્યુઅલ રિયાલિટીના કારણે શક્ય બને છે.

પ્રહલાદ છ. પટેલ