આનંદમઠ (1882) : બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની અત્યંત લોકપ્રિય નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એ પૂર્ણાંશે ઐતિહાસિક કૃતિ નથી. મુસલમાન શાસકો નિષ્ક્રિય, વિલાસી અને પ્રજાપીડક હોવાથી એમની સામે વિદ્રોહ કરવા સંતપ્ત સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી. એ સંપ્રદાયની પ્રવૃત્તિઓ ગુપ્ત હતી. એ સંપ્રદાય દેવીભક્ત હતો અને વિદ્રોહમાં સફળતા માટે દેવીની આરાધના કરતો. રાષ્ટ્રીય સંગ્રામમાં અને બંગભંગના વિરોધમાં પ્રજાપ્રેરક બનેલું ‘વન્દે માતરમ્’ ગીત આનંદમઠના સંતપ્ત સંપ્રદાયીઓનું પ્રેરણાગીત છે. સંતપ્ત સંપ્રદાયની શક્તિનો સ્રોત છે સત્યાનંદ, અને સત્યાનંદની જોડે જીવાનંદ અને ભવાનંદ છે. સાધુઓના સંપ્રદાયની બહારના લોકો જે સંપ્રદાયને સક્રિય સહાય કરનાર અને રાજકીય તથા સામાજિક ક્રાન્તિ લાવવામાં સહાયભૂત થાય છે, તે છે મહેન્દ્ર, કલ્યાણી અને શાંતિ. ત્રણેયનું પાત્રનિરૂપણ સ્વાભાવિક અને જીવંત છે. આ નવલકથામાં જ સ્વરાજ્યનો પ્રથમ શંખધ્વનિ ફૂંકાય છે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં આ કથાના ‘વન્દે માતરમ્’ ગીતે અત્યંત મહત્વનો ભાગ ભજવેલો. સ્વાતંત્ર્ય પૂર્વે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ એને રાષ્ટ્રગીત તરીકે અપનાવેલું અને બંધારણસભાએ પણ તેને ‘જનગણમન’ની સાથે રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી છે.

ચન્દ્રકાન્ત મહેતા