આબિદજાન : આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગમાં નૈર્ઋત્ય ખૂણે આવેલા દેશ આઇવરી કોસ્ટ(કોટ-દ-આઇવરી-હાથીદાંત માટે વિખ્યાત)ની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 50 19´. અ. અને 40 02´ પ. રે. પર આવેલું છે. તે દેશનું મુખ્ય બંદર પણ છે. તે દેશના અગ્નિકોણમાં ઍટલાન્ટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને કાંઠે આવેલા એબ્રી ખાડી સરોવર પર વસેલું છે. ખાડી સરોવર અને અખાતને જોડતી એક નહેર પણ અહીં આવેલી છે.

અહીંની આબોહવા પ્રમાણમાં સમધાત છે, અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 240 સે. અને 270 સે. જેટલાં રહે છે, જ્યારે વાર્ષિક વરસાદ આશરે 2,100 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : આ શહેર વીસમી સદીના છેલ્લા ચરણ દરમિયાન ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. અહીં આવેલી ખનિજતેલ રિફાઇનરી દુનિયાની મોટી રિફાઇનરીઓ પૈકીની એક ગણાય છે. મોટરોના પુરજાનું ઉત્પાદન તેમજ મોટર-ઍસેમ્બ્લિન, તથા સાબુ, કાપડ, સાઇકલ તેમજ વનસ્પતિ-ઘીના ઉત્પાદન જેવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અહીંના પેટીટ-બાસ્સામના વિસ્તારમાં વિકસી છે. આ ઉપરાંત કોકો અને કૉફીનું પણ અહીં ઉત્પાદન થાય છે. વ્રિડી (Vridi) નહેર પર ખનિજતેલના ધક્કા આવેલા છે. પશ્ચિમ આફ્રિકાના વિસ્તાર માટે તે આયાત-નિકાસના વેપારનું ધમધમતું બંદર બની રહેલું છે. અહીંથી ખનિજ તેલ, મૅંગેનીઝ, કૉફી, કોકો, ફળો, લાકડાં વગેરેની નિકાસ થાય છે. અહીંના સમુદ્રકિનારેથી માછલાં મેળવવામાં આવે છે. મીઠા પાણીના જળવિસ્તારમાં યુરોપિયન કર્પ અને થાઇલૅન્ડની ટિલાપિયા માછલીની ખેતી (ઉછેર-સંવર્ધન) પણ થાય છે. આ શહેર દેશના ભૂમિમાર્ગો સાથે જોડાયેલું હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો અને હવાઈ માર્ગોથી પણ સંકળાયેલું છે.

Abidjan2

આબિદજાન નગર

સૌ. "Abidjan2" | CC BY-SA 3.0

રાજકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ આ શહેરનું મહત્વ વધ્યું છે. વિવિધ દેશોની એલચીકચેરીઓ અહીં આવેલી છે. વળી રાષ્ટ્રીય પુસ્તકાલય, સંગ્રહાલય, કૃષિ અને વૈજ્ઞાનિક ક્ષેત્રે કાર્ય કરતાં સંશોધન-કેન્દ્રો પણ અહીં છે. આ શહેરમાં બહુમાળી મકાનો તથા નાના આવાસો અને અતિ ગીચ વસ્તી ધરાવતી ઝૂંપડપટ્ટીની વસાહતો પણ છે. અહીંના લોકો મોટે ભાગે ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. 2012 મુજબ આ શહેરની વસ્તી 44,76,397 તથા મહાનગરની વસ્તી 71,08,649 જેટલી છે.

આ વિસ્તાર સર્વપ્રથમ 1800ના અરસામાં ફ્રાંસની સત્તા હેઠળ આવ્યો. 1898 સુધી તે ગ્રામવિસ્તાર જ રહેલો. ફ્રાન્સના સંસ્થાનવાદી સમયમાં તે ધીમે ધીમે વિકસતું જઈ 1903માં શહેર તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1904માં તે રેલમથક બન્યું. 1934માં તે આઇવરી કોસ્ટનું પાટનગર બન્યું. 1960માં તે સ્વતંત્ર થયું. વર્તમાન સમયમાં આબિદજાનને બદલે યામોપુસ્સોયુકોને પાટનગર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેને માન્યતા મળી નથી.

મહેશ મ. ત્રિવેદી

નીતિન કોઠારી