આપદ્-ધર્મ : સામાન્ય સંજોગોમાં શાસ્ત્રો દ્વારા નિષિદ્ધ ગણાતું છતાં આપત્તિના સમયમાં અપવાદ તરીકે સંમતિને પાત્ર ગણાતું આચરણ. ભારતની પ્રાચીન વર્ણવ્યવસ્થાના સંદર્ભમાં ચારે વર્ણના લોકો માટે વિશુદ્ધ આચરણ અંગે શાસ્ત્રોએ દિશાસૂચન કરેલું છે અને તે મુજબ વર્તન કરવું એ દરેક માટે કર્તવ્યનો ભાગ ગણાવ્યો છે. પરંતુ આચરણ અંગેના નિયમો સામાન્ય સંજોગોમાં જ લાગુ પાડી શકાય. આપત્તિકાળે જડતાથી તેનું પાલન કરવા જતાં વિપત્તિ સર્જાય. તેથી આ નિયમોની વિપરીત અસર ટાળવા માટે તેમાં આપવામાં આવેલ શાસ્ત્રમાન્ય છૂટછાટોને આપદધર્મ કહ્યો છે. શાસ્ત્રો દ્વારા નિષિદ્ધ ગણાતું આચરણ આપત્તિકાળમાં અપવાદ રૂપે શાસ્ત્રમાન્ય ગણાય છે. દા.ત., ‘સત્યં વદ’. આ સૂત્રનો અમલ સામાન્ય પરિસ્થિતિમાં થવો જોઈએ; છતાં ગાય કઈ દિશામાં ગઈ છે તે જાણતા હોઈએ તો પણ કસાઈએ તે અંગે કરેલ પૃચ્છાનો સાચો જવાબ આપવાથી ધર્માચરણને બદલે અધર્મ કરવાનું પાપ શિરે લેવું પડે. તેથી આવા સંજોગોમાં અસત્ય બોલવું એ આપદધર્મ ગણાય; તેવી જ રીતે ‘શૂદ્રો પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી નહિ’, ‘બ્રાહ્મણોએ ક્ષાત્રકર્મ કરવું નહિ’, ‘અજીઠું ખાવું નહિ’ વગેરે નિયમો શાસ્ત્રસંમત હોવા છતાં આપત્કાલીન પરિસ્થિતિમાં તેનાથી વિરુદ્ધ વર્તન કરવું તે આપદધર્મનો ભાગ ગણાય છે. દેશમાં ભયંકર દુકાળની પરિસ્થિતિ હોય ત્યારે જીવવા માટે અજીઠું ખાવું તે આપદધર્મ એટલે કે દોષરહિત ગણાય. (દુકાળમાં વિશ્વામિત્રે કૂતરાનું માંસ ખાધેલું તે વાત જાણીતી છે.) આપત્કાલીન પરિસ્થિતિ દૂર થતાં નિષિદ્ધ આચરણ તજવું પડે, અન્યથા તે સદોષ વર્તન ગણાય.

મહાભારતમાં શાંતિપર્વમાં આપદધર્મ પર મીમાંસા કરવામાં આવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે