આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી મરવું અને શ્વાસ રૂંધવો એ તેની સામાન્ય પદ્ધતિઓ છે. ઊંચે(ઊંચાઈએ)થી પડતું મૂકવું, વાહનો નીચે છૂંદાવું, બંદૂકની ગોળીથી મરવું, સામૂહિક મૃત્યુ વગેરે તેની ઓછી જાણીતી પદ્ધતિઓ છે. સમાધિ, સંથારો, સતી-પદ્ધતિ વગેરે દ્વારા પોતાના જીવનનો અંત લાવવાનું આપણા દેશમાં જાણીતું છે. સતી-પ્રથા સિવાયનાં કારણોમાં સરકારનું વલણ કૂણું રહ્યું છે. વિશ્વના કેટલાક દેશો એને ગુનો ગણતા નથી.

જૂના વખતમાં, ખાસ કરીને ગ્રીસમાં અને ભારતમાં પણ, આબરૂદાર સદગૃહસ્થ કે શાહી વ્યક્તિઓને ગુનાની સજા તરીકે આપઘાત કરવાની છૂટ હતી. જાપાનમાં બુદ્ધિપૂર્વક નિર્ણયથી વ્યક્તિઓ હારાકીરી (આપઘાત) કરે છે. 1985માં મુંબઈ હાઈકૉર્ટે આપઘાતને ગુનો ગણતા કાયદા વિશે શંકા ઉત્પન્ન કરેલી; પરંતુ સુપ્રીમ કોર્ટે ત્યારપછી કાયદો ઉચિત છે એમ જણાવેલ છે.

આપઘાતથી થતા મૃત્યુનો દર સ્પેન કે ઇટાલી જેવા કેટલાક દેશોમાં એક લાખ વ્યક્તિઓએ વર્ષે 10 કે તેથી પણ ઓછો છે. જ્યારે પૂર્વ યુરોપના દેશોમાં આપઘાતના કિસ્સા એક લાખ વ્યક્તિઓએ 25 કે તેથી વધારે હોય છે.

આપઘાત એક સંકુલ (complex) મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. આપઘાતના 10થી 15 પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે એ જોતાં આપઘાતના પ્રયત્નો ઘણા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે એમ કહી શકાય. પુરુષો કરતાં સ્ત્રીઓ આપઘાતના પ્રયાસો વધુ પ્રમાણમાં કરે છે; પરંતુ સ્ત્રીઓ કરતાં પુરુષો આપઘાતના પ્રયાસોમાં વધુ સફળ નીવડે છે એવું અત્યાર સુધીના અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતના યુવાનોમાં આપઘાતના વધેલા બનાવોએ સમાજ અને સરકારનું ધ્યાન ચિંતાજનક રીતે ખેંચવા માંડ્યું છે. અપરિણીત, છૂટાછેડા લીધેલ એકલી રહેતી કે વિધવા/વિધુર વ્યક્તિઓમાં થતા આપઘાતનું પ્રમાણ પરિણીત અને સંતાનવાળી વ્યક્તિઓ દ્વારા થતા આપઘાતના પ્રમાણ કરતાં વધારે જોવા મળે છે.

આપઘાત પાછળનાં પરિબળોમાં આર્થિક પરિબળો અને તેમાં થતા એકાએક ફેરફારોને મુખ્ય ગણવામાં આવે છે. તેમાં કદાચ હવામાન, પ્રદેશ વગેરે જેવાં પરિબળો પણ અસરકર્તા હશે એમ મનાય છે. ફ્રાન્સના વિદ્વાન સમાજશાસ્ત્રી ડુરખાઈમના મત પ્રમાણે આત્મહત્યાની ઘટનાને સામાજિક પરિબળોથી જ સમજી શકાય તેમ છે. સમાજમાં વ્યક્તિઓની એકલતામાં થતા વધઘટના પ્રમાણમાં સામાજિક પરિબળો જ મુખ્ય ભાગ ભજવે છે. આવી એકલતા ખિન્નતા (depression) સર્જે છે જે આત્મહત્યા સુધીની ક્રિયા કરાવે છે. ઇમાઇલ ડુરખાઈમે આત્મહત્યાના મુખ્ય ત્રણ પ્રકાર પાડ્યા છે : (1) અહંવાદી (egoistic); (2) વિસંગત (anomic); (3) પરાર્થવાદી (altruistic). તેમના મત પ્રમાણે એવાં સામાજિક પરિબળો હોય છે કે જે વ્યક્તિથી પર હોય છે અને વ્યક્તિને આત્મહત્યા કરવા દબાણ કરે છે. આમાં વ્યક્તિ કરતાં સમાજ વધારે મહત્વનો છે. વ્યક્તિ તો સમાજનું ફરજંદ છે તે હકીકત ઉપર જ ભાર મૂકેલ છે. જોકે ડુરખાઈમની આ સૈદ્ધાંતિક ભૂમિકા સંપૂર્ણ રીતે સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે તેની પણ મર્યાદાઓ સ્પષ્ટ થઈ છે.

