આબોલ તાબોલ : બંગાળી બાળકાવ્યનો એક પ્રકાર. બાળકોના મનોરંજન માટે આ કાવ્યપ્રકારનો પ્રયોગ થાય છે. એનું મુખ્ય લક્ષણ અસંબદ્ધતા હોય છે. એક ભાવ અને બીજા ભાવ વચ્ચે કાર્યકારણ-સંબંધ નથી હોતો. એ અસંબદ્ધતાને કારણે જ આબોલ તાબોલ બાળકોને આનંદ આપે છે. એ કાવ્ય ગેય નથી હોતું, પણ એમાં અંત્યાનુપ્રાસ હોય છે. એનું પઠન વિશિષ્ટ હાસ્યજનક લહેકાથી થાય છે.
આબોલ તાબોલમાં અર્થ હોતો નથી તેથી એની રચના સવિશેષ દુષ્કર બને છે. એમાં હાસ્ય અને અદભુત બંને રસનો સમન્વય હોય છે. એમાં પ્રાકૃતિક અને વાસ્તવ જગત વચ્ચેનો વિરોધ પ્રગટ થતો હોય છે. સુકુમાર રાયે એ પ્રકારની રચના કરી છે. એમના કાવ્યસંગ્રહનું નામ જ એમણે ‘આબોલ તાબોલ’ આપ્યું છે. એમની આ પ્રકારની કવિતામાં ફૂલ ‘ઠાસ ઠાસ દ્રામ દ્રામ’ કરતાં ખીલે છે ને એની સુગંધ તીરની જેમ સનનન કરતી વેગભરી દોડતી જતી હોય છે !
ચન્દ્રકાન્ત મહેતા