આબે શિન્જો (જ. 21 સપ્ટેમ્બર 1954, શિંજુકુ, ટોક્યો, જાપાન અ. 8 જુલાઈ 2022, કાશીહારા, નારા, જાપાન) : સૌથી વધુ સમય સુધી વડાપ્રધાનપદ પર રહેલા જાપાની વડાપ્રધાન.

તેમનો જન્મ ટોક્યોમાં રાજનીતિક પરિવારમાં થયો હતો. તેઓ ફિલ્મ ક્ષેત્રે જવા માગતા હતા પરંતુ કુટુંબને કારણે તેઓ રાજકારણમાં જોડાયા. તેમના પિતામહ કાન આબે અને પિતા શિન્ટારો આબેએ હાઉસ ઑફ રીપ્રેઝન્ટેટિવ્સમાં સેવા આપી હતી. આબેની માયોકો કિશી 1957 થી 1960 સુધી જાપાનના વડાપ્રધાન પદ રહેલા નોબુસુકે કિશીનાં પુત્રી હતાં.

શિન્જો આબેએ સેઈકેઈ એલિમેન્ટરી સ્કૂલ, સેઈકેઈ જુનિયર અને સીનિયર હાઇસ્કૂલમાં શાળેય શિક્ષણ મેળવ્યું. એમણે ઈ. સ. 1977માં સેઈકેઈ વિશ્વવિદ્યાલયમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની પદવી મેળવી. યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયામાં મુલાકાતી વિદ્યાર્થી તરીકે અંગ્રેજીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ઈ. સ. 1979માં તેઓ કોબે સ્ટીલ કંપનીમાં જોડાયા અને ઈ. સ. 1982માં કંપની છોડી વિદેશમંત્રીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(LDP)ના જનરલ કાઉન્સિલના અધ્યક્ષના અંગત સચિવ અને LDPના મહામંત્રીના અંગત સચિવ બન્યા. આબેએ ઈ. સ. 1987માં પૂર્વ રેડિયો ડિસ્ક જૉકી આકી માત્સુજાકી સાથે લગ્ન કર્યાં.

તેઓ ઈ. સ. 1993માં સૌથી વધુ મતોથી જીત્યા. 1999માં સામાજિક બાબતોના વિભાગના ડિરેક્ટર બન્યા. ઈ. સ. 2000થી ઈ. સ. 2003 સુધી નાયબ મુખ્ય કેબિનેટ સચિવ બન્યા. પછી LDPના સેક્રેટરી જનરલ બન્યા. 14 જુલાઈ, 2006ના રોજ આબે જાપાનના વડાપ્રધાન બન્યા. ઈ. સ. 1941માં ચૂંટાયેલા વડાપ્રધાન ફ્યુમમેરો કોનોઇ પછી તેઓ સૌથી નાની વયના અને બીજા વિશ્વયુદ્ધ પછી જન્મેલા પ્રથમ વડાપ્રધાન બન્યા. 12 સપ્ટેમ્બર, 2017ના રોજ આબેએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. ઈ. સ. 2009ની ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા. 26 સપ્ટેમ્બર, 2012માં આબેને LDPના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમણે LDPને ઈ. સ. 2014 અને ઈ. સ. 2017ની ચૂંટણીમાં નેતૃત્વ કરી જીત અપાવી હતી.

આબે ચાર વખત જાપાનના વડાપ્રધાન બન્યા. એમના કાર્યકાળ દરમિયાન તેમણે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જાપાન માટેની તેમની આર્થિક વ્યૂહરચના ‘આબેનોમિક્સ’ તરીકે ઓળખાય છે. તેમણે ડિસેમ્બર 2012થી સપ્ટેમ્બર 2014 સુધી 49 દેશોની મુલાકાત લઈ જાપાન સાથેના તે દેશોના સંબંધો મજબૂત કર્યા હતા. તેમણે ઈ. સ. 2014માં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઈ આર્થિક ભાગીદારી કરાર કર્યો. ઓસ્ટ્રેલિયાની સંસદની સંયુક્ત બેઠકને સંબોધી. આવું સંબોધન કરનારા તેઓ પહેલા જાપાની વડાપ્રધાન હતા. જાન્યુઆરી 2014માં આબે ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા. પરેડના મુખ્ય અતિથિ બનનાર આબે પ્રથમ જાપાની વડાપ્રધાન હતા. 24 ડિસેમ્બર, 2014ના રોજ આબેને વડાપ્રધાનપદ માટે ચૂંટવામાં આવ્યા. એપ્રિલ 2015માં આબેએ યુનાઈટેડ સ્ટેટ્સ કૉંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. આવું સંબોધન કરનાર તેઓ પ્રથમ જાપાની વડાપ્રધાન હતા.19 નવેમ્બર, 2019ના રોજ જાપાનના સૌથી વધુ સમય સુધી રહેનાર વડાપ્રધાન બન્યા. જૂન 2020માં આબેને કોલાઇટિસની બિમારી ફરીથી થઈ. તેમની તબિયત બગડતાં 28 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાનપદેથી નિવૃત્ત થવાની જાહેરાત કરી.

