આપણો ધર્મ (1916, 1920 અને 1943) : ‘સુદર્શન’ અને ‘વસંત’ માસિકોમાં (1898-1942) આચાર્ય આનંદશંકર ધ્રુવે (1869-1942) લખેલા ધર્મ અને તત્વજ્ઞાન વિશેના લેખોનો સંગ્રહ. ત્રીજી આવૃત્તિ(1942)ના સંપાદક રામનારાયણ વિશ્વનાથ પાઠક. 855 જેટલાં પૃષ્ઠોના આ ગ્રંથમાં લેખોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરેલું છે : (1) સિદ્ધાંતનિરૂપણ : નિબંધો, (2) સિદ્ધાંતનિરૂપણ : વાર્તિકો, (3) શાસ્ત્રચર્ચા, (4) ગ્રંથાવલોકન, (5) પ્રાસંગિક ચર્ચા અને નોંધ, (6) વ્યાખ્યાનો. આ લેખોનું પ્રકાશન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા થયું છે.

શીર્ષક અંગે સ્પષ્ટતા કરતાં લેખક કહે છે કે ધર્મમાં ‘આપણા’-પણાનો ભાવ છે એટલે બુદ્ધિ અને હૃદય ધર્મને બહારથી નહિ, પણ અંતરમાં રહીને નીરખવા તત્પર છે. વળી ધર્મ અને તત્વજ્ઞાનને તેઓ અભિન્ન રૂપે જોતા હોવાથી તેમાં સનાતન ધર્મ સાથે વિશ્વના અન્ય ધર્મોનો તેમજ પશ્ચિમના તત્વજ્ઞાનનો સમન્વય તેમનાં લખાણોમાં થયેલો જોવા મળે છે.

(1) પહેલો વિભાગ : તેમાં વેદાન્તસિદ્ધાંતનું નિરૂપણ છે. મુખ્ય સિદ્ધાંતોની સમજૂતી માટે આ વિભાગ વધુ અનુકૂળ છે. ‘આપણો ધર્મ’, ‘શ્રદ્ધા અને શંકા’, ‘બ્રહ્મવિદ્યા’, ‘માયાવાદ’, ‘વિવેક અને અભેદ’, ‘ષડ્દર્શનમાં વેદાન્તનું સ્થાન’, ‘યુધિષ્ઠિરનું અસત્ય કથન’ વગેરે આ વિભાગના પ્રતિનિધિ લેખો છે.

(2) બીજો વિભાગ : અહીં કોઈ કાવ્યને અવલંબીને વેદાન્તસિદ્ધાંતનું વ્યાપક પ્રતિપાદન કરતા પોતાના વિચારો રજૂ કર્યા છે; દા.ત., ‘આત્મનિવેદન’, ‘ચાંદલિયો’, ‘વામનાવતાર’, ‘હાસ્યભક્તિ’.

(3) શાસ્ત્રચર્ચા : આ વિભાગમાં શાસ્ત્રની પારિભાષિક ચર્ચા, વિવિધ દર્શનોની તંત્રવ્યવસ્થાના પરિચય, લાંબાં સંસ્કૃત અવતરણો અને તેની સમજૂતી વગેરે આવે છે; દા.ત., ‘વેદ, વેદાર્થ અને વેદના દેવો’, ‘કેનોપનિષદ’, ‘આપણા ધર્મનું ભવિષ્ય’, ‘મૂર્તિપૂજા’ વગેરે.

(4) ગ્રંથાવલોકન : આના વિભાગમાં ‘જડ અને ચિત્ : 1’, ‘હિંદુ ધર્મનું હાર્દ’, ‘ધમ્મપદ’, ‘મહાભારતનો પ્રધાનરસ’ જેવા ગ્રંથોનાં રહસ્યને સરળ રીતે તર્કદૃષ્ટિથી સમજાવ્યાં છે.

