આબાદાન (Abadan) : ઈરાનના ખૂઝેસ્તાન પ્રાંતમાં આવેલ આબાદાન ટાપુનું શહેર અને બંદર.
ભૌગોલિક સ્થાન : આ શહેર 300 200 ઉ. અ. અને 480 160 પૂ. રે. પર આવેલું છે. તે ઈરાની (પર્શિયન) અખાતથી ઉત્તરે આશરે 53 કિમી. દૂર અને શત-અલ-અરબ નદીના પૂર્વ કાંઠે આવેલું છે.
આબોહવા : આ શહેરનું જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 120 સે. અને જુલાઈનું સરેરાશ તાપમાન 360 સે. હોય છે; જ્યારે વાર્ષિક વરસાદ આશરે 204 મિમી. પડે છે.
અર્થતંત્ર : આ શહેર ઈરાનનાં ઉત્તરનાં ખનિજતેલ-ક્ષેત્રો, તેહરાન અને શીરાઝ સાથે પાઇપલાઇન દ્વારા સંકળાયેલ છે. વિશ્વની સૌથી મોટી ખનિજતેલની રિફાઇનરી અહીં આવેલી છે. ખનિજતેલ પર આધારિત અનેક ઔદ્યોગિક એકમો ઊભા થયેલા છે, જેમનું રાષ્ટ્રીયકરણ ઈ. સ. 1951માં કરવામાં આવ્યું હતું. દર વર્ષે આશરે 1 કરોડ મે. ટન ક્રૂડ ઑઇલ મેળવાય છે. આ ટાપુની નજીક આવેલા માશૂર (Mashur) અને ખર્ગ (Kharg) ટાપુનાં બંદરો દ્વારા ખનિજતેલની નિકાસ થાય છે. કુદરતી વાયુને પાઇપલાઇન દ્વારા રશિયામાં મોકલવામાં આવે છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઊભું કરવામાં આવ્યું છે. રિફાઇનરીના કર્મચારીઓ માટે આધુનિક સવલતોવાળા આવાસો બાંધવામાં આવ્યા છે, તો બીજી બાજુ ત્યાં ગરીબો અને બેકાર લોકોનાં નિમ્નકક્ષાનાં મકાનો પણ જોવા મળે છે. અહીં ઈરાનના ઇતિહાસનો ચિતાર આપતું મ્યુઝિયમ પણ આવેલું છે. તેની સ્થાપના ઈ. સ. 1939માં થઈ હતી. અહીં આબાદાન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી નામની સંસ્થા આવેલી છે. શહેરની વસ્તી 2,31,00,000 (2016) છે.
ઐતિહાસિક માહિતી : આશરે 8મી સદીમાં ‘અબ્બાદ’ નામની વ્યક્તિએ સૌપ્રથમ અહીં પગ મૂક્યો હતો. ઈ. સ. 1047માં સૌપ્રથમ વાર વસાહત સ્થપાઈ. 14મી સદીમાં આરબ ભૂગોળવેત્તા ઇબ્ન બતૂતાએ આ ટાપુની મુલાકાત લીધી હતી. તે સમયે ‘અબ્બાસીદ’ તરીકે ઓળખાતું આ શહેર મીઠા અને ઊની ધાબળા માટે જાણીતું હતું. ઈરાન અને ઑટોમન વચ્ચે ઘણાં વર્ષો સુધી સંઘર્ષ ચાલેલો, અંતે ઈ. સ. 1847માં ઈરાને તેના ઉપર પ્રભુત્વ સ્થાપ્યું. ઈ. સ. 1908માં ખનિજતેલનું નાનું ક્ષેત્ર અહીં શોધાયું. ઈ. સ. 1909માં ઍંગ્લો-પર્શિયન ઑઇલ કંપની સ્થપાયા પછી અહીં વિકાસ થવા લાગ્યો. ઈ. સ. 1978માં અહીંના મૂળ વતનીઓ અને ઈરાનના સૈન્ય વચ્ચે સંઘર્ષ થયો. ઈ. સ. 1980થી 1988 દરમિયાન ઈરાન-ઇરાક વચ્ચે થયેલા યુદ્ધને કારણે, ઇરાક દ્વારા થયેલા હવાઈ હુમલાઓને લીધે અહીંની રિફાઇનરીઓને ઘણું નુકસાન પહોંચ્યું હતું.
મહેશ મ. ત્રિવેદી
નીતિન કોઠારી