આબેને વિશ્વભરમાંથી માન-સન્માનો મળ્યાં હતા. ભારત દ્વારા એમને જાન્યુઆરી 2021માં પદ્મવિભૂષણ અને નેતાજી ઍવૉર્ડ(2022) એનાયત કરવામાં આવ્યો હતો. અમેરિકા દ્વારા ફોરેન પોલિસી ટોપ 100 ગ્લૂલ થીંકર્સ(2013), હર્મન કાહ્ન ઍવૉર્ડ(2013), ટાઇમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શલ પર્સન(2014 અને 2018), સાઇબર લિડરશિપનો વર્લ્ડ લિડર ઍવૉર્ડ(2015), વર્લ્ડ સ્ટેટ્સમેન ઍવૉર્ડ(2021), લીજન ઑફ મેરિટ(2020); એશિયન ઑફ ધ ઇયર ઍવૉર્ડ, સિંગાપુર(2015), જાપાન દ્વારા કેઇઝાઇકાઇ ઍવૉર્ડ(2021), કોલર ઑફ ધ સુપ્રીમ ઓર્ડર ઑફ ધ ક્રાયસન્થેમમ(2022) અને ગ્રાન્ડ કોર્ડન ઑફ ધ સુપ્રીમ ઓર્ડર ઑફ ધ ક્રાયસન્થેમમ(2022), મેમ્બર સ્પેશિયલ ક્લાસ ઑફ ધ ઓર્ડર ઑફ અબ્દુલ અઝીઝ અલ સાઉદ, સાઉદી અરેબિયા(2007), ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઓનર (ગ્રીસ), ધ ઓર્ડર ઑફ શેખ ઈસા બિન સલમાન અલ ખલીફા, બહેરીન(2013), ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ આઇવરી મેરિટ, આઇવરી કોસ્ટ(2014), નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઓરેન્જ-નાસાઉ, નેધરલૅન્ડ(2014), ગ્રાન્ડ કોલર ઑફ ધ ઓર્ડર ઑફ સિકાટુના, ફિલિપાઈન્સ(2015), ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ધ લિબરેટર જનરલ સાન માર્ટિન, આર્જેન્ટિના(2016), નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઈસાબેલા ધ કેથોલિક, સ્પેન(2017), ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ધ ઓક ક્રાઉન, લક્ઝમબર્ગ(2017), ગ્રાન્ડ ઓફિસર ઑફ ધ મેડલ ઑફ ધ ઓરિએન્ટલ રિપબ્લિક ઑફ ઉરુગ્વે, ઉરુગ્વે(2018) ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ નેશનલ ઓર્ડર ઑફ મેરિટ, પેરાગ્વે(2018), ગોલ્ડ ઓલિમ્પિક ઓર્ડર, 2020 (IOC), ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ધ સધર્ન ક્રોસ, બ્રાઝિલ(2020), ઑનરરી કમ્પેનિયન ઑફ ધ ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા(2022), સ્પેશિયલ ગ્રાન્ડ કોર્ડન ઑફ ધ ઓર્ડર ઑફ પ્રોપિટિયસ ક્લાઉડ્સ, રિપબ્લિક ઑફ ચાઇના(2023) વગેરે આપવામાં આવ્યા હતા. રંગસિત યુનિવર્સિટી, થાઈલેન્ડ(2013), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, ભારત(2015), તુર્કમેન સ્ટેટ યુનિવર્સિટી, તુર્કમેનિસ્તાન(2015), ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી, મલેશિયા(2022)એ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી આપી હતી.

8 જુલાઈ, 2022ના રોજ જાપાનના સમય મુજબ લગભગ 11:30 કલાકે આબેને નારા ખાતે પ્રચાર ભાષણ કરતી વખતે ગોળી મારવામાં આવી. ગોળી વાગ્યા પછી આબેને હૃદયરોગનો હુમલો થયો. હેલિકોપ્ટર દ્વારા કાશીહારાની નારા મેડિકલ યુનિવર્સિટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સાંજે 5:03 વાગે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ 67 વર્ષના હતા. 27 સપ્ટેમ્બર,2022ના રોજ એમની અંતિમવિધિ ટોક્યોમાં કરવામાં આવી.

અનિલ રાવલ