(5) પ્રાસંગિક ચર્ચા અને નોંધ : આ વિભાગમાં ‘આપણા ધાર્મિક ઉદ્ધારનો માર્ગ’, ‘શાંતિપાઠ’, ‘કવિ અને મહાત્મા’, ‘સાયન્સ અને તત્વજ્ઞાન’ વગેરે લેખો વિવિધ નિમિત્તે લખાયેલા તે આનંદશંકરની ધર્મબુદ્ધિ અને જીવનદૃષ્ટિનો સુંદર પરિચય કરાવે છે.

(6) વ્યાખ્યાનો : મહત્વના પ્રસંગોએ જે વ્યાખ્યાનો આપ્યાં તે લખાયેલાં છે. તેમાં પાકટ વયની સંગીન વિચારસરણી અને વિશાળ દૃષ્ટિનો સુયોગ થયેલો જોવા મળે છે; ઉદા. ‘શંકરજયંતી’, ‘સર્વધર્મપરિષદ’, ‘શ્રીકૃષ્ણ (શ્રીકૃષ્ણ કોણ ? શું ?)’ ઉપરાંત બે અંગ્રેજી વ્યાખ્યાનો પણ છે.

સંસ્કૃત અને અંગ્રેજી શિક્ષણ પામેલા, ધર્મચિંતનમાં ગૂંચવણો, મૂંઝવણો અનુભવતા સમાનધર્મીઓને ઉપયોગી બને તેવી તર્કબદ્ધ વાચનસામગ્રી આનંદશંકરે આ લેખોમાં આપેલી છે. નર્મદે ‘ધર્મવિચાર’માં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે આર્યધર્મના રક્ષણની ઝુંબેશ ઉપાડેલી. મણિલાલ નભુભાઈએ પ્રાચીન હિન્દુ ધર્મની વિશિષ્ટતાઓ બુદ્ધિ અને તર્કની ભૂમિકા પર સમજાવીને ધર્મચિંતનપ્રવૃત્તિને વેગ આપેલો. તેમને ‘જ્યેષ્ઠ વિદ્યાબંધુ’ ગણનાર આનંદશંકરે તે વિસ્તારીને પરિષ્કૃત કરી. એ પુરુષાર્થમાં તેમણે પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રો અને વિજ્ઞાનના સિદ્ધાંતોની ભારતીય દર્શનોના તત્વના સંદર્ભમાં પરીક્ષા કરી છે. સાથે-સાથે ષડ્દર્શનોમાં દેખાતા પરસ્પર વિરોધમાં તેઓ એકત્વ સાધી બતાવે છે.

સત્યશોધન માટે દૃષ્ટિની વિશાળતા અને નિરૂપણની સૂક્ષ્મતા અનિવાર્ય છે. હિંદુઓના તત્વજ્ઞાનના મૂળગ્રંથો અને પશ્ચિમના તત્વજ્ઞાન ઉપરાંત ભૌતિકવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને તત્કાલીન રાજ્યપ્રકરણમાં એમની રુચિ અને સૂઝ ધ્યાન ખેંચે છે. દૃષ્ટિની વિશાળતા કાવ્ય અને પુરાણોને ધર્મસાહિત્યમાં સ્થાન આપે છે. પશ્ચિમના ફિલસૂફોનાં દર્શનોને સમગ્ર રીતે સમજી તેમની મર્યાદા તેઓ સ્પષ્ટ કરે છે. વેદાંત ઉપરના આક્ષેપોનો આનંદશંકરે તત્વદૃષ્ટિએ વિચાર કરીને રદિયો આપ્યો છે. આધ્યાત્મિક અર્થપદ્ધતિને સેંટ પૉલની અર્થપદ્ધતિના સમાન દૃષ્ટાંતનો ટેકો તેમણે બતાવ્યો છે. પૂર્વ અને પશ્ચિમના તત્વજ્ઞાનમાંથી સમાન તત્વો તેઓ શોધી બતાવે છે. તેમણે બતાવ્યું કે આત્મતત્વનું પ્રતિપાદન ડેકાર્ટ અને શંકર લગભગ એના એ જ શબ્દોમાં કરે છે. પશ્ચિમનો સાપેક્ષવાદ દિક્કાલના સત્ પદાર્થનું નિરૂપણ કરે છે, ત્યાં આનંદશંકર મહાદેવ કાલભગવાનના દિગંબરત્વનું સ્મરણ કરાવે છે. આ રીતે એમની તર્કબુદ્ધિમાં તત્વજ્ઞાન અને કવિત્વનો સંવાદ જોવા મળે છે.

સત્ય પણ અનુદ્વેગકર હોઈ શકે તેની પ્રતીતિ એમનાં ઉપર જણાવેલ લખાણો કરાવે છે. સિદ્ધાંતનું ઇતિહાસમાં દટાયેલું બીજ શોધવા, દર્શનોના વિકાસનો ખુલાસો કરવા, વસ્તુના આકસ્મિક અને તાત્વિક અંશોને અલગ કરવા આનંદશંકરે ઉપયોગમાં લીધેલી ઐતિહાસિક પદ્ધતિથી હિંદુ ધર્મચિંતનને કેટલોક ચિરસ્થાયી લાભ થયો છે. કપિલનો મૂળ સાંખ્ય સિદ્ધાંત સેશ્વર હતો; બુદ્ધ ભગવાન બ્રહ્મવાદની વિરુદ્ધ ન હતા; શંકરાચાર્યને યોગસિદ્ધિઓ અભિમત નહોતી; વર્ણધર્મ એ શાંકર વેદાન્તનું સ્વારસ્ય નથી અને ભારતીય દર્શનોના આંતરભેદ કરતાં નીતિ, આચાર, સાધનવિચાર વગેરેની એકતા વધુ મહત્વની છે વગેરે બાબતો તેમણે પ્રથમ વાર વિશદ કરી આપી છે.

આનંદશંકર કહે છે કે ઇતિહાસની ખરી અને ઊંડી સમજ આધ્યાત્મિક દૃષ્ટિ વડે જ પ્રાપ્ત થાય છે. એમણે સ્વીકારેલી તોલનપદ્ધતિથી નવા અર્થો મળે છે. તેની પ્રતીતિ વ્યુત્પત્તિથી અર્થ કરવાની પ્રાચીન પદ્ધતિ દ્વારા તેઓ કરાવે છે. તેમણે પુરાણકથાઓનું ઉત્તમ આધ્યાત્મિક અર્થઘટન કર્યું છે. વિષ્ણુ, લક્ષ્મી, નટરાજ, ગજેન્દ્રમોક્ષ, કુબ્જાનું ઋજૂકરણ, કૃષ્ણગોપીનો રાસ વગેરે તેનાં દૃષ્ટાંતો છે.

આનંદશંકરના નિરૂપણમાં ક્યાંય સંદિગ્ધતા જોવા મળતી નથી. તેનું કારણ વેદાંતના મુખ્ય સિદ્ધાંતો સુદીર્ઘ પરિશીલનને કારણે તેમના ચિત્તમાં દૃઢમૂલ બનેલા હતા. તેમની દૃષ્ટિ શુદ્ધ અને સ્પષ્ટ હતી. પોતાની ઉદાર, તર્કશુદ્ધ, સર્વગ્રાહી અને નિર્ણાયક બુદ્ધિ વડે હિંદુ ધર્મ-તત્વને વિશાળ સાત્વિક ભૂમિકા પર પ્રસ્થાપિત કરીને તેમણે શાંકર વેદાંતનો વાસ્તવિક જીવન સાથે અનુબંધ કરી આપ્યો છે. આનંદશંકરે ગુજરાતમાં તત્વવિચારને આહલાદક શૈલીમાં શુદ્ધ રૂપે વિકસાવ્યો તેનો આધારરૂપ પાયો ‘આપણો ધર્મ’ના લેખો છે. આ ગ્રંથ 1998માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ધર્મવિચાર-1’ નામે પ્રગટ થયો છે.

ર. મા. ભટ્ટ

રમણિકભાઈ જાની