આભાસી ઉડ્ડયન (Flight Simulation) : ઉડ્ડયન-અનુકરણ. વાસ્તવિક ઉડ્ડયનમાં થતો હરએક ફેરફાર, ક્રિયા-પ્રક્રિયાઓ તથા સંવેદનો પૃથ્વી ઉપર ઉડ્ડયન કર્યા વગર કરાવવા માટેની યાંત્રિક-ઇલેક્ટ્રૉનિક યંત્રરચના. વિમાન તથા અંતરીક્ષયાનના ચાલકોની તાલીમ માટે આવું યંત્ર ઘણું ઉપયોગી છે.

વાસ્તવિક ઉડ્ડયનમાં વિમાનનું સમતુલન જાળવીને ચોક્કસ દિશામાં નક્કી કરેલી ઊંચાઈ પર પૂર્વનિર્ધારિત ગતિમાં તેને લઈ જવાની જવાબદારી નિભાવવાની હોય છે. વિમાનના ઉડ્ડયન પર પવનનો વેગ, તાપમાન, હવાનું દબાણ તથા હવાની દિશા હરપળે બદલાતાં રહે છે. વિમાનચાલકને આ બધી પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. આને માટેની પૂરેપૂરી – બધા પ્રકારની કટોકટીનો સામનો કરવાની – તાલીમ વાસ્તવિક ઉડ્ડયન દરમિયાન તાલીમાર્થીને ખર્ચ અને જોખમની દૃષ્ટિએ આપી ન શકાય. આ માટે ઉડ્ડયનનો આભાસ ઉત્પન્ન કરી શકે તેવા ઉડ્ડયન-યંત્રની જરૂર ગણાય. વળી આ યંત્ર બહારના હવામાનની અસરથી મુક્ત હોવાથી તાલીમકાર્ય ગમે તે પરિસ્થિતિમાં ચાલુ રાખી શકાય.

SSJ100 FFS 1

આભાસી ઉડ્ડયન યંત્ર

સૌ. "SSJ100 FFS 1" | CC BY-SA 2.0

રાઇટ ભાઈઓએ વિમાન શોધ્યું તે પછીના દસકામાં જ આવાં યંત્રો ઉપયોગમાં આવ્યાં હતાં. લૅન્ડર અને હાઇડલબર્ગ (1917/18) ઈ. એ. લિન્ક (1927/28) તથા ડબ્લ્યૂ. ઈ. પી. જૉન્સને આવાં યંત્રો વિકસાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આજના અતિઆધુનિક ઉડ્ડયન-યંત્રમાં વિમાન જેવો જ અંકુશકક્ષ(control cabin)  કૉકપિટ હોય છે. કૉકપિટમાં વિમાનમાં હોય તેવાં ઉપકરણો (instruments) બેસાડેલાં હોય છે. વળી આ કૉકપિટ ટેલિવિઝન અને કમ્પ્યૂટર સાથે સાંકળેલું હોવાથી ઉડ્ડયન-યંત્રમાં ઉડ્ડયનની બને તેટલી વાસ્તવિક અસરો ઉપજાવવામાં આવે છે. જગતના કોઈ પણ શહેરના વિમાનઘર અને ત્યાંની હવાઈ પટ્ટીનો આભાસ પણ આ સાધનો વડે ઊભો કરી શકાય છે. આ આભાસ 1500 આજુબાજુમાં (sideways) અને 400 ઉપરનીચે ઊભો કરી શકાય છે. તેથી તે તદ્દન વાસ્તવિક હોય તેમ લાગે છે. હવામાનમાં જે કોઈ ફેરફારો થાય અને તેની અસર વિમાનના સમતુલન પર પડે તેવી પરિસ્થિતિઓનો આબેહૂબ અનુભવ કરાવી શકાય છે. તાલીમાર્થીઓને વિમાનમાં એન્જિન નિષ્ફળ થવાથી, કોઈ અંકુશ બગડી જવાથી, અથવા હવામાનમાં વાવાઝોડું, વરસાદ કે હિમવર્ષાથી વિમાન પર થતી અસરોનો આબેહૂબ અનુભવ વિવિધ પ્રકારની સ્વિચોના સંચાલનથી કરાવી શકાય છે. તાલીમાર્થી યંત્રમાં બેઠાં બેઠાં પોતાની આવડત અને અનુભવથી પોતાના હસ્તક વિમાનકક્ષમાંના અંકુશોનો યોગ્ય ઉપયોગ કરીને વિમાનનું સંતુલન, દિશા, ઊંચાઈ વગેરે જાળવીને વિમાનને સ્થિરતાપૂર્વક નિયત સ્થળે લઈ જવાની કુશળતા કેળવી શકે છે. વળી તાલીમ ઉપરાંત તાલીમાર્થીઓની ક્ષમતા, સતર્કતા, અણધારી કટોકટી રોકવાની કે તેમાંથી બહાર આવવાની આવડત તેમજ સંપૂર્ણ આભાસી ઉડ્ડયન દરમિયાન તેની કામગીરીનો આંક (performance rating) કમ્પ્યૂટર આલેખ દોરીને નક્કી કરે છે.

વિવિધ પ્રકારનાં વિમાનો માટે અલગ અલગ આભાસી ઉડ્ડયન-યંત્રો તૈયાર કરવામાં આવેલાં હોય છે. તાલીમાર્થીને રોજના ઓછામાં ઓછા આઠ કલાકના હિસાબે મહિનાઓની તાલીમ જરૂરી બને છે. પરાધ્વનિક (supersonic) ઝડપે ઊડતાં કૉન્કૉર્ડ જેવાં વિમાનોને હવાઈ મુસાફરી માટે દાખલ કરતાં પહેલાં તેની રચના, ઉડ્ડયનક્ષમતા, તાલીમાર્થીનાં સંવેદનો વગેરેની પૂરી ચકાસણી કરવામાં આવે છે.

પ્રકાશ રામચંદ્ર

મધુસૂદન વૈષ્ણવ