ટૂંકમાં, આત્મહત્યા ઘણી સંકુલ વર્તનઘટના છે અને કોઈ એક પરિબળથી તેથી સંપૂર્ણ વૈજ્ઞાનિક સમજૂતી આપવી ઘણી મુશ્કેલ છે. તેનાં વિવિધ કારણો હોય છે : (1) લાંબા સમયની શારીરિક માંદગી, (2) દારૂ અને બીજા નશાકારક પદાર્થોનું વ્યસન; (3) માનસિક બીમારીઓ જેવી કે ખિન્નતા (depression), મનોવિચ્છિન્નતા (schizophrenia), સંનિપાત (delirium) વગેરે; (4) સામાજિક એકાત્મતા(social integration)નો અભાવ અને (5) નજીકના ભૂતકાળમાં બનેલા આઘાતજનક બનાવો ગણાવી શકાય.

આપઘાત કરવા માટે અનેક કારણોસર વ્યક્તિ પ્રેરાય છે. ક્યારેક વ્યક્તિ આ જીવન કરતાં વધુ સારા પરલોકના જીવન માટે આપઘાતનો માર્ગ પસંદ કરે છે. વિચ્છિન્નમનસ્કતાનો દર્દી ભ્રમ અને વિભ્રમ(hallucinations and delusions)ને કારણે આપઘાત કરે છે. ક્યારેક કોઈની સામે બદલો લેવાની ભાવનાથી વ્યક્તિ આપઘાત કરે છે, તો ક્યારેક વ્યક્તિ માટે જીવન અસહ્ય હોય છે અને તેમાંથી છૂટવા આત્મહત્યાનો એકમાત્ર માર્ગ બચ્યો હોય એમ માને છે. આધુનિક યુગમાં રાજકીય કે ધાર્મિક વિરુદ્ધ માન્યતાવાળી વ્યક્તિ કે વ્યક્તિઓને મારી નાંખવા માટે આત્મઘાતી હુમલા થાય છે. તેમાં હુમલાખોર પોતાના શરીર પર ઘાતક શસ્ત્રો (દા.ત., સ્ફોટક દ્રવ્ય) રાખીને તેની લક્ષ્ય વ્યક્તિ કે વ્યક્તિઓની સાથે સામૂહિક મૃત્યુ વહોરી લે છે. ક્યારેક આવી વ્યક્તિ તેના શરીર પરના આવા હિંસક શસ્ત્રને દૂરથી નિયંત્રિત કરીને ફોડવાની રજા પણ આપે છે. આતંકવાદની વિશ્વભરની સમસ્યામાં આત્મઘાતી આતંકવાદીઓ પણ સર્જાયા છે. તેઓ પોતાના માની લીધેલા મિશનને પૂરું કરવા મૃત્યુ વહોરી લે છે.

ઝેરી પદાર્થો/દવા લેવાં તે આપઘાત માટે સૌથી વધારે વપરાતી પદ્ધતિ છે. આ ઉપરાંત કેટલાક લોકો મરી જવા માટે ઊંચેથી કૂદી પડવું, ડૂબી મરવું, સળગી જવું કે ગળે ફાંસો ખાઈ લેવો પસંદ કરે છે. જ્યાં સ્ફોટક સાધનો અને પિસ્તોલ જેવાં શસ્ત્રો મળે છે ત્યાં આપઘાત કરવા માટે તેનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે.

આપઘાતના બનાવનું ચોકસાઈપૂર્વક પૂર્વ-અનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ છે. આમ છતાં છેલ્લાં સંશોધનો મુજબ નીચેનાં કેટલાંક પરિબળો તેમાં વધી જાય છે. જેમ કે, (1) વાર્ધક્યની યાતના, (2) દારૂનું વ્યસન, (3) વ્યક્તિના ક્રોધ, હિંસા જેવા સાહજિક આવેગોની રૂંધામણ, (4) ભૂતકાળમાં આપઘાતના પ્રયાસોમાં મળેલી નિષ્ફળતા, (5) વ્યક્તિની ક્લૈબ્ય, વંધ્યત્વ જેવી જાતીય સમસ્યાઓ; (6) મનશ્ચિકિત્સા પ્રત્યેનાં વ્યક્તિનાં અસહકાર અને પ્રમાદ, (7) વ્યક્તિની માનસિક બીમારીની ઉપેક્ષા, (8) વ્યક્તિની હતાશા કે ખિન્નતાભરી મનોદશા, (9) કૌટુંબિક સ્નેહ-સમભાવનો અભાવ અને (10) શરીરની દીર્ઘકાળની અસાધ્ય માંદગી.

જે વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોય અથવા તો જેના પર તે આપઘાત કરશે એવી શંકા જાય તેવી વ્યક્તિની તાત્કાલિક તપાસ અને સારવાર ખૂબ જ જરૂરી છે. એવી વ્યક્તિને પોતાનાં વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. વ્યક્તિને સીધા પ્રશ્નો પૂછવાથી તે આપઘાત કરવા વધુ પ્રેરાશે એવી માન્યતા ભૂલભરેલી છે. સફળતાપૂર્વક આપઘાત કર્યો હોય તેવી વ્યક્તિઓએ આપઘાતના બનાવ પહેલાં એક યા બીજી રીતે પોતાની મુશ્કેલીઓ કે વિચારો જણાવવાનો પ્રયત્ન કર્યો હોય છે; તેની આજુબાજુના લોકો એ વાત સમજી શક્યા નથી હોતા. તપાસ દરમિયાન માલૂમ પડે કે વ્યક્તિમાં આપઘાતની શક્યતા અને જોખમ વધારે છે તો તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે. તે વ્યક્તિને એકલી ન મૂકતાં તેની સાથેની વાતચીત તથા તપાસ દરમિયાન આપઘાતનું કારણ શોધવાનો પ્રયત્ન કરાય છે. આપઘાતનું કારણ શોધ્યા પછી આ કારણને દૂર કરવાનાં પગલાં વિચારાય છે; દા.ત., અસહ્ય હોય એવી કૌટુંબિક કે સામાજિક પરિસ્થિતિમાંથી વ્યક્તિને મુક્ત કરવી, ખિન્નતા હોય તો તેની સારવાર કરવી. આપઘાતના પ્રયાસ કરતા ખિન્નતાના રોગી માટે વીજળિક સારવાર (ECT) તાત્કાલિક સારવાર (emergency treatment) તરીકે અપાય છે. ખિન્નતાના દર્દીની તબિયતમાં જે સમય દરમિયાન સુધારો થતો જણાય છે તે સમય દરમિયાન આપઘાતની શક્યતા ઘણી હોય છે, તેથી દર્દીની સ્થિતિ સુધરતી જાય ત્યારે તેના પર ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે.

કેટલીક વ્યક્તિઓ આપઘાતનો પ્રયાસ પોતાના જીવનનો અંત લાવવા માટે નથી કરતી હોતી, આવા પ્રયાસ દ્વારા પોતાની અસહાય સ્થિતિ તરફ બીજાનું ધ્યાન દોરવા માગતી હોય છે. આવા પ્રયાસોમાં આપઘાત માટે ઓછી ગંભીર અને ઓછી જોખમી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આપઘાતના આવા પ્રયાસોને અંગ્રેજીમાં attempted suicide, parasuicide કહે છે. તેનાં કારણો આપઘાતનાં કારણોથી ભિન્ન હોય છે. આ પ્રકારના પ્રયાસોની પણ જરૂરી તપાસ અને કારણોની સારવાર થવી જોઈએ; કારણ કે ક્યારેક આવા ગંભીર પ્રયાસોમાં પણ અણધાર્યું જોખમ આવી પડે છે.

કેટલાક દેશોમાં વ્યાવસાયિક અને બિનવ્યાવસાયિક સંગઠનો દ્વારા આપઘાતને અટકાવવામાં મદદ કરે તેવાં કેન્દ્રો હોય છે; જ્યાં દિવસરાત સલાહ, મદદ અને સારવાર મળી શકે છે. ભારતમાં કેટલીક સામાજિક સંસ્થાઓ આ દિશામાં પ્રયત્નશીલ છે. અમદાવાદનું કાંકરિયા તળાવ અને વડોદરાનું સુરસાગર તળાવ આપઘાત માટેનાં જાણીતાં સ્થળો બન્યાં છે. કાંકરિયા તળાવની સામે પૂરીપકોડી વેચનાર લાલસિંહ રાજપૂત નામના યુવાને બસોથી વધુ આપઘાત કરનાર વ્યક્તિઓને તળાવમાં પડીને બચાવી છે. તે બદલ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર તરફથી તેમનું સન્માન થયેલું છે અને પારિતોષિક તથા પ્રશસ્તિપત્રો પણ તેમને એનાયત થયેલાં છે. ઊંચી ઇમારતો પણ આપઘાત કરવા માટે ઘણી વખત પસંદ કરાય છે.

સમાજના ઘટક તરીકે જીવવાની વ્યક્તિની ફરજ હોઈ આપઘાતના પ્રયત્નને ગુનો ગણવામાં આવે છે. ભારતીય ફોજદારી ધારા(IPC)ની મૂળ કલમ 309 મુજબ આપઘાતનો પ્રયત્ન અપરાધ બને છે, જેના માટેની સજા દંડ વિના કે દંડ સાથે એક વર્ષ સુધીની સાદી કેદ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે 1994ના એક ચુકાદામાં ભારતીય દંડસંહિતા(IPC)ની કલમ 309 રદબાતલ કરી હતી. આ કલમ હેઠળ આપઘાતની કોશિશ કરનાર વ્યક્તિને ગુનેગાર ઠરાવીને સજા ફરમાવવામાં આવતી હતી. આમરણાંત ઉપવાસીની ખરેખર મૃત્યુ પામવાની ઇચ્છા સાબિત ન થાય તો તેવા ઉપવાસ આપઘાતનો પ્રયત્ન ન ગણાય. પરંતુ કોઈ આંદોલનમાં જાતે બળી મરવા માટે કરાયેલા પ્રયત્નોને આપઘાતી કૃત્ય ગણવામાં આવે છે. કોઈ પ્રકારના જુલમ કે ત્રાસના ભયથી કોઈ ઊંચી જગ્યાએથી નીચે પડીને કે કૂવામાં પડીને મરવાનો પ્રયત્ન કરનારને અદાલતોએ આ અપરાધ માટે નિર્દોષ જાહેર કરેલા છે. આપઘાતનો પ્રયત્ન સફળ થાય તો સજાનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ તેમાં મદદ કરનારને સજા થઈ શકે છે. કેટલાક ન્યાયવિદો એમ માને છે કે જેમ માણસને જીવવાનો હક છે તેમ તેને મરવાનો હક પણ હોવો જોઈએ. અસાધ્ય રોગ કે અતિશય ત્રાસ કે નિરાશામાંથી છૂટવા માટે આવા ન્યાયવિદો આપઘાતના હકની ભલામણ કરે છે. આપઘાતનું સમર્થન કરતો વિશ્વનો સૌથી વધુ પ્રગતિશીલ કાયદો જુલાઈ 1996માં ઉત્તર ઑસ્ટ્રેલિયામાં અમલમાં મૂકવામાં આવેલો. આ કાયદા મુજબ અસાધ્ય માંદગીથી પીડાતા અને તેને લીધે સ્વેચ્છામૃત્યુની ઝંખના કરતા દર્દીને આપઘાત કરવામાં તબીબી સહાય ગ્રાહ્ય ઠરાવવામાં આવી છે. વિશ્વભરમાં આ કાયદાનો તીવ્ર વિરોધ થયો છે. વિરોધ કરનારાઓમાં રોમન કૅથલિક ધર્મના સર્વોચ્ચ વડા નામદાર પોપનો પણ સમાવેશ થાય છે. વિરોધીઓના મત મુજબ મૃત્યુની ઝંખના કરનાર ભલે સ્વેચ્છાથી મૃત્યુને ભેટવા માગતો હોય, છતાં આવી વ્યક્તિને તેમાં મદદ કરવી એ મોટું પાપ ગણાય. દરેક વ્યક્તિને કુદરતી રીતે જ મૃત્યુ આવવું જોઈએ. કેટલાક માણસો ધાર્મિક માન્યતાથી પોતાના દેહનું કર્તવ્ય કે ઉપયોગ પૂરો થયેલો માનીને અનશન દ્વારા અથવા સમાધિ કે સંથારો કરીને જીવનનો અંત લાવે છે, પણ તે ગુનો ગણાતો નથી. પરંતુ સતીની પ્રથા અનિષ્ટ હોવાથી તેને નાબૂદ કરવા માટે સામાજિક જાગૃતિ ઇષ્ટ ગણાય છે. તે ઉપરાંત એને ગંભીર ગુનો ગણીને સરકાર તેવા કિસ્સાઓમાં કડક હાથે કામ લે છે.

વિકસિત અને વિકાસશીલ દેશોમાં આપઘાત અને તે માટેનો પ્રયત્ન એ કાયદા દ્વારા સજાપાત્ર અપરાધ ગણવામાં આવ્યો છે; પરંતુ તાજેતરનાં થોડાંક વર્ષો પહેલાં વિકસિત લોકશાહી દેશોમાં અને તેમાંય ખાસ કરીને અમેરિકામાં વ્યક્તિસ્વાતંત્ર્યને આગળ ધરીને વ્યક્તિ આપઘાત કરવા માટે સ્વતંત્ર છે, તેવો કેસ ત્યાંના ન્યાયાલયમાં રજૂ કરવામાં આવેલ અને આપઘાતની સ્વતંત્રતાને ન્યાયાલયે માન્ય રાખી હોવાનો નિર્દેશ પ્રાપ્ત થયો છે. ભારતમાં સૌપ્રથમ ધ્યાન ખેંચે તેવું દૃષ્ટાંત 1986નું છે, જ્યારે મુંબઈમાં બનેલી આપઘાતની એક ઘટનામાં ન્યાયાલયે આરોપીના સંજોગો ધ્યાનમાં લઈને આપઘાતનો પ્રયત્ન કરનાર વ્યક્તિને નિર્દોષ છોડી મૂકેલ.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે આપઘાત એ વ્યક્તિગત કૃત્ય હોય છે. જ્યારે કોઈ માણસ જુદા જુદા કારણસર જીવનથી કંટાળીને પોતાના જીવનનો અંત લાવવા માગે છે અને જ્યારે તે જુદી જુદી પદ્ધતિઓમાંથી કોઈ એકનો ઉપયોગ કરી જીવનનો અંત લાવવામાં સફળ નીવડે છે ત્યારે તેણે આપઘાત કે આત્મહત્યા કરી એમ કહેવાય; પરંતુ અપવાદરૂપ કિસ્સાઓમાં આપઘાત એ સામૂહિક કૃત્ય બને એવા પણ દાખલા બન્યા છે. દા.ત., ઈ. સ. 73માં ઇઝરાયલના મસાદા મહેલમાં રોમન આક્રમણ વેળા આશરે 960 યહૂદી ધર્મપ્રેમીઓએ એકબીજાનાં ગળાં કાપીને આત્મહત્યા કરી હતી. વળી નવેમ્બર 1978માં ગિયાનાના જેન્સનગરમાં ‘શ્વેતરાત્રી’ મહોત્સવમાં ત્યાંના ‘લોકમંદિર’ સંપ્રદાયના આશરે 1,000 અનુયાયીઓ માટે પોટૅશિયમ સાયનાઇડ નામનો અત્યંત ઝેરી પદાર્થ ખાઈને સામૂહિક આત્મહત્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 913 માણસો સફળ થયા હતા. સામૂહિક આત્મહત્યાનો આવો જ એક બનાવ માર્ચ 2000માં પશ્ચિમ યુગાંડામાં બન્યો હતો, જેનું નેતૃત્વ 52 વર્ષની નીગ્રો સાધ્વી કેડોનિયા મેરિન્ડીએ સંભાળ્યું હતું. તેમાં ‘ગેબી’ સંપ્રદાયના આશરે 300 જેટલા સભ્યોને કમ્પાલા નજીકના નિર્જન પ્રદેશના એક અપૂજ્ય ગિરજાઘરમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ‘ડૂમ્સ ડે કલ્ટ’ના આ સભ્યોએ રાત્રીના સમયમાં એક ઓરડામાં બળી મરીને સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં મોટા ભાગના સભ્યો આપઘાત કરવામાં સફળ નીવડ્યા હતા. ત્યારબાદ પોલીસે કરેલ તપાસમાં એવી વાત બહાર આવી કે આ સાધ્વીએ પોતાના કલ્ટના 2,200થી 3,000 જેટલા સભ્યોને આ રીતે જુદા જુદા સમયે અને જુદા જુદા સ્થળે મોતને ઘાટ ઉતાર્યા છે. શ્રીલંકામાં છેલ્લા લગભગ બે દાયકાથી ચાલી રહેલા આંતરવિગ્રહમાં એલ.ટી.ટી.ઈ. દ્વારા તાલીમ પામેલ આત્મઘાતી ઉગ્રવાદીઓ દેશના રાજકારણીઓ અને સૈનિકો સામેની ઝુંબેશમાં જે તકનીક અપનાવી રહ્યા છે તે પણ આત્મહત્યા જ ગણાય, જોકે તેનો હેતુ વ્યક્તિગત નહિ, પરંતુ રાજકીય હોય છે. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરનાર ધનુ નામની મહિલા એલ.ટી.ટી.ઈના આત્મઘાતી જૂથની સભ્ય હતી એવી હકીકત બહાર આવી છે. કાશ્મીરમાં પણ ‘ફિયાદીન’ નામથી ઓળખાતા ઉગ્રવાદીઓએ આત્મઘાતી તકનીકનો અમલ શરૂ કર્યો છે. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન શત્રુનાં જહાજોનો નાશ કરવા માટે જાપાન દ્વારા જે ટૉર્પીડો છોડવામાં આવતી હતી તેનું સંચાલન કરવા માટે તે દરેકમાં એક જાપાની સૈનિક ગોઠવવામાં આવતો હતો. શત્રુના જહાજ પર ટૉર્પીડો અથડાય કે તેની સાથે જાપાની સૈનિકનું મૃત્યુ પણ નિશ્ચિત જ રહેતું હતું.

વીસમી સદીના છેલ્લા 2-3 દાયકાઓમાં આપઘાતથી થતા મૃત્યુનો દર સ્પેન કે ઇટાલી જેવા દેશોમાં એક લાખ વ્યક્તિએ વર્ષે 10 કે તેથી પણ ઓછો હતો. તેની સામે પૂર્વ યુરોપના દેશોમાં આપઘાતના કિસ્સા એક લાખ વ્યક્તિએ 25 કે તેથી વધારે રહેતા હતા. 1991ના આંકડા મુજબ વિશ્વમાં આત્મહત્યાનો સૌથી ઊંચો દર શ્રીલંકામાં દર એક લાખની વસ્તીએ 47નો છે. તે પૂર્વે હંગેરીનો ક્રમ મોખરે હતો. તેવી જ રીતે જૉર્ડનનો દર વિશ્વમાં સૌથી નીચો, એક લાખની વસ્તીદીઠ માત્ર 0.04 (1970) નોંધાયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા(WHO)ની ગણતરી અને અંદાજ મુજબ 2000ની સાલમાં વિશ્વના દસ લાખ લોકોની આપઘાતને કારણે મરવાની શક્યતા હતી. આ રીતે આપઘાતથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યાનો દર દરેક એક લાખ વ્યક્તિએ 16 રહેવાની શક્યતા હતી, જે પ્રતિ 40 સેકન્ડે એક વ્યક્તિના આપઘાતનો નિર્દેશ કરે છે. આ સંસ્થા આગળ જણાવે છે કે છેલ્લાં 45 વર્ષ(1955-2000)માં વૈશ્વિક સ્તર પર આપઘાતના પ્રમાણમાં 60 ટકા જેટલો વધારો નોંધાયો છે. 15-44ના વયજૂથના લોકોમાં મૃત્યુનાં ત્રણ મુખ્ય કારણોમાં આપઘાતનો પણ હવે સમાવેશ થાય છે. વળી આપઘાતના સફળ પ્રયત્નની સરખામણીમાં તેના નિષ્ફળ પ્રયત્નો 20 ગણા વધારે હોય છે. વિશ્વના ત્રીજા ભાગના દેશોમાં મોટી ઉંમરની વ્યક્તિઓ દ્વારા થતા આપઘાત કરતી યુવાન વયની વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા આપઘાતનું પ્રમાણ એટલું બધું વધ્યું છે કે તે આ બાબતમાં સૌથી વધારે જોખમી જૂથ બન્યું છે.

આપઘાતના કુલ કિસ્સાઓમાં માનસિક વિકૃતિ (mental disorders), જેવી કે ખિન્નતાને કારણે થતા આપઘાતનું પ્રમાણ 90 ટકા કરતાં પણ વધારે હોય છે.

અમેરિકાના સેન્ટર્સ ફૉર ડિઝીઝ કન્ટ્રોલની એક યાદી મુજબ ખૂન કરતાં આપઘાતને કારણે થતા મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. ખૂન કરતાં આપઘાતને કારણે થયેલ મૃત્યુનું પ્રમાણ 1997માં દોઢગણું વધારે હતું. એકંદરે વિચારીએ તો અમેરિકાની કુલ જનસંખ્યા માટે આપઘાત એ મૃત્યુનું આઠમા ક્રમનું મહત્વનું કારણ બન્યું છે; જ્યારે 15–24 વયજૂથ માટે તે ત્રીજા ક્રમનું મહત્વનું કારણ બની ગયું છે. અમેરિકામાં સ્ત્રીઓ કરતાં પુરુષો દ્વારા થતા આપઘાતનું પ્રમાણ ચાર ગણું વધારે નોંધાયું છે; તેમ છતાં સ્ત્રીઓ દ્વારા થતા આપઘાતના નિષ્ફળ પ્રયાસોનું પ્રમાણ પુરુષો દ્વારા થતા નિષ્ફળ પ્રયાસ કરતાં વધારે નોંધાયું છે.

નીચેના કોષ્ટકમાં આપઘાત અંગે ભારતની 1995ના વર્ષની વિગતો રજૂ કરવામાં આવી છે.

વયજૂથ અને લિંગ/જાતિને આધારે ભારતમાં આપઘાતોની સંખ્યા (1995)

લિંગ/જાતિ 14 વર્ષ
સુધીનાં
1529
વર્ષ
3044
વર્ષ
4559
વર્ષ
60+
વર્ષ
કુલ
પુરુષો 1,504 18,666 18,201 10,244 3,742 52,357
સ્ત્રીઓ 1,670 17,812 10,883 4,699 1,757 36,821
કુલ 3,174 36,478 29,084 14,943 5,499 89,178

2019 પ્રમાણે ભારતમાં આપઘાતોની સંખ્યા

18 વર્ષથી નીચેના

9,061

18થી 30 વર્ષ

48,077

30થી 45 વર્ષ

44,029

45થી 60 વર્ષ

25,044

60 વર્ષથી વધુ વયના

11,001

કુલ

1,37,212

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે 71 ટકા આપઘાત પાછળ માનસિક કારણો જવાબદાર હતાં.

આંકડા પ્રમાણે ભારતમાં દરરોજ સરેરાશ 381 લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવી લે છે. આપઘાત કરવાનું વલણ વધ્યું છે. 2017માં કુલ 1,29,887 લોકોએ આત્મહત્યા કરી હતી. 2018માં 1,34,516 લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. 2020માં આંકડો 1.39 લાખ થયો હતો.

એન.સી.આર.બી.(નૅશનલ ક્રાઇમ રિસર્ચ બ્યૂરો)ના 1994ના અહેવાલ મુજબ ભારતમાં દર છ મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે; જેમાં 18 વર્ષની ઉંમરના યુવાનોનું પ્રમાણ 11 ટકા, 18–30 વયજૂથની વ્યક્તિઓનું પ્રમાણ 63 ટકા તથા 30થી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ 26 ટકા હોય છે. આ આંકડાઓ સાબિત કરે છે કે આત્મહત્યા કરીને મૃત્યુને ભેટનાર 74 ટકા વ્યક્તિઓ 30 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી હોય છે. ઉપર દર્શાવેલ કોષ્ટક પણ આ તારણને સમર્થન આપે છે. આત્મહત્યા એ સમાજવિમુખતાની લગભગ પરાકાષ્ઠા લેખાય. આત્મહત્યાનું પગલું લઈ જીવનનો અંત લાવનાર વ્યક્તિઓમાંથી આશરે 70 ટકા વ્યક્તિઓ તીવ્રતમ હતાશાનો અનુભવ કરતી હોય છે અને સાથોસાથ તે લઘુતાભાવનો શિકાર થયેલી હોય છે.

ભરત નવીનચંદ્ર પંચાલ

જતીન વૈદ્ય

  છોટાલાલ છગનલાલ ત્રિવેદી
એચ. જી. પટેલ

બંસીધર શુક્લ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે
શિલીન નં. શુક